For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સર્વકાલીન સામુદ્રિક વિવાદ .

Updated: Nov 22nd, 2022

Article Content Image

ભારતમાં ચોમાસુ પૂર્ણ થયા પછી એટલે કે છેલ્લા એક મહિનામાં દુનિયાના દસથી વધુ દેશોમાં વિવિધ નામે ઝંઝાવાતો ત્રાટક્યા છે. ક્યાંક શીતકાલીન બરફવર્ષા તો ક્યાંક ધોધમાર વરસાદ. કોઈ દેશમાં પવનનો ભારે વંટોળ તો ક્યાંક ઘેલી નદીઓના પૂર. આ વખતે બદલાયેલા હવામાનને કારણે અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોને બે વિમાનવાહક જહાજોને દક્ષિણ ચીની સમુદ્ર તરફ મોકલ્યા હતા એને અરધે રસ્તે જ સ્થિર કરી દીધા. અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં ભારતીય યુદ્ધજહાજોનો સ્વૈરવિહાર તો એક સર્વકાલીન ક્રમ છે. દુનિયાના કેટલાક ટોચના નૌકાદળમાં ભારતની ગણના છે. ભારતે દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાનું - સંરક્ષણની પહેલી હરોળનું - યુદ્ધજહાજ તૈનાત કરેલું છે. એનાથી આખી એશિયન દરિયાઈ સીમાઓમાં અગન પલિતો ચંપાયો છે અને આપમેળે જ પોતાને આ જળક્ષેત્રના માલિક માનતું ચીન ખિન્ન થયું છે. દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકન અને ભારતીય યુદ્ધ જહાજોની ઉપસ્થિતિએ વાતાવરણ તંગ કર્યું છે.

ભારત ચાહે ત્યારે પોતાના મિત્રરાષ્ટ્ર જાપાનના યુદ્ધજહાજોને પણ કવાયતના બહાને અહીં બોલાવી લે છે. ભારતીય નૌકાદળ આ વિસ્તારમાં અન્ડરવોટર વેસલ પણ અવારનવાર મોકલે છે. હાલ ભારતે તરતું મૂકેલું યુદ્ધજહાજ સમગ્ર દક્ષિણ ચીની સમુદ્ર પરની એક ટેક્નોલોજિકલ ઓબ્ઝરવેટરી પણ છે, જે પ્રતિક્ષણ આ વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રની માહિતી ભારત અને અમેરિકા બન્નેને એકસાથે મોકલે છે. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીને વિમાનવાહક જહાજને તોડી નાખવા સક્ષમ એવી મિસાઈલનું પરિક્ષણ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે અને ભારત જેવા દેશો ઉપર ધાક બેસાડવાનો પણ પ્રયત્ન કર્યો છે. ચીનની આ ચેષ્ટા સામે અમેરિકાની તીખી પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક છે. ચીનના આ શક્તિના પ્રદર્શન સામે અમેરિકાએ પણ પોતાનો ગરમ મિજાજ દર્શાવ્યો જેને લીધે એવી આશંકા જાગી છે કે નજીકના ભવિષ્યમાં દક્ષિણ ચીની સમુદ્ર આંતરરાષ્ટ્રીય અખાડો બની જશે.

ચીને પણ આક્રમક નીતિ અપનાવી છે અને તેની જાહેરાત કરવામાં ખચકાટ નથી અનુભવ્યો. ચીને કહ્યું કે અમેરિકા પોતાના સૈનિકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યું છે. ચીન વિશ્વ સમક્ષ અળખામણું થાય તેના માટે ઘણા પ્રયત્નો થઈ ચૂક્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીકા અને એમાં ચીનની સંડોવણીનો સરાજાહેર આરોપ અમેરિકાએ વારંવાર કર્યો છે. કોરોના વાયરસને ચાઈનીઝ વાયરસ નામ પણ અમેરિકાએ આપેલું છે. ચીન અને અમેરિકા બંને ડાઘિયા કૂતરાની જેમ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર વર્તન કરે છે. સ્વાભાવિક છે કે બંને સુપરપાવર દેશ વચ્ચેનો તણાવ જલ્દીથી ઓછો નહીં થાય. ચિંતાની વાત એ છે કે ચીન અને અમેરિકા બંને સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની સુરક્ષા પરિષદના કાયમી સભ્યો છે, બંને વિટો પાવર ધરાવે છે અને બંને પાસે એટમિક તાકાત છે. આ બંને દેશો કોઈ પણ કરારનું પાલન કરવામાં માનતા નથી. જો સુરક્ષા ક્ષેત્રના કાયમી સભ્યો જ યુદ્ધ કરે તો એશિયાની સ્થિતિ શું થશે?

નિઃશંકપણે દક્ષિણ ચીની સમુદ્રનો વિસ્તાર એશિયાના પ્રશાંત મહાસાગર બાજુના વિસ્તારમાં સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર બની ગયો છે. ચીને પોતાના નવા માનવસર્જિત ટાપુ ઊભાં કરી દીધાં છે અને તેના પર શસ્ત્રો અને સૈન્યની જમાવટ કરી દીધી છે. અમેરિકાને ચીનના આ જ વલણ સામે વાંધો છે કે દક્ષિણ ચીની સમુદ્ર કે જે આંતરરાષ્ટ્રીય છે અને એના પર કોઈ એક દેશનો હક નથી તેના ઉપર ચાઈનીઝ લશ્કર પોતાનો અડ્ડો જમાવે જ શું કામ? અમેરિકા દક્ષિણ ચીની સમુદ્રમાંથી ચાઈનીઝ લશ્કરને હટાવવા માટે કોઈ મોટું પગલં  ભરે એ પહેલાં જ ચીને સમુદ્રમાં મિસાઈલનું પરીક્ષણ કરીને પાણી પહેલા પાળ બાંધી દીધી. અમેરિકાને ચીન હવે સંકટ લાગી રહ્યું છે. અમેરિકા આખી દુનિયા માટે વીસમી સદીમાં ખતરાજનક સાબિત થયેલું એ પણ ન ભુલાવું જોઈએ. હવે ધીમે ધીમે એ સ્થાન ચીન લઈ રહ્યું છે.

અમેરિકા તેના બીજા મિત્ર દેશો સાથે ચીની સમુદ્રમાં પોતાની હયાતી દાખવવાના વ્યાપક પ્રયત્નો કરે છે. પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરની વચ્ચેનો આ વિસ્તાર સમુદ્રી અવરજવર માટે ખૂબ મહત્ત્વનો છે. અનેક વ્યાપારી જહાજો આ વિસ્તારમાંથી રોજ પસાર થતા હોય છે. ઇન્ડોનેશિયા અને વિયેતનામની વચ્ચે રહેલો દક્ષિણ ચીની સમુદ્ર બૃહદરૃપે ફેલાયેલો છે. દુનિયામાં જેટલો સમુદ્રી વિસ્તાર છે એનો વીસ ટકા વિસ્તાર આ સમુદ્ર છે. સાત દેશોથી ઘેરાયેલા દક્ષિણ ચીની સમુદ્ર પર આધિપત્ય જમાવવાના મુદ્દે ચીન ભૂતકાળમાં વિવિધ દેશો સાથે ઘર્ષણમાં ઉતર્યું છે.

Gujarat