ફેબ્રુઆરીમાં ભારતના વેપારમાં લગભગ બે વર્ષમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો. નિકાસ અગિયાર ટકા ઘટીને ૩૭ અબજ યુએસ ડોલર થઈ, જ્યારે આયાત ૧૬ ટકા ઘટીને ૫૧ અબજ ડોલર થઈ. પરિણામે, વેપાર ખાધ ઘટીને ૧૪ અબજ યુએસ ડોલર થઈ ગઈ, જે ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે. નિકાસમાં વધારો થવાને કારણે વેપાર ખાધમાં ઘટાડો એક સકારાત્મક ઘટના છે, પરંતુ નિકાસ અને આયાતમાં એક સાથે ઘટાડો ચિંતાનો વિષય છે. નિષ્ણાતો આંશિક રીતે ખાધમાં ઘટાડો થવાનું કારણ ઊંચા આધાર પ્રભાવને ગણાવે છે, કારણ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નિકાસ ૪૧.૪ બિલિયન ડોલર અને આયાત ૬૦.૯૨ બિલિયન ડોલર હતી. જોકે, નિકાસકારોએ એવું પણ કહ્યું હતું કે યુએસ આયાતકારો ઓર્ડર રોકી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે બીજી એપ્રિલથી પારસ્પરિક ટેરિફ અમલમાં આવશે. આ પારસ્પરિક ટેરિફની જાહેરાત ૧૩ ફેબ્રુઆરીના રોજ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી.
આ જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત પહેલાં જ કરવામાં આવી હતી. આ બેઠકમાં, બંને નેતાઓએ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦૦ અબજ ડોલર સુધી વધારવા અને આગામી મહિનાઓમાં મુક્ત વેપાર કરાર (મ્છ)ને અંતિમ સ્વરૂપ આપવાની મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી હતી. ટ્રમ્પની વાતોને કંઈ કોઈ બંધારણીય દરજ્જો પ્રાપ્ત નથી. એમનું પદ ચોક્કસ બંધારણીય છે, પરંતુ એનાથી તરંગો ન લડાવવાનાં કોઈ બંધનો ટ્રમ્પદાદાને નડતા નથી. આખી દુનિયામાં ઘરડા સત્તાધીશોનો જે ત્રાસ પ્રવર્તી રહ્યો છે તેમાં ટ્રમ્પ આગલી હરોળમાં બિરાજે છે. આ મહિને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા અમેરિકા સાથેના ભારતના વાણિજ્યક સંબંધોને સામાન્ય પ્રવાહિતા આપવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક સુધી ગોયલને સીધો રાજદ્વારી સંપર્ક હોવા છતાં, ચર્ચાઓની ફલશ્રુતિ રૂપે મ્છ વાટાઘાટો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા સિવાય કોઈ પરિણામ આવ્યું નથી.
પારસ્પરિક ટેરિફના ભયથી ભારતીય નિકાસકારો ગભરાઈ ગયા છે, કારણ કે ગયા નાણાંકીય વર્ષમાં અમેરિકા ૧૧૮.૩ બિલિયન ડોલરના વેપાર સાથે ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારતના ટોચના પાંચ વેપારી ભાગીદારોમાં તે એકમાત્ર એવો દેશ છે જેની સાથે ભારત વેપાર સરપ્લસનો આનંદ માણે છે. ગયા ફેબ્રુઆરીની સરખામણીમાં સોનાની આયાતમાં ૬૨ ટકાનો ઘટાડો થવાને કારણે આયાતમાં પણ તીવ્ર ઘટાડો થયો. ગયા અઠવાડિયે સ્થાનિક સોનાના ભાવ ૮૭,૮૮૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, તેથી ગ્રાહકોની માંગમાં ઘટાડો થયો હતો. આજે તો ભાવ એનાથીય ઊંચા છે.
જાન્યુઆરીની શરૂઆતમાં રશિયન ઓઈલ ઉત્પાદકો અને ટેન્કરો પર લાદવામાં આવેલા વધારાના યુએસ પ્રતિબંધો સામે ભારતે તેના પુરવઠા સ્રોતોનું વૈવિધ્યીકરણ કર્યું હોવાથી પેટ્રોલિયમની આયાતમાં પણ લગભગ ૩૦ ટકાનો ઘટાડો થયો. ૨૦૨૩ના મધ્ય સુધીમાં, ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ૪૦ ટકાથી વધુ થવાની ધારણા હતી, જે ૨૦૨૨માં યુક્રેન પરના હુમલા બાદ મોસ્કો પર પશ્ચિમી પ્રતિબંધો લાદવામાં આવ્યા તે પહેલાંના એક ટકાથી પણ ઓછો હતો. જો વોશિંગ્ટન નવી દિલ્હી સાથેની તેની વેપાર ખાધ ઘટાડવા માટે પગલાં લે છે, તો ભારતને ગયા નાણાકીય વર્ષની ૨૪૧ અબજ યુએસ ડોલરની ખાધના આધારે તેની એકંદર વેપાર ખાધમાં ૧૫ ટકાનો વધારો થાય એવી સંભાવના છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ચીનથી થતી આયાતે ભારતના વેપાર ખાધમાં લગભગ ત્રીજા ભાગનો ફાળો આપ્યો છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં ભારતનો યુનાઇટેડ કિંગડમ સાથેનું વેપાર અસંતુલન તેની કુલ ખાધના ત્રણ ટકાથી ઓછું હતું. યુનાઇટેડ કિંગડમ સાથે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરવા એ એક રીતે તો ભારત માટે આ સંતુલનને પોતાના પક્ષમાં લાવવાની તક છે. દુનિયાનો કોઈ પણ દેશ ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસી સામે પોતાની વ્યાપારનીતિ ઘડશે અને માનશે કે આ નીતિ પ્રમાણે એ દેશ આખું વર્ષ ચાલશે તો એ પણ એક દંતકથા છે, કારણ કે કોઈ પણ દેશની કોઈ એક પોલીસી આ ટ્રમ્પના વાણિજ્ય વ્યવહારમાં ચાલશે એવું શક્ય નથી. અમેરિકાની તમામ પ્રકારની પોલિસીઓ સળંગ અને સતત ચાર વર્ષ સુધી બદલાયા કરવાની છે. આ વર્ષોમાં અમેરિકાની ચંચળતાને જે સમજી શકે અને એની અસ્થિરતા સાથે જે કામ પાડી શકે એ દેશ જ એની સાથેના કામકાજમાંથી બે પૈસા કમાઈ શકે. એ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પનો એજન્ડા તો દુનિયાભરના ખિસ્સા ખાલી કરીને પોતાની તિજોરી ભરવાનો છે.


