હમાસ યુદ્ધનો વળાંક .
આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો ભૂતકાળ જુઓ તો ૮ ઓક્ટોબર ૨૦૨૩થી, ઇઝરાયેલ અને લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લા બન્ને વચ્ચે ઇઝરાયેલ-લેબનોન સરહદે અને સીરિયન અને ઇઝરાયેલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સમાં હુમલાઓનું આદાનપ્રદાન ચાલતું રહ્યું છે. હાલમાં ઈ. સ. ૨૦૦૬ના લેબનોન યુદ્ધ પછી હિઝબોલ્લાહ-ઇઝરાયેલ સંઘર્ષનું આ સૌથી મોટું વિસ્તરણ છે અને તે ઇઝરાયેલ-હમાસ યુદ્ધની વૃદ્ધિનો એક ભાગ છે. હવે હમાસ સાથેના યુદ્ધનો આ નવો ફાંટો ઈઝરાયેલ માટે નવો મોરચો તો ખોલે છે પણ સાથોસાથ આ યુદ્ધ બહુ જ લાંબુ ચાલવાનો પણ ખતરનાક સંકેત કરે છે. કારણ કે હિઝબોલ્લાહની તો જન્મપત્રિકાના કેન્દ્રમાં એક જ વિચાર છે અને એ છે ઈઝરાયેલનો સર્વનાશ. હવે નવેસરથી હિઝબોલ્લાહે ઈઝરાયેલને ખતમ કરવાની પોતાની આદિમ પ્રતિજ્ઞાાનો પુનરુચ્ચાર કરતાં હમાસ યુદ્ધે એક ખતરનાક વળાંક લીધો છે.
કોઈનો પણ વિનાશ આસાન નથી. હવેના યુદ્ધ નવી વિદ્વંસક વિચારધારાઓથી થાય છે. એ માત્ર નકશાઓ બદલવાની મહત્વાકાંક્ષા પૂરતા સીમિત નથી. અથડામણમાં વિચારધારાઓની આધારશિલા હોવાથી એ ધીરે ધીરે સમયપટ પર તણાઈ તણાઈને વિશ્વયુદ્ધની વિભાવના સુધી પહોંચે છે. અત્યારે આપણે જે યુગમાં જીવીએ છીએ એમાં શાંતિનો પ્રભાવ ઘણો છે એટલે ત્રીજું વિશ્વયુદ્ધ વારંવાર થતાં થતાં રહી જાય છે. તારીખ ૮ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ, હિઝબોલ્લાહે પોતાના કબજા હેઠળના શેબા ફાર્મ્સમાં ઇઝરાયલી સ્થાનો પર નિર્દેશિત રોકેટ અને આર્ટિલરી શેલ છોડવાનું શરૂ કર્યું, જે તેણે કહ્યું કે એક દિવસ પહેલા ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી પેલેસ્ટિનિયનો સાથેની તેઓની એકતા દર્શાવે છે. ઇઝરાયેલે તુરત પોતાના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ સાથે લેબનોનની સરહદ નજીક હિઝબોલ્લાહની પોઝિશનો પર ડ્રોન હુમલા અને તોપમારો શરૂ કરીને બદલો લીધો.
ઉત્તર ઇઝરાયેલમાં, ચાલુ સંઘર્ષે આશરે ૯૬,૦૦૦ વ્યક્તિઓને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પાડી છે, જ્યારે લેબનોનમાં, આશરે ૧,૧૨,૦૦૦ વ્યક્તિઓ વિસ્થાપિત થયા છે, હિઝબોલ્લાહ જણાવે છે કે જ્યાં સુધી ઈઝરાયલ તેના હુમલાઓ અને લશ્કરી કામગીરી બંધ નહીં કરે ત્યાં સુધી તે ઇઝરાયેલ સામે હુમલાઓ બંધ કરશે નહીં. ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ અને ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ની વચ્ચે, લેબનોનમાં યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ ફોર્સ (UNIFIL) એ બ્લુ લાઈનની દક્ષિણે (ઈઝરાયેલથી લેબેનોન) અને ઉત્તરથી (લેબનોનથી ઈઝરાયેલ સુધી) આર્ટિલરી ફાયરની અંદાજિત ૭,૯૪૮ ઘટનાઓ નોંધી છે અને અથડામણના હજારેક બનાવો નોંધાયા છે. આ બધાનું કંઈ આંતરરાષ્ટ્રીય મીડિયામાં રિપોર્ટિંગ થયું નથી.
