સંસ્કૃત શાસ્ત્રોમાં સર્પ-રજ્જુ ન્યાયનો ઉલ્લેખ છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક રંગ બદલતા રાજનેતા છે. દુનિયાને એનો બહુ જ કડવો અનુભવ છે ને હજી પણ તેઓ સત્તામાં છે એટલે છેલ્લે છેલ્લે પણ તેઓ અધિક કટુ અનુભવોનો કુંભ આ પૃથ્વી પર અભિષેક કરતા જવાના છે. કેટલા બધા દેશોના કેટલા બધા લોકોની જિંદગીને એમણે નુકસાન કર્યું છે, એના પર વિચાર કરવાનો એમની પાસે સમય નથી. આ બહુ ચાલાક પ્રાણી છે. સામાન્ય રીતે દુનિયાના દેશોમાં એક જમાનામાં ઈરાક-ઈરાન શબ્દ સાથે બોલાતા હતા. જાણે કે યુગ્મ રાષ્ટ્ર હોય એવી રીતે એનો ઉલ્લેખ થતો હતો. હવે પરિસ્થિતિ એવી આવી છે કે ખરેખર ઈરાક-ઈરાન એક સરખા થવાની અણી ઉપર છે. ડોનલ્ડ ટ્રમ્પ ક્યારેક એવા લાગે છે કે અંધારામાં ભૂલમાં એના પર આપણો પગ પડી જાય તો જીવલેણ ડંખ આપે એવો આ સાપ છે અને ક્યારેક તેઓ યુદ્ધમાં એવી પીછેહઠ કરે છે કે સૌને લાગે છે કે આ તો દોરડું છે અને એને હાથમાં લઈને રમાડી શકાય છે.
ક્યારેક સાપ અને ક્યારેક દોરડાની આ રમતે જગતને ભ્રમણામાં રાખેલું છે. ઈરાકના શાસક સદ્દામ હુસેન એ યાત્રામાંથી બહુ વહેલા પસાર થઈ ચૂકેલા છે અને પોતાની જિંદગી કુરબાન કરી ચૂકેલા છે જેમાં ઈરાનના વડા આયાતોલ્લાહ ખામેની પણ શહીદ થયા ને એના પછીના અન્ય ઈરાની નેતાઓ હવે એ જ વિષયકમાંથી પસાર થઈ રહ્યા છે. અમેરિકાનો સ્વભાવ છે કે એ પહેલા કૂતરાને હડકાયું જાહેર કરે છે અને પછી એને હણે છે જેથી દુનિયા એમ માને કે જે થયું તે યોગ્ય થયું. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ પેન્ટાગોનની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે કામ કરી રહ્યા છે. ઈરાકમાં સદ્દામ હુસેન એક સ્વતંત્ર રાજનેતા હતા અને ભારત સહિતના દેશો સાથે એના વિશાળ એશિયન સંબંધો હતા. તેઓએ પણ ક્યારેય અમેરિકાની દાદાગીરી સ્વીકારી ન હતી.
પરંતુ તેમના ઉપર પણ પરમાણુ અને કેમિકલ શસ્ત્ર ભંડારનો આરોપ મુકવામાં આવ્યો હતો અને વિવિધ સેટેલાઈટ તસવીરોથી દુનિયાને વ્યર્થ રીતે એવું સમજાવવામાં આવ્યું હતું કે આ ઈરાકમાં આખી દુનિયાને ખતમ કરી શકે એવા ખતરનાક રાસાયણિક શસ્ત્રો છે. યુદ્ધ પૂરું થયું ત્યારે અમેરિકાએ અગાઉ વહેતી કરેલી દંતકથા પ્રમાણેના કોઈ શસ્ત્રભંડાર ત્યાંથી મળ્યા ન હતા. હકીકતમાં પેન્ટાગોન એ થિયરી ઉપર કામ કરતું હતું કે નાઇન ઇલેવનની દુર્ઘટનાનું માસ્ટર માઈન્ડ સદ્દામ હુસેનનું છે. જો કે આજે પણ દુનિયાના સર્વકાલીન ટોપ ટેન કમાન્ડરોમાં સદ્દામ હુસેનનું નામ છે. ઓસામા બિન લાદેન તો સદ્દામની થિયરી પર પ્રેક્ટિસ કરતા હતા. આ માન્યતા પેન્ટાગોનની છે. એને કારણે અમેરિકાએ ઇરાક સામે ભયાનક યુદ્ધ કર્યું હતું. હકીકત એ હતી કે ઈરાક પાસે સામાન્ય અથડામણને પાર કરવા માટેના શસ્ત્રો પણ ન હતા.
યુદ્ધમાં એક તબક્કો એવો આવ્યો કે અમેરિકન સેનાને પાછી પાછી ધકેલવા માટે રણ વિસ્તારમાં ફિલ્મના શૂટિંગમાં કામ આવે એવા વિશાળ પંખાઓ ચાલુ કરાવીને આંધી ઉભી કરવામાં આવી હતી. સદ્દામની યુદ્ધ લડવાની આ સૌથી મજબૂર પરિસ્થિતિ હતી. યુદ્ધના દિવસો દરમિયાન બગદાદમાં સન્નાટો છવાઈ ગયો હતો અને એ શહેર લગભગ ખંડેર જેવું થઈ ગયું હતું. બગદાદ કા બાદશાહ કહેવાતા સદ્દામનું પતન કેવી રીતે થયું એની પછીની કથા જાણીતી છે. પરંતુ એ સમયે અમેરિકાએ ઇરાકની સાથે વાટાઘાટો કરવાના જે નાટકો કર્યા અને સતત ઈરાકને પોતાના સ્વાભિમાન અને વ્યર્થ રાષ્ટ્રવાદ માટે ઉશ્કેર્યું તે જ મોડેસ ઓપરેન્ડી ઈરાન સામે ચાલી રહી છે. ઈરાન પણ પોતાના પતન માટે ઉત્સુક હોય તે રીતે વિકરાળ મહાસત્તા સામે ઘુરકિયા કરી રહ્યું છે. આનું પરિણામ સારું આવવાનું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ઈરાન પર ત્રાટકવાની તૈયારી કરે છે અને પછી પીછેહઠ જ કરે છે એ અંગે મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ ખંડકાવ્ય ઋતુ સંહારમાં વર્ષાતુના વર્ણનમાં એક શ્લોક લખેલો છે. કાલિદાસ કહે છે કે વરસાદનો પહેલો રેલો શેરીમાંથી પસાર થઈ રહ્યો છે અને તે જોઈને નવયુવાન દેડકાને કૌતુક થાય છે. એક ક્ષણે એને લાગે છે કે આ પાણી છે એટલે કૂદકો મારીને તે તરફ આગળ વધે છે ને બીજી ક્ષણે એ પાણીના રેલાનો આકાર સાપનો હોવાથી ફરી એ પાછા પગે કૂદકો મારી પીછેહઠ કરે છે. આમ ઘડીક એ રેલાની નજીક અને ઘડીક એ રેલાથી દૂર જાય છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાન પરત્વેની વર્તણુક અત્યારે આવી જ છે. કાચબાનું પેટ, સ્ત્રીનું ચરિત્ર અને ડોનાલ્ડ ટ્રમ્પનું મન કોઈ જોઈ શકતું કે જાણી શકતું નથી.


