મનરેગા-કૌભાંડોનું સ્મારક .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી દસ વરસ પહેલા લોકસભામાં કહ્યું હતું કે લોકો પૂછે છે કે તમે મનરેગા યોજના બંધ કરવાના છો? તો એનો જવાબ એ છે કે હું આ યોજના કદી બંધ કરવાનો નથી, કારણ કે આ કોંગ્રેસની નિષ્ફળતાઓનું સ્મારક છે. મોદી ઓન મનરેગા ઈન પાર્લામેન્ટ એટલું લખવાથી યૂટયૂબ પર રાજકીય સૂઝબૂઝ ધરાવતું એ વ્યાખ્યાન સાંભળી શકાય છે. પરંતુ દુર્ભાગ્યે હવે આ યોજના ભાજપની નિષ્ફળતાઓનું સ્મારક બનવા લાગી છે. એ એક સ્થાપિત હકીકત છે કે મોટાભાગની સરકારી યોજનાઓ તેમનાં લક્ષ્યો સુધી પહોંચતી નથી. આમ જનતાએ પણ એ વાતથી વાકેફ છે કે સરકારની તિજોરીમાંથી નિકળેલા ૧૦૦ રૂપિયામાંથી તેમના સુધી કેટલા પહોંચે છે. મહત્ યોજનાઆ ભ્રષ્ટાચારનો શિકાર બને છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગાની સ્થિતિ પણ આનાથી અલગ નથી. આ યોજના એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી કે ગરીબ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસ રોજગાર મળી શકે અને તેમને તેમના ગુજરાન માટે અન્ય કોઈ યોજના પર આધાર રાખવો ન પડે. પરંતુ ભ્રષ્ટાચાર તેના શરૂઆતના વર્ષોમાં જ ખુલ્લું પડવા લાગ્યું.
ભ્રષ્ટ આચરણને રોકવા માટે ઘણાં પગલાં લેવામાં આવ્યા, પરંતુ તેને સંપૂર્ણપણે રોકી શકાયું નથી. આ યોજનાને બંધ કરવાનો કે તેના ફોર્મેટમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકાયો નહીં, કારણ કે બંધારણમાં તેની ખાતરી આપવામાં આવી છે. સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારનું જાળું સંબંધિત વિભાગોમાં જ વણાયેલું હોય છે. તાજેતરનું ઉદાહરણ ગુજરાતમાં મનરેગા હેઠળ નકલી કાર્ય અમલીકરણ દસ્તાવેજો તૈયાર કરીને કરોડો રૂપિયાની કમાણી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં અગિયાર લોકોની ધરપકડ કરી છે, જેમને રસ્તા, ડેમ વગેરેના બાંધકામ માટે સામગ્રી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કૌભાંડ એટલું મોટું થઈ ગયું છે કે તેણે રાજકીય વળાંક લીધો છે. રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રીના બે પુત્રોની પણ તેમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની એજન્સીઓ મનરેગા પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતી. તેણે કામ પૂર્ણ કર્યા વિના નકલી દસ્તાવેજો રજૂ કરીને ચુકવણી મેળવી. તેમણે જે મનરેગા પ્રોજેક્ટ્સમાં છેતરપિંડી કરી હતી તે દેવગઢ બારિયા સહિતના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહ્યા હતા. આ ઉપરાંત, હાલમાં, તપાસમાં, આવી પાંત્રીસ એજન્સીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમણે સરકારી અધિકારીઓ સાથે મળીને, ૨૦૨૧થી ૨૦૨૪ વચ્ચે નકલી દસ્તાવેજોના આધારે એકત્રીસ કરોડ રૂપિયાની ચુકવણી મેળવી છે. અત્યાર સુધી, આ ધરપકડો એક જિલ્લાનાં તથ્યોના આધારે કરવામાં આવી છે, જે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી એટલે કે ઘઇઘછની તપાસમાં પ્રકાશમાં આવ્યા હતા. તેથી, સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ કુલ કેટલું મોટું કૌભાંડ થયું હશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. જે આદિવાસી વિસ્તારોમાં આ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, ત્યાં મૂળભૂત સુવિધાઓની સ્થિતિની કલ્પના કરી શકાય છે, પરંતુ તે ફક્ત કાગળ પર જ રહી ગઈ.
ગમે તે કામ દેખાડા માટે કરવામાં આવે છે, તેની ગુણવત્તા હંમેશા શંકાસ્પદ હોય છે. તેમાં વપરાતી સામગ્રી અને કારીગરી એટલી નબળી છે કે રસ્તાઓ, પુલો વગેરે પહેલા વરસાદમાં જ ધોવાઈ જાય છે. મોરબી પુલ જેવી ઘટના વારંવાર ભ્રષ્ટાચારની ચાડી ખાતી જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ગ્રામીણ વિકાસના નામે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ તેના કારણે ગામડાઓનો ચહેરો ખરેખર કેટલો બદલાયો છે તે તો ત્યાંના રહેવાસીઆઓ સારી રીતે જાણે છે. એવા સમયે જ્યારે ૮૦ કરોડથી વધુ લોકો મફત રાશન પર નિર્ભર છે, ત્યારે મનરેગા જેવી રોજગાર ગેરંટી યોજનામાં આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર વિકાસના દાવાઓની મજાક કહેવાશે. ગુજરાતને વિકાસના મોડેલ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. જ્યારે અહીં પરિસ્થિતિ આવી હોય, ત્યારે અન્ય રાજ્યોમાં આ યોજનાની સ્થિતિની કલ્પના કરી શકાય છે.
દેવગઢ બારિયા પ્રકરણમાં ડેટા ક્લાર્ક દ્વારા ઉચ્ચ સરકારી અધિકારીઓના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ઘણો ગંભીર સંકેત છે. ખરેખર સરકારના વિવિધ ખાતાઓમાં ઓડિટ અને ફોરેન્સિક ઓડિટ કરાવવાની જરૂર છે. ગુજરાતના કેટલાક સરકારી અધિકારીઓ અપ્રમાણસરની સંપત્તિ ધરાવે છે. તેમાંના કેટલાકને દૂધાળા પશુઓના તબેલા છે. કેટલાકને ગેરકાયદે હુક્કાબાર છે તો કેટલાક મોટા ઉદ્યોગપતિઓ પણ છે. મનરેગામાં હાલ પ્રગટ થયેલું કૌભાંડ ભીતરના દાવાનળની માત્ર એક ચિનગારી જ છે.