હિઝબોલ્લાહ એ લેબનિઝ શિયા રાજકીય પક્ષ અને અર્ધલશ્કરી જૂથ છે, જેની રચના ઈ. સ. ૧૯૮૨માં લેબનોન પર ઇઝરાયેલી આક્રમણ સામે લડવા માટે કરવામાં આવી હતી. આ જૂથ મુસ્લિમ ધર્મગુરુઓએ ઈરાની ફંડિંગથી રચ્યું હતું. ઈ. સ. ૧૯૯૦ ના દાયકા દરમિયાન, હિઝબોલ્લાહ દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલના કબજા સામે ભરપૂર લડયું. ઇઝરાયેલને નખશિખ નાબૂદ કરવું એ તેની સ્થાપનાથી અત્યાર સુધીની એકમાત્ર લક્ષ્યરેખા રહી છે. હિઝબોલ્લાહ ઇઝરાયેલ રાજ્યની સરકાર અને નીતિઓનો વિરોધ કરે છે અને ઈ. સ. તેના ૧૯૮૫ના મેનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું હતું કે અમારો સંઘર્ષ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે આ એન્ટિટી (ઇઝરાયેલ) નાશ પામશે.
ઈ. સ. ૧૯૪૮ની પેલેસ્ટિનિયન હકાલપટ્ટી અને હિજરતથી, દક્ષિણ લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થીઓની હાજરી રહી છે અને ઘણા શરણાર્થી શિબિરોની સ્થાપના કરવામાં આવી છે, જે ઘણા પેલેસ્ટિનિયન જૂથોને દક્ષિણ લેબનોનમાં લાવે છે, જેનો વારંવાર ઉત્તર ઇઝરાયેલમાં રોકેટ લોન્ચ કરવા માટેના કેન્દ્ર તરીકે ઉપયોગ થતો હતો. જોર્ડનમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન લેબનોન આધારિત હતું, તેઓ ઈ. સ. ૧૯૮૨ના લેબેનોન યુદ્ધ બાદ ટયુનિસમાં હાંકી કાઢવામાં આવ્યા ત્યાં સુધી બળવામાં સામેલ હતા. હમાસ-ઇઝરાયેલ યુદ્ધની શરૂઆત હિઝબોલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હમાસના હુમલા માટે સમર્થન અને પ્રશંસાની ઘોષણા સાથે શરૂ થઈ હતી, જે હુમલો ગત વરસે ૭ ઓક્ટોબરે થયો હતો.
૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ, ૨૦૨૩ની અલ-અક્સા અથડામણના જવાબમાં, લેબનોનથી ઇઝરાયેલમાં ડઝનેક રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાં ત્રણ ઇઝરાયેલી નાગરિકો ઘાયલ થયા હતા. એ સમયે ઇઝરાયેલ સંરક્ષણ દળોએ કહ્યું હતું કે તેણે લેબનોનમાંથી છોડવામાં આવેલા ૨૫ રોકેટને અટકાવ્યા હતા, જે પેલેસ્ટિનિયન જૂથો અને હમાસ દ્વારા હિઝબોલ્લાહની મંજુરીથી ફાયર કરવામાં આવ્યા હતા. ઈ. સ. ૨૦૦૬ના લેબનોન યુદ્ધ પછી બંને દેશો વચ્ચે આ હુમલા સૌથી મોટા ઉગ્રતાવાળા હતા. લેબનોનમાં યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ (UNIFIL) એ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવી સંયમ રાખવા વિનંતી કરી છે.