Get The App

ભાજપના ઘમંડનો ઘોંઘાટ .

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભાજપના ઘમંડનો ઘોંઘાટ                           . 1 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. આ વખતે ટિકિટોની ફાળવણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રતિષ્ઠાનો ધ્વજ અરધી કાઠીએ આવી ગયો છે. તે આ પ્રચારથી કંઈ ઉપર ચડે એમ નથી. કાર્યકરોના મનમાં બહુ સંતાપ છે. કોઈને ટિકિટ ન આપવી તે પક્ષના મનની વાત છે અને પક્ષનો અધિકાર પણ છે, પરંતુ ટિકિટ ફાળવી દીધા પછી મેન્ડેટ આપ્યા પછી સ્ટેજ પર બેઠેલા ઉમેદવારને ઊભા કરીને બીજાને ટિકિટ આપવાના જે કાવાદાવા આ વખતે જોવા મળ્યા એવું અગાઉ ક્યારેય થયું નથી. આવા ધંધાથી ભાજપ એક હલકા પક્ષની વ્યાખ્યામાં સરી પડયો. અમે શ્રેષ્ઠ છીએ એમ માનતા હોય એ લોકોને જો તમે શોધી શકો તો પછી બેવકૂફોની અલગથી યાદી બનાવવાની જરૂર રહેતી નથી. ઘમંડનો ઘોંઘાટ આ વખતે એટલો બધો હતો કે સાચા ઉમેદવારની વાત સાંભળવા કોઈ તૈયાર ન હતું.

જે જે લોકોએ પોતાના પક્ષની મંજુરી વિના ફોર્મ પાછા ખેંચ્યા છે એમનો તો વળી લાંચના છટકા જેવો અલગ ઈતિહાસ છે. અનેક ઉમેદવારોએ પાંચ વરસની જાતરા કર્યા વિના ઘરની અભરાઈ ભરવાના નુસખારૂપે પોતાના પક્ષને છેહ દીધો છે. ભાજપે જેમને સાત ભવેય પ્રજા ઉમેદવાર તરીકે જોવા ચાહતી નથી એવા કાળા કાચની મોટરવાળા ને નંબર પ્લેટ વગરની ગાડીઓવાળા રજિસ્ટર્ડ માથાભારે તત્ત્વોને પણ ટિકિટ આપેલી છે. જે વોર્ડમાં રહેતા જ ન હોય એમને પણ આ વખતે ઈતર હિલચાલથી ઊભા રહેવાની તક મળી છે. ભાજપના કેટલાક એવા દયાપાત્ર કાર્યકરો, કે જેઓ ભાજપમાં કે રાજકારણમાં હોવાને કારણે તેમના વેવિશાળ કે વિવાહ થતા નથી, તેમના પ્રત્યે પણ પક્ષે ધ્યાન આપ્યું નથી એટલે એવા કાર્યકરોએ ઘરનો અને બહારનો એમ બેય ઠપકો ખાવાનો વારો આવ્યો છે.

વળી, આવી ઘટનાઓ એકલદોકલ નથી. લાયક પડયા રહે અને ગેરલાયક ઘોડે ચડે એવા કિસ્સાઓ ઠેર ઠેર એટલે કે કોર્પોરેશનો, નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ જોવા મળે છે. આ બધી અવળમતિનું પરિણામ એ આવ્યું કે અત્યારે ઉમેદવારો પરસેવે રેબઝેબ છે અને કાર્યકરો લાપતાગંજમાં જતા રહ્યા છે. ઘમંડના ઘોંઘાટમાં લગભગ બધા જ ઉમેદવારો વિઝનશૂન્ય છે. એક ઉમેદવારને ટીવી એન્કરે પૂછયું કે તમારો વોર્ડ ક્યો છે તો તેઓ જાણતા ન હતા. આ શહેરમાં પક્ષના શહેર પ્રમુખ કોણ છે તો ઉમેદવાર મહિલાને ખબર ન હતી. સંગઠનથી સાવ અપરિચિત અનેક શહેર-જિલ્લામાં આવા પેરેશૂટથી ઉતરી આવેલા ઉમેદવારોની ખિચડી ભાજપે બનાવી છે.

આખા રાજ્યમાં આ વખતે ટિકિટોમાં જાતજાતના ખેલ થયા છે. પરાજયના ભયને કારણે કેટલીક બેઠકો બિનહરીફ કરવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ ભાજપે અપનાવેલી છે ને એના આધાર પુરાવાઓ શેરીએ શેરીએ લોકમુખે છે. ફોર્મ પાછા ખેંચેલા ઉમેદવારનો વોર્ડમાં ઉપહાસ કરી હુરિયો બોલાવતા વીડિયો પણ વાયરલ થયેલા છે. આ બધા ધંધા પબ્લિકની નજર સામે થયેલા છે અને એને કારણે ભાજપની કોંગ્રેસ કરતા પણ ખૂબ જ ખરાબ છાપ પડી છે. જે દિવસથી સંસદના પગથિયાંને નરેન્દ્ર મોદીએ વંદન કરીને એમાં પ્રવેશ કર્યો તે દિવસથી તેઓ જ્યારે નિવૃત્ત થશે તે દિવસ સુધીનો એનો એકમાત્ર એજન્ડા જવાહરલાલ નહેરુ સહિતની કોંગ્રેસ પરંપરાની નિંદા કરવાનો છે અને એ તો સૌ જાણે છે.

પરંતુ હવે ભાજપ નિંદા કરવા માટે પણ કોંગ્રેસનું સતત ચિંતન કરતો હોવાને કારણે એનામાં કોંગ્રેસના, કોંગ્રેસથી પણ ખરાબ લક્ષણો પ્રગટ થવા લાગ્યાં છે. ભાજપના દુર્ભાગ્યે હવે કોંગ્રેસ પક્ષ ભાજપ કરતા ઓછો ખરાબ પક્ષ હોય એવું ચિત્ર ઊભું થવા લાગ્યું છે. જોકે ભાજપ, કોંગ્રેસ કે નવા નિશાળિયા આમ આદમી પાર્ટીવાળા બધા માસિયાઈ ભાઈઓ-બહેનો જ છે. એટલે આ આખી કઝિન કંપનીના મૂળ મોહ, સ્વાર્થ અને રાજકાજમાંથી શ્રીમંત થવાના એઓનાં સપનામાં ઘણી સમાનતા છે. અત્યારે મતદારોનું મૌન અકળ છે. અનેક વોર્ડમાં રાત્રિ ભોજન સમારંભો ચાલે છે. રાજ્યના કેટલાક પ્રધાનોના મહાનગરોમાં રોડ શો યોજવામાં આવ્યા છે ને એ માટે ગીચ-સાંકડા રસ્તાઓ પસંદ કરવામાં આવ્યા છે જેથી પ્રધાનને ભારે ભીડવો અનુભવ થાય અને રેલીને સફળતા મળી એમ કહેવા ખાતર કહી શકાય.