પરિવર્તન કે પુનરાવર્તન? .
ભારતમાં જે રાજકીય પક્ષો આજ સુધી સત્તારોહણ કરતા રહ્યા છે તેઓ સદાય મતદારોના મનોવિજ્ઞાાનના એક્કા હોય છે. તેઓ વાતો તો અનેકરંગી કરે છે, પરંતુ તેમના ખિસ્સામાં એક સાથે વિરાટ સમુદાય ધરાવતા મતદારોના પ્રવાહને પોતાના તરફ વાળી લેવાની કારીગરી હોય છે. આ કારીગરી એટલે પોતાને મત આપવા ન ચાહતા હોય તેના હાથમાંથી પણ જે રીતે કાગડાએ ધારણ કરેલી પુરી શિયાળે ગુરુત્વાકર્ષણની અને સ્તુતિકર્ષણની મદદથી આંચકી લીધી તે રીતે આંચકી લેવાની કળા ! ભારતીય મતદારો દિલથી મત આપે છે, દિમાગથી નહિ - એ વાત તમામ રાજનેતાઓ જાણે છે.
વાતો સહુ કરે છે, નેતાઓને સાંભળે છે, પરંતુ ઉમેદવારની યોગ્યતા અંગેના ધોરણો જળવાતા નથી, એને કારણે આપણી આજ સુધીની તમામ લોકસભામાં બાઘા છાપ મુદ્રામાં પાંચ વરસ અવર જવર કરનારા નેતાઓ જ બહુમતીમાં રહ્યા કરે છે. જ્યાં સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરતા નેતામાં વજૂદ ન હોય ત્યાં સુધી કોઇ પણ અર્ધ યોગ્ય કે અયોગ્ય વ્યક્તિઓ આ દેશ પર શાસન કરી શકે છે. આજકાલના રાજનેતાઓ લોર્ડ મેકોલેથી પણ ચાર પગથિયે નીચે ઊભા છે. મેકોલેએ બ્રિટિશ પાર્લામેન્ટને ભારતને ભણાવવા અંગે કહ્યું હતું કે અભણો પર રાજ કરવું એના કરતાં ભણેલાઓ પર રાજ કરવું વધારે સુગમ અને સરળ રહેશે. એની તુલનામાં આજના આપણા રાજનેતાઓ પોતાના વિજેતા નીવડવાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા બેસે છે ત્યારે બુદ્ધિજીવીઓને સાઇડમાં રાખીને એ જ વિચારે છે કે આપણા મતવિસ્તારમાં અભણ એટલે કે જ્ઞાાતિ-જાતિની તાણમાં તણાઇ જાય એવા મતદારોની સંખ્યા કેટલી છે ?
દેશના બહુધા મતવિસ્તારોમાં તો વિવિધ પ્રકારની તાણમાં તણાઇ જાય એવા મતદારોની સંખ્યા જ વધુ છે. એને કારણે જ ખેલાડીઓ તેમના ખેલ ગોઠવીને બાજી પોતાના હાથમાં લઇ લે છે. એવું નથી કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઐતિહાસિક છે. શું અન્ય ચૂંટણીઓ ભૌગોલિક હતી ? દરેક ચૂંટણી એક જ સરખું મહત્ત્વ ધરાવે છે અને દર વખતે પ્રજા પાસે એક જ પ્રશ્ન હોય છે કે પુનરાવર્તન કરવું કે પરિવર્તન કરવું ? દર વખતે પ્રજા સ્વહસ્તે જ ઈતિહાસનું નવું પાનું જે આગામી પાંચ વરસના ભવિષ્યનું સર્જન કરે છે તેને આલેખે છે. યુગ એટલો બદલાઇ ગયો છે કે બધા, બધું જ જાણે છે. લોક સમસ્તને પણ એક દેવ માનવામાં આવે છે. લોકદેવતાભ્યો નમઃ એમ કહેવાય છે. એટલે લોકો પણ કેટલુંક ભવિષ્ય તો પોતાના આપબળે આંતરસૂઝથી જાણતા હોય છે.
છતાંય ખોટા ચહેરાઓ લઇને નેતાઓ હવે જે નાટયશાળાