ઓલિમ્પિક્સ 2036 મતમતાંતર

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિક્સ 2036 મતમતાંતર 1 - image


પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો ધબડકો વળ્યો એના દુઃખમાંથી ભારતીયો બહાર નીકળી ગયા છે. ભ્રષ્ટાચાર અથવા તો ક્રિકેટનું આધિપત્ય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ જેવાં બહાનાં બનાવીને ભારતીય નાગરિકે સ્વયં સહાનુભૂતિ આપવી પડી. વૈશ્વિક રમતોત્સવમાં ભારતના નબળા પ્રદર્શનનો માર્કેટિંગના નિષ્ણાત નેતાઓએ એ રીતે પણ ઢાંકપિછોડો કર્યો કે ભવિષ્યમાં ઓલિમ્પિક્સની યજમાની ભારત દેશ કરશે. ભારતનું આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ રમતમાં નામ નથી. છતાં પણ ઓલિમ્પિક્સ ઘરઆંગણે ઉજવાશે એ વિચાર જ ભારતીયોને રોમાંચિત કરવા માટે પૂરતો છે. પરંતુ શું ઓલિમ્પિક્સનું આયોજન કરવું દેશના હિતમાં છે ખરું?

ઈસવીસન ૨૦૩૬માં ઓલિમ્પિક્સની યજમાની કરવાની ભારતની મહત્ત્વાકાંક્ષા છે એ મતલબનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનરોચ્ચાર કર્યા કરે છે. વિકાસને જ અગ્રીમતા આપવાની છાપ ઊભી કરનાર પ્રધાનમંત્રીનું એક આ મોટા ગજાનું વિઝન છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધાને ભારતની ધરતી પર લાવવાની મહત્ત્વાકાંક્ષા એક ગૌરવપૂર્ણ ધ્યેય જેવી લાગે છે, પરંતુ ઓલિમ્પિક્સની યજમાની ભારતના હિતમાં નથી. આવા ભવ્ય અને મોંઘા પ્રયાસની આર્થિક, સામાજિક અને વ્યવહારિક અસરો શું થાય તે વિચારવી રહી. આ વિચારણા સૂચવે છે કે ભારતે ઓલિમ્પિક્સની યજમાનીના ખર્ચાળ સપનાનો પીછો કરવાને બદલે પાયાના સ્તરે મજબૂત રમત-સંસ્કૃતિને પોષવાને પ્રાથમિકતા આપવી જોઈએ.

છેલ્લાં અમુક વર્ષોમાં હોસ્ટિંગનું આધુનિક અર્થશાસ્ત્ર નાણાકીય મુશ્કેલીઓથી ભરપૂર સાબિત થયું છે. ફ્રાન્સ જેવા વિકસિત દેશના નાગરિકો પણ ઓલિમ્પિક્સથી રાજી ન હતા. ફાયદાઓ કરતાં નાણાકીય બોજ વધી જાય છે, જે યજમાન દેશોને મોટા દેણા સાથે એકલા છોડી દે છે. ઓલિમ્પિકસ માટે ઊભું કરેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી ખૂબ જાળવણી ખર્ચ માંગે છે. આ બધી સવલતોનો રમતોત્સવ પૂરો થઈ ગયા બાદ કોઈ ખાસ ઉપયોગ રહેતો નથી.

ઉદાહરણ તરીકે, અર્થશાસ્ત્રીઓ રોબર્ટ બાડે અને વિક્ટર મેથેસને ઓલિમ્પિક્સના ખર્ચ અને આવકના વિશ્લેષણમાં ગેમ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, હાઉસિંગ અને સુરક્ષા પર દેશો દ્વારા કરવામાં આવતા નોંધપાત્ર ખર્ચને પ્રકાશિત કર્યો હતો. ઓલિમ્પિકસ પછી દેશના પ્રવાસનમાં વધારો થશે તેવી અપેક્ષા દરેક યજમાન દેશને હોય છે, પરંતુ થયેલા ખર્ચને અપેક્ષિત આવક પહોંચી વળતી નથી. તદુપરાંત, વિશાળ ઓલિમ્પિક વિલેજ અને એરેના સહિત રમતો માટે બનાવવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણીવાર નાણાકીય બોજમાં ફેરવાય છે, જે રાષ્ટ્રીય ગૌરવને બદલે આર્થિક ગેરવહીવટનું પ્રતીક બની જાય છે. તેનું મેન્ટેનન્સ ખૂબ ખર્ચ માંગી લે છે અને તે ભ્રષ્ટાચાર આચરવાનું નવું માધ્યમ બની જાય છે.

ઐતિહાસિક દાખલાઓ જોતાં, તે સ્પષ્ટ છે કે ઓલિમ્પિક્સની યજમાનીનો આર્થિક જુગાર ભાગ્યે જ સફળ થાય છે. ૧૯૮૪નો લોસ એન્જલસ ઓલિમ્પિક્સ એ એક દુર્લભ અપવાદ છે, જે હાલની રમતગમતની માળખાકીય સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે અનુકૂળ નાણાકીય વ્યવસ્થાઓને કારણે નફો કરે છે. તેનાથી તદ્દન વિપરિત એવો ૨૦૧૨નો લંડન ઓલિમ્પિક્સ, તેમની સંસ્થાકીય સફળતા માટે પ્રશંસાપાત્ર હોવા છતાં આર્થિક રીતે સફળ નીવડયો નથી. તે ટુર્નામેન્ટ દરમિયાન ૧૪.૬ બિલિયન ડોલરથી વધુનો ખર્ચ થયો, જે આખરે તો બ્રિટનના સ્થાનિક કરદાતાઓએ ચૂકવવો પડયો. આર્થિક તંગીની સમાન વાર્તાઓ રિયો ડી જાનેરો જેવા શહેરોમાં જોવા મળે છે, જ્યાં ૨૦૧૬ની ઓલિમ્પિક્સે આર્થિક કટોકટી વધારી દીધી હતી અને મોન્ટ્રીયલ, જેને ૧૯૭૬ની ગેમ્સને કારણે દેવું ચૂકવવામાં ત્રણ દાયકા લાગ્યા હતા.

રમતના અર્થશાસ્ત્રી એન્ડ્રુ ઝિમ્બાલિસ્ટ દ્વારા નોંધાયા મુજબ આ ગેરફાયદાનો બોજ ઘણીવાર મધ્યમ અને ઓછી આવક ધરાવતી વસ્તી પર પડે છે, જે દેશવ્યાપી અસંતુલન તરફ દોરી જાય છે. ભારત જેવા દેશમાં સંપત્તિની વહેંચણી પણ અપ્રમાણસર રીતે થઈ છે. ભારતનો દરેક મોબાઈલધારક જાણે છે કે ભારતમાં એક ટકો ધનિકો પાસે દેશની પચાસ ટકા ધનસંપદા છે. મોટા પાયે રમતગમતની ઘટનાઓ, ખાસ કરીને ૨૦૧૦ ની કોમનવેલ્થ ગેમ્સ (CWG)ના સંદર્ભમાં ભારતનો પોતાનો અનુભવ સારો રહ્યો નથી. ભ્રષ્ટાચારનાં કૌભાંડો અને ગંભીર નાણાકીય ગેરવહીવટથી કૉમનવેલ્થ ગેમ્સ પંકાયેલી છે. આજથી ચૌદ વર્ષ પહેલાં CWG આયોજનમાં પ્રારંભિક અંદાજ કરતાં સોળ ગણો વધુ ખર્ચ થયો હતો.


Google NewsGoogle News