ભારત-બાંગ્લાદેશ વચ્ચે વ્યૂહાત્મક-સાંસ્કૃતિક-વ્યાપારી સંબંધોનો લાંબો ઇતિહાસ છે. ભારતે બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં માત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ન હતી, પરંતુ તેના આર્થિક અને લોકશાહી વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનેલા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશી ઉગ્રવાદીઓ સાથે હાથ મિલાવીને આ ઐતિહાસિક સંબંધોને નબળા બનાવી રહ્યા છે. તે ભારતીય હિતોને અવગણીને આ ક્ષેત્રમાં નવી ભૂરાજનીતિને વેગ આપી રહ્યા છે. યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વિદેશ નીતિના નવા વળાંકમાં ઇસ્લામાબાદ અને બેઇજિંગ સાથે ઢાકાની વધતી 'નવી મિત્રતા' ભારતનાં વ્યૂહાત્મક હિતોના દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ ઘટના છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સિલિગુડી કોરિડોરના સંદર્ભમાં, જેને ઘણીવાર 'ચિકન નેક' કહેવામાં આવે છે તે સિલિગુડી કોરિડોર ઉત્તર બંગાળમાં ૨૨ કિલોમીટર પહોળો જમીનનો પટ્ટો છે, જે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને દેશના બાકીના ભાગ સાથે જોડે છે. તે નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાન સાથે સરહદે આવેલો છે અને ચીનના નિયંત્રણ હેઠળના તિબેટની નજીક છે.
ભારત આ કોરિડોરમાં બનતી કોઈપણ ઘટનાને તેની રાષ્ટ્રીય અખંડિતતા અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ માટે સીધા ખતરા તરીકે જુએ છે. આ 'ચિકન નેક'થી ૧૦૦ કિલોમીટરથી ઓછા અંતરે મુનશીરહાટ આવેલું છે, જે બાંગ્લાદેશના ખુલના વિભાગમાં ભારતીય સરહદની નજીક આવેલું છે. તાજેતરમાં ચીને ત્યાં માળખાગત વિકાસના નામે એક નવું સંરક્ષણ કેન્દ્ર ખોલ્યું હોવાના અહેવાલ છે. મુનશીરહાટ એવા ભૌગોલિક વિસ્તારમાં આવે છે, જ્યાં કોઈપણ વિદેશી હાજરી ભારત માટે વ્યૂહાત્મક રીતે જોખમી છે. ગયા વર્ષે નેતૃત્વ સંભાળ્યા પછી, મુહમ્મદ યુનુસે ચીન સાથે બાંગ્લાદેશના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો સક્રિય પ્રયાસ કર્યો છે. તાજેતરની બેઇજિંગ મુલાકાત દરમિયાન, મુહમ્મદ યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં ચીની લોન પર વ્યાજ દરમાં ઘટાડો અને ચીની ઉત્પાદન એકમોને બાંગ્લાદેશમાં સ્થાનાંતરિત કરવાનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, ચીને મોટા પાયે રોકાણો અને લશ્કરી સહયોગ દ્વારા બાંગ્લાદેશમાં પોતાની હાજરીમાં નોંધપાત્ર વિસ્તાર કર્યો છે. આ ચીનની વ્યાપક 'સ્ટ્રિંગ ઓફ પર્ર્લ્સ' વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ભારતને ચીનના મિત્રદેશો દ્વારા વ્યૂહાત્મક સંપત્તિના નેટવર્કથી ઘેરી લેવાનો છે. નોંધપાત્ર રીતે, બાંગ્લાદેશમાં સબમરીન બેઝના નિર્માણથી તેની નૌકાદળ ક્ષમતાઓમાં વધારો થયો છે અને બંગાળની ખાડીમાં તેની વ્યૂહાત્મક પહોંચનો વિસ્તાર થયો છે. વધુમાં, ચીને બાંગ્લાદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં ૨૫ બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જે તેને એક મુખ્ય આર્થિક ભાગીદાર બનાવે છે. બાંગ્લાદેશમાં, ચીની લોન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પદ્મ બ્રિજ રેલ લિંકનું બાંધકામ, મોંગલા બંદર અને દક્ષિણ-પશ્ચિમ જિલ્લાઓ વચ્ચે જોડાણ માર્ગ અને બંગાળની ખાડીમાં બંને દેશોની સેનાઓ વચ્ચે સહકારી કવાયતોમાં વધારો ઢાકા અને બેઇજિંગ વચ્ચેની નવી વ્યૂહાત્મક ભાગીદારીના પુરાવા છે.
ચીન બાંગ્લાદેશનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને મુખ્ય સંરક્ષણ સપ્લાયર પણ બની ગયો છે. બાંગ્લાદેશ ચીન અને ભારત વચ્ચેના સંબંધોને સંતુલિત કરવાની વાત કરે છે, પરંતુ દરિયાકાંઠાના બાંગ્લાદેશમાં ચીન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ માળખાગત સુવિધાઓ, ખાસ કરીને મોંગલા બંદર અને મુનસિરહાટ નજીક ચીનની મજબૂત વ્યૂહાત્મક હાજરીને ભારત-બાંગ્લાદેશ સંબંધો માટે સકારાત્મક કહી શકાય નહીં. આ જ કારણ છે કે ભારતે દક્ષિણ બાંગ્લાદેશમાં ચીની કંપનીઓને સંડોવતા તાજેતરના રોડ કનેક્ટિવિટી અને ઇનલેન્ડ વોટરવે પ્રોજેક્ટ્સ પર ચિંતા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશને પાઠ ભણાવવા માટે, ભારતે તેની જમીન દ્વારા વેપાર કરવાની આપવામાં આવેલી સુવિધા પાછી ખેંચી લીધી છે. આ દ્વારા, ભારતે બાંગ્લાદેશી નિકાસને તેની જમીન દ્વારા ત્રીજા દેશમાં જવાની મંજૂરી આપી. આ સુવિધા પાછી ખેંચવાથી ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનાથી બાંગ્લાદેશના વેપાર, ખાસ કરીને તૈયાર કપડાની નિકાસમાં અવરોધ આવી શકે છે.
તાજેતરમાં બેંગકોકમાં યોજાયેલી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુહમ્મદ યુનુસને મળ્યા હતા. વાતચીત દરમિયાન, વડા પ્રધાન મોદીએ દ્વિપક્ષીય સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી શકે તેવા નિવેદનબાજી ટાળવાના મહત્વ પર ભાર મૂક્યો.


