Get The App

નીતિશની ઘોર બેદરકારી

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
નીતિશની ઘોર બેદરકારી 1 - image


ભાજપે દેશના બધા રાજકીય પક્ષોને શીખવ્યું છે કે સત્તામાં હો ત્યારે ફુલટાઈમ પક્ષના કામ કરો અને પાર્ટટાઈમમાં સરકાર ચલાવો. જો કે આ પદ્ધતિના પરિણામોએ બતાવ્યું છે કે એ રીતે સરકાર ન ચાલવા જેવી જ ચાલે અને પ્રજાહિતના કામોને બદલે અહિતના છબરડાઓ વધુ થાય. ભાજપના મિત્ર અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પણ એ જ રાજરોગ લાગુ પડેલો છે. 

બિહારમાં સાત આસમાન ઉતરી આવ્યા જેવો જીવલેણ મેઘાવી માહોલ છે અને લાખો નાગરિકો કમર સુધી વહેતા પાણીમાં ઊભા છે ત્યારે નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલીઓ યોજવામાં વ્યસ્ત છે. જેને બિહારની આવતીકાલ માનવામાં આવે છે એ વિધાનસભા વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે બહુ દેકારો મચાવ્યો ત્યારે છેક સરકારે રાહતકાર્યોની શરૂઆત કરી અને તે પણ અપૂરતી. પ્રલયકારી સંયોગોની વચ્ચે બિહારમાં કોરોનાની નિરંતર આગેકૂચ તો છે જ. થોડા દિવસોમાં જ બિહાર દેશનું હોટસ્પોટ જાહેર થવાનું છે.

અહીં કોરોનાનો પ્રવેશ અને વિસ્તાર મોડો થયો પરંતુ મહામારીએ ગતિ પકડી છે. પુરપાટ વેગે વધતા ચેપગ્રસ્તોના સામુદાયિક સંક્રમણની સ્થિતિ આવી ગઈ છે. બિહારમાં સરકારી આરોગ્ય તંત્ર એક પછાત રાજ્યનો પરિચય આપે છે. નીતિશકુમારને પણ પ્રજાની નહિ, પોતાની વોટબેન્કની જ ચિંતા છે. બિહાર વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે એમણે પણ પેજ પ્રમુખો બનાવી લીધા છે.

ઉત્તર અને પૂર્વીય બિહારમાં લાખો નાગરિકો દર વરસની જેમ વરસાદી પાણીથી ત્રસ્ત છે. બિહારના કુલ આડત્રીસ જિલ્લાઓમાંથી અરધામાં કોરોના પરાકાષ્ઠાએ છે અને જ્યાં સંક્રમણ ઓછા છે ત્યાં વરસાદે તોફાને ચડેલી નદીઓ ફરી વળી છે, જાણે કે કુદરતે પોતાની વિનાશક ક્ષમતાઓને જુદા જુદા વિસ્તારો હાહાકાર મચાવવા વહેંચી ન આપ્યા હોય !

પાટનગર પટણાને તો કોરોનાએ ઘેરી લીધું છે. કોસી, ગંડક અને બાગમતીના પાણી ફૂંફાડા મારતા આગળ ને આગળ ધસમસી રહ્યા છે. હજુ આભમાં વરસાદનો ગાભ છે એટલે થોડાક આગંતુક દિવસોમાં સ્થિતિ વધુ વણસવાની છે. આ વરસના ચોમાસાનું એક અપલક્ષણ એ છે કે દેશભરમાં વીજળી પડવાથી સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે.

ભોજપુરથી ભાગલપુર સુધી ગંગાનું સ્વરૂપ જાણે કે હમણાં જ શિવની જટામાંથી વસુંધરા પર અવતરી હોય એવું ભરતીના દરિયા જેવું છે. એની સપાટી સતત વધતી જાય છે. છતાં ગંગા કદી બ્રહ્મપુત્ર અને અન્ય નદીઓ જેવી વિનાશક નથી. એ દેવગંગા હોવાને કારણે અફાટ જળરાશિનું સહજ વહન કરી લે છે. પરંતુ આ વરસે ઉપરવાસના વરસાદી પ્રવાહો ચોતરફથી એટલા બધા ઢળતા ઢાળે આવે છે કે ગંગાને બ્રહ્મપુત્રનો રંગ લાગી શકે છે ! એની ચિંતા બિહારની પ્રજાને છે, બિહારની સરકારને નથી. નીતિશની સરકારને મતપ્રવાહ બીજે ક્યાંક વળી ન જાય એની આગોતરી ઉપાધિ છે.

નેપાળના ઊંચા ભૂસ્તરીય પ્રદેશોમાં અનવરત વરસાદ છે. એને કારણે પણ બિહારની નદીઓમાં નવયૌવન દેખાય છે. લાખો લોકોના ઘરમાં નદીઓ પ્રવેશી છે. તેઓની ઘરવખરી તણાઈ ગઈ છે. નદીઓના ઘોડાપૂરની થયેલા મૃત્યુનો આંક પણ વારંવાર અપડેટ થાય છે. કેન્દ્રની કુમક તો પહોંચે ત્યારે ખરી પરંતુ રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોઈ ધડો નથી. સરકારનું એ તરફ પણ ધ્યાન નથી કે કોરોનાનું નજીકના ભવિષ્યમાં શું સ્ટેટસ હશે.

પ્રતિષ્ઠિત બ્રિટિશ મેડિકલ જરનલ લેન્સેન્ટ ગ્લોબલ હેલ્થના અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશ પછી સમગ્ર ભારતમાં બિહાર બીજા નંબરનું સર્વાધિક કોરોના સંક્રમિત રાજ્ય બનવાનું છે. દેશના કુલ નવ રાજ્યોમાં આવનારા દિવસોમાં ચેપગ્રસ્તતાની સ્થિતિ વધુ ગંભીર બનવાની છે. વર્તમાન વિકટ સ્થિતિમાં ચૂંટણી થશે કે નહિ એ જ પ્રશ્ન છે છતાં બિહારના તખ્તેનશીન રાજનેતાઓ પ્રચાર પેંતરા ઘડવામાં જ ગળાડૂબ છે. બિહારમાં વિનાશક બનેલી એક નદીનું નામ મસાન નદી છે અને એ એના નામ પ્રમાણેનું જ અત્યારે કામ કરી રહી છે એ દુ:ખદ છે.

મુખ્યમંત્રી નીતિશકુમાર મીડિયાથી દૂર ભાગે છે. છેલ્લા એક વરસથી તેઓ મીડિયા અંગે ગુપ્તવાસ ભોગવે છે. સતત છટકતા રહે છે. બિહારના વિચ્છિન્ન થયેલા જનજીવનને થાળે પાડવામાં સરકારી તંત્રની તુલનામાં એનજીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો અખંડ કામે લાગેલા છે. ચોમાસુ આવે એ પહેલા આ વરસે તો સરકારે કોઈ માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો ન હતો. ઇલેક્શન પ્લાનમાં ધ્યાન આપવું કે પ્રિ-મોન્સૂન પ્લાનિંગમાં ? પ્રજાકલ્યાણમાં ધ્યાન આપવા જાય અને ઈલેક્શનમાં ડિઝાસ્ટર થાય તો ? નીતિશને કોઈએ મોટી પાકટ વયે એટલે પાકે ઘડે નવા કાંઠા ચડાવેલા છે પણ એવા કાંઠા તો આ વરસાદી જળપ્રલય કરતાં પણ વધુ વિનાશકારી છે. 

Tags :