આ ઘર છે કે ઓફિસ ? .
લોકડાઉને માણસને અનેક સત્યથી રૂબરૂ કરાવ્યો છે. જે બિનજરૂરી સવલતો માણસની જિંદગીનો એક ભાગ બની ગયેલી તે સવલતો વિના પણ સુખરૂપે જીવનનું ગાડું ચાલે છે તે અનુભૂતિ આ લોકડાઉન દરમિયાન જ થઈ. જે વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચનો વેડફાટ થતો તે વસ્તુઓની ખોટ સાલતી નથી. ઘણા એવા કામો જે લાંબા રસ્તે પૂરા થતા તે ટૂંકી પદ્ધતિથી પણ પૂરા થવા લાગ્યા છે.
દરેક વ્યક્તિને લોકડાઉને આત્મદર્શનનો અજાયબ અવસર આપ્યો છે. ક્રેડિટ કાર્ડ જેવા પ્લાસ્ટિક મનીએ ત્રણેક મહિના ધૂળ ખાધી. ઓનલાઇન શોપિંગ વિના એક પણ ઘર ઉપર વીજળી ન પડી, આફત ન આવી. પહેલો સગો પાડોશી એ જૂની કહેવત ફરીથી સજીવન થઈ. કોઈ કોઈનું નથી તે સત્યના પણ દર્શન થયા. એ જ રીતે પરિવારને નવી નજરેથી જોવાનું ચાલુ થયું. પોતાના પરિવારનું અભિનવ સ્વરૂપ નજર સામે આવ્યું. પરિવાર વિશેની સમજણ દરેક સભ્યના મનમાં વિસ્તરણ પામી. જેઓને માત્ર દોષ દેખાતા હતા તેમનામાં ગુણદ્રષ્ટિ પ્રગટ થઈ.
મધ્યમ વર્ગ અને તેનાથી વધુ સારી આથક સ્થિતિ ધરાવતા કોઈ પણ વર્ગના પરિવાર માટે શરૂઆતમાં લોકડાઉન એ વેકેશન સમાન લ્હાવો હતો. ઘણા સમય પછી સમસ્ત પરિવાર એક જ ઘરના છત્રતળે અખંડ બાર-પંદર કલાક સાથે પસાર કરે એવો સમય આવ્યો. ઘરમાં વડીલોની સારવાર કરનારાઓની સંખ્યા વધી. જે બાળક સાથે રમવાનો સમય એના પપ્પાને મળતો ન હતો તે પપ્પા આખી બપોર તેની સાથે રમવા માટે ઉપલબ્ધ બન્યા.
અન્નપૂર્ણા સરીખી માતાને રસોઈ સિવાય પણ ઘણા બધા ક્ષેત્રોનું જ્ઞાાન છે અને અનેકવિધ બાબતોમાં તે રસરુચિ ધરાવે છે તે જાણીને ઘરના સભ્યો આશ્ચર્યચકિત થયા. રસોડામાં પગ ન મૂકનારા અમુક નખશિખ પુરુષોએ વેલણ પાટલા ઉપર પોતાનો હાથ અજમાવ્યો. ઘરની અંદર પિકનિક જેવો માહોલ બની ગયો. જે વધીને થોડાં અઠવાડિયા સુધી ચાલ્યો. કોરોના જે ઝડપથી દુનિયા અને ભારતની પરિસ્થિતિ બદલી રહેલો એ જ ઝડપથી ઘરની અંદરનો આ આદર્શ માહોલ પણ રચાયો.
ઘણા લોકોની ભવિષ્યવાણીની વિરુદ્ધ એવું થયું કે લોકડાઉને ડિવોર્સ રેશિયો વધારી દીધો. સામાન્ય સંજોગોમાં જેટલા પ્રમાણમાં છૂટાછેડાની અરજી કરવામાં આવે છે તેના કરતા પાંત્રીસ ટકા વધુ અરજીઓ ફક્ત અમેરિકામાં થઈ. યુરોપ પણ કોરોનાકાળમાં છૂટાછેડા બાબતમાં વિક્રમ સર્જી ગયું. ભારતમાં એ પ્રમાણમાં લગ્નવિચ્છેદની અરજીઓ નથી થઈ પણ ઘરેલુ હિંસાના કેસ વધી ગયા. પંજાબ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સની ઘણી ફરિયાદો પોલીસમથકે નોંધાવા લાગી. અનલોક-વન પછી એનું પ્રમાણ ઘટયું છે, તો પણ લોકડાઉન પહેલાના સમય કરતા તો વર્તમાન સ્થિતિ ચિંતાજનક જ છે.
એક સમયે પરિવાર સભ્યોનો એકસાથે સમય પસાર કરવાનો આનંદ ચાલીસ ટકા કરતા વધારે ઘરમાં તકલીફમાં ફેરવાઈ ગયો છે. તે આંકડો વધી રહ્યો છે. ભારતના દરેક રાજ્યમાં આ ફેરફાર નોંધાયો છે. હળવા ફૂલ જેવા વાતાવરણ સાથે શરૂ થયેલા લોકડાઉનનો અંત અનેક નાસમજ પરિવારોમાં કોઈ ને કોઈ કારણોસર દુઃખદ છે. કેટલાક ઘરોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એમાં વળી જ્યોતિષી બાબાઓ ટીવી પર ડરાવે છે કે આટલા ગ્રહો વક્રી છે વગેરે. જેમનો સ્વભાવ વક્રી હોય એને તો ત્રિભુવનનો નાથ પણ સુખી ન કરી શકે !
પરિવારવાદ ઉપર આમ પણ સવાલો કરવામાં આવતા હતા. અમુક તજજ્ઞાો એકવીસમી સદીને પરિવાર માટેની છેલ્લી સદી ગણે છે. જેમ એક સમયે બાળકને આશ્રમમાં ભણવા માટે મોકલતા તો તે વર્ષો પછી પરત ફરતો. આજે એ જ શૈલીમાં લાખો બાળકો એના પરિવારથી દૂર નાની ઉંમરમાં ભણવા જતા રહે છે. કોલેજ અભ્યાસ દરમિયાન પણ એકલા રહેવાની સગવડને પહેલી પસંદગી અપાય છે. સમયાંતરે મા-બાપની મુલાકાત લેવાનું વલણ વધ્યું છે.
રસોડા અને બેડરૂમ નોખા પડી રહ્યા છે. લોકડાઉનને કારણે તો પરિવારના સભ્યોએ એકબીજાથી અજાણી રહેલી બાજુ પણ જાણી લીધી. લોકડાઉનને કારણે ભારતના કરોડો પરિવારજનો પોતાના પરિવાર સાથે ચોવીસ કલાક સાથે રહ્યા. આની પહેલા ભાગ્યે જ એવો સમય આવેલો જેમાં આખો દિવસ સાથે રહેવાનો મોકો મળેલો. અતિનિકટતા દુઃખમાં પરિણમતી હોય છે. કવિ ઉશનસે અમથું તો નહિ કહ્યું હોય કે દૂરતા આપે છે રમણીયતા...!
અનલોક-વનને કારણે નવી જ દુવિધાઓ ઉત્પન્ન થઈ છે. કરોડો ઘર રાતોરાત ઓફિસ અને સ્કૂલમાં ફેરવાઈ ગયા છે. પિતાશ્રી ઘરના કપડાંમાં લેપટોપમાં કામ કરી રહ્યા છે અને ફોનમાં એના બોસને રિપોર્ટ કરી રહ્યા છે.