Get The App

પ્રાકૃતિક અરાજકતાનો યુગ .

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
પ્રાકૃતિક અરાજકતાનો યુગ                                  . 1 - image

સરેરાશ ભારતીય પ્રજાની ઈમ્યુનિટીને દુનિયા આજે વખાણે છે. જોકે જિંદગી અલ્પવયે સમેટાઇ જાય ત્યારે સપનાઓની એક લાંબી વણઝાર પણ દિવંગત થઈ જતી હોય છે. મૃત્યુ સંસારનો સૌથી કારમો ઘા છે. જેમણે કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે તેઓના પર હજુ પણ શોકના વાદળો છવાયેલાં જોવા મળે છે. પરંતુ સારા સારા ડૉક્ટરો કહે છે કે કોરાનાને કારણે જ એના આફ્ટર શોક તરીકે હવે હાર્ટ એટેકના એટેક વધી રહ્યા છે. 

આમ તો આ નવા દાયકાની શરૂઆત જ હજારો-લાખો એકરના સળગતા જંગલો વચ્ચે થઈ હતી. પચાસ હજાર ચોરસ કિલોમીટરની આગથી થયેલા નુકસાનનો હિસાબ કરતા ઓસ્ટ્રેલિયન સરકારને એક વરસ લાગ્યું. કચ્છના અને લાતૂરના ભૂકંપનો હિસાબ કરતાં આપણને પણ એક વરસ લાગ્યું હતું. સહેજ પણ ચિંતા વિના લોકો જિંદગી પસાર કરે છે. જે ચિંતા છે તે પોતાની અંગત છે. પર્યાવરણની નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘ અંતર્ગતના વિશ્વ મોસમ સંગઠનના નવા અહેવાલો આમ તો માણસ જાતની ઊંઘ ઉડાડવા માટે પૂરતા છે. હવે પછી આવનારાં તમામ વરસોમાં કુદરત રુઠેલી રહેવાની છે. એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે દરેક આપત્તિમાં હવે બચાવ કામગીરી ધીમી પડતી જાય છે. એટલે કે કુદરતી સંકટ આત્યંતિક હોય છે. હવે કુદરત આગાહીઓને વશ નથી. ભલે હવામાન ટેકનોલોજી વધી પરંતુ અંદાજ ખોટા પડે છે. 

જોકે ગ્લોબલ વોર્મિંગનો તો અર્થ જ એ છે કે ખૂબ જ ઠંડી અને અસહ્ય ગરમી. આમ પણ મોસમનું ચક્ર જુઓ તો આ વરસે આખું ચોમાસુ ઠંડા પવનના સૂસવાટા ચાલુ રહેવાના છે. ગયા વખતે પહેલો એવો શિયાળો હતો જેણે રૂમ હિટરોનું માર્કેટિંગ કર્યું. કોઈ મોસમ એના અતિરેકને કારણે માણી શકાય નહિ. ઠંડા પવનના શોખીનો એવી મોસમમાં જો વનવગડે અલગારીની રખડપટ્ટી આરંભે તો તેઓએ આરોગ્યની પછડાટ જ વેઠવાની આવે. કુદરતને માણવાની મઝા પણ ઓછી થવા લાગી છે કારણ કે એ કુદરતના ઉછેર અને સંભાળમાં આપણું તો કોઈ યોગદાન નથી! પ્રકૃતિ એને જ રમણીય અનુભવ અને આહલાદનો અનુભવ કરાવશે કે જે એના અભિમુખ હશે. આખી જિંદગી કુદરતી સંપદા સાથે માત્ર ભોગવાદી નીતિ રાખનારાઓએ એની સજા ભોગવવી પડશે.

ગત શિયાળે મધ્યમ વર્ગના અને ભાડાના મકાનમાં વસતા લોકો દોડી દોડીને રૂમ હિટર લઈ આવ્યા હતા. ગેસ ગિઝર અને ઈલેક્ટ્રિક ગિઝર સંબંધિત દુર્ઘટનાઓ અવાર નવાર વાયરલ થતી હોવા છતાંય એનું વેચાણ પણ મંદીમાં એકાએક વધી ગયું હતું. મોસમનો આહલાદ હવે બધા માણી શકે એમ નથી. કુદરતે તેના તમામ સર્જનોમાં મનુષ્યને મુઠી ઉંચેરુ સ્થાન આપતાં તેને બુદ્ધિરુપી વિશેષતા બક્ષી છે. આ જ બુદ્ધિને બળે મનુષ્ય પોતાને માટે, કુદરતના તમામ સર્જનોને માત્ર ને માત્ર પોતાની ભૌતિક સુખ-સુવિધાના સાધનો જ માની લીધા છે. તેને વિના મૂલ્યે મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપદાના વપરાશમાં તે કોઈ પ્રમાણભાન જાળવી શક્યો નથી. જેના કારણે કુદરતનું જે ચક્ર અત્યાર સુધી એક નિયત ગતિએ ચાલી રહ્યું હતુ, તેમાં હવે થોડા થોડા અંતરાયો આવવા લાગ્યા છે. રૌદ્ર એ પણ કુદરતનું એક સ્વરૂપ છે. પોષતું તે જ મારતું નું બ્રહ્મ-સનાતન-સત્ય જાણે આવનારા ભવિષ્યની વાસ્તવિકતા બનીને આજે સમસ્ત માનવ સમાજની સામે આવીને ઊભું છે.

જે પ્રકારે ઘરવપરાશના યંત્રોની પણ સમયાંતરે જાળવણી કરવામાં ન આવે તો, જે સ્થિતિ સર્જાય છે, તેવી જ સ્થિતિ હાલ વૈશ્વિક વાતાવરણમાં જોવા મળી રહી છે. જાપાનના પર્યાવરણવિદોએ કહ્યું છે કે કુદરતને પોતાના સાવ સ્વાભાવિક ક્રમમાં આવવા માટે આ આખી સદીની જરૂર પડશે, એટલો બધો ઉપદ્રવ માણસે વસુંધરા પર આચરેલો છે. 

હવાના બદલાયેલા રુખ અને પ્રકૃતિના મિજાજમાં આવેલા પરિવર્તનને પામી ગયા પછી સમયવર્તે સાવધાન થવાની આ ઘડી છે. કેલેન્ડરમાં દેખાતા મહિનાને અને વાતાવરણ વચ્ચેની સંગતતા હવે ખૂબ જ ઓછી જોવા મળશે. ક્યારેક અનરાધાર વરસાદ, તો કદીક અચાનક જ ઘેરી વળતી કાતિલ ઠંડી અને તડાતડ પડતા કરાને જોઈને ઘણી અનુભવી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. રણ પ્રદેશમાં નદીઓ વહી જાય તેટલો વરસાદ અને લીલાછમ્મ વિસ્તારનું ધૂળિયા રંગમાં રુપાંતર એ વાતનો સંકેત છે કે કુદરતે હવે મનુષ્ય સાથેનો તેનો હિસાબનો ચોપડો ખોલી નાંખ્યો છે. વરસાદે આ વખતે દેશના અનેક સ્થળોએ છેલ્લા સવાસો વરસના ઈતિહાસનો નવો વિક્રમ રચી આપ્યો છે.