અરણ્ય રૂદન સંસ્કૃત શબ્દયુગ્મ છે. એનો અર્થ છે જંગલમાં જોર જોરથી રડવું. જેને સાંભળનાર માત્ર પશુ-પક્ષીઓ છે જે તમારું દુઃખ સમજી શકે એમ નથી. તમે એકલા છો અને તમારી સાથે માત્ર તમારા અશ્રુઓની ધારા છે. આજે આ હાલત પાકિસ્તાનની નવી પેઢી અનુભવે છે અને એના અનેક પ્રકારના વીડિયો એ દેશના સોશ્યલ મીડિયામાં વાયરલ છે. તેઓનો સીધો પ્રશ્ન એ છે કે આજે પાકિસ્તાન દુનિયામાં ક્યાં સ્ટેન્ડ કરે છે. જ્યારે એ દેશના મહાન કલાકાર પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે એમને કોઈ પણ એરપોર્ટ પર સાઈડમાં ઊભા રાખી દેવામાં આવે છે. તેમની સાથેના બધા પ્રવાસીઓ વહેતી પવિત્ર ગંગા જેમ પસાર થઈ જાય છે પરંતુ તેમણે રોકાવું પડે છે. તપાસ અને સુરક્ષા એજન્સીની કાતિલ આંખો તેમને જોયા કરે છે. તેઓ નિર્દોષ હોય છે પરંતુ તેમનો જન્મજાત અપરાધ એક જ છે કે તેમને એક એવા દેશમાં જન્મ મળ્યો છે જેને હવે આખી દુનિયા શંકાથી જુએ છે.
શા માટે શંકાથી જુએ છે? શંકા સાવ સ્વભાવગત નથી હોતી. એ અનુભવોમાંથી ઉદભવે છે. પાકિસ્તાનના સામાન્ય નાગરિકો ઘણીવાર અસાધારણ આતંકવાદી સ્વરૂપે પ્રગટ થયેલા આ જગતે જોયા, જાણ્યા અને સહન કરેલા છે. એ ભયંકર યાતનાઓ પછી પૃથ્વી પરની આખી ઈતર માનવજાતે પાકિસ્તાની પ્રજાને શંકાથી જોવાની શરૂઆત કરેલી છે. ભ્રષ્ટાચારી શખ્સ પોતાની નિવૃત્તિ પછીની જિંદગીમાં પુરુષાર્થથી પણ કંઈ કમાય તો પણ લોકો તો એને પછીય ભ્રષ્ટાચારના ધનવૈભવ તરીકે જ ઓળખે છે. વળી પાકિસ્તાન તો વારંવાર પોતાની ધૂર્તતા, મૂર્ખતા અને ધૃષ્ટતાનો આ જગતને સતત પરિચય આપતું રહે છે. માત્ર પાકિસ્તાની ટીવી સિરિયલોની વાત કરો તો એ અદભુત હોય છે. એના સંવાદો, ભાષા, દિગ્દર્શન, સંગીત અને અભિનય - બધું જ કાબિલે દાદ હોય છે. દર્શક પર એનો દરેક એપિસોડ એક કાયમી પ્રભાવ છોડી જાય છે.
એવી એ સિરિયલોના નિર્માણ સાથે જોડાયેલા કોઈ કલાકારો આતંકવાદી નથી હોતા. પરંતુ તેઓ જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે આપણું કૂળ બદલાઈ ગયું છે અને આપણને હવે એ કૂળના સંતાનો તરીકે જ ઓળખવામાં આવે છે. આને ગોત્ર પરિવર્તન કહે છે. હવે પાકિસ્તાનનું ગોત્ર આતંકવાદ છે એટલે એની પ્રજાનું પણ એ જ ગોત્ર દુનિયા માનીને ચાલવાની છે. આ આખા બદનામ દેશમાં જે સજ્જનો અને સન્નારીઓ છે તેમની પીડા તેમના દેશના દુષ્ટ સૈન્યાધિકારીઓ, રાજ્યાધિકારીઓ કે રાષ્ટ્રધિકારીઓ કોઈ જાણતા નથી અને જાણે તોય શું? હવે સ્થિતિ તેમનાય કાબૂ બહાર છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન છે પણ એમની પ્રજાને તાલિબાન તરીકે કોઈ જોતું નથી. પાકિસ્તાન અને ઈસ્લામિક સ્ટેટ ફોર ઈરાક એન્ડ સિરિયા ( ૈંજીૈંજી ) આ બે પરિબળો એવા છે જેમણે નવી સદીની પહેલી પચીસીમાં વૈશ્વિક નકારાત્મકતાનો પ્રાદુર્ભાવ કર્યો છે.
હવે પાકિસ્તાન માટે તો સ્વયંના સર્વનાશ પછી જ નવી જિંદગીનો આરંભ થઈ શકે એ હદે સાબરના શિંગડા સાબરને ભારે પડયા છે. મધરાતે એક સાથે આઝાદ થયેલા ભારત અને પાકને સરખાવવામાંથી પાક નેતાઓ ઊંચા આવતા નથી ને ભીતરથી સતત જલતા રહે છે. આમ પણ સુખી પડોશીની ઈર્ષ્યાની આગમાંથી કોઈ દેશ બચી શકતો નથી એ નિયતિ છે. જે પરિસ્થિતિ પાકિસ્તાનમાં એની પ્રજાની છે એ જ સ્થિતિ ભારતમાંના ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની છે. તેઓ સમાજની નજરમાં આવી ગયા હોય છે. પોતાની સંપત્તિ અને મિલકતો ભ્રષ્ટ રીતે ઊભી કરેલી છે એની લઘુતાગ્રંથિ તેમનામાં વિકસિત હોય છે. વળી એવા ભ્રષ્ટ લોકોના સંતાનો પોતાના પુરુષાર્થથી કંઈ કમાય તો પણ એની લક્ષ્મીને સદાય ભ્રષ્ટ જ માનવામાં આવે છે. જો કે એમની ભ્રષ્ટતાના ચિન્હો એમની પછીની પેઢીના અપલક્ષણોમાં છડી પોકાર્યા વિના રહેતા નથી.
એવા ભ્રષ્ટ લોકોએ જિંદગીભર સાચા સુખ માટે માછલી જેમ પાણી વિના તરફડે એમ તરફડવું પડે છે. ત્યારે ખબર પડે છે કે ભ્રષ્ટાચાર તેમને માટે કેવડો મોટો અભિશાપ છે. એવા કહેવાતા ભ્રષ્ટ શ્રીમંતાઈથી ખદબદતા પરિવારો માટે છાશ ને રોટલો ખાઈને મોજમસ્તીથી જીવતા મજુર લોકો ઈર્ષ્યાના પાત્ર બની જાય છે. જિંદગીના અંતે એ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓને ખબર પડે છે કે એમની કારકિર્દીના આરંભે કોઈ દુઃખ ન હોવું એ કેટલું મોટું સુખ હતું જે એમણે ભ્રષ્ટતામાં વેડફી નાંખ્યું. પણ એ સમજ આવે ત્યાં સુધીમાં તો પરિવાર ભેખડે ભરાઈ ગયો હોય છે ને એમની વ્યક્તિગત જિંદગીનો છેલ્લો ટુકડો પણ વિનાશક બની ગયો હોય છે.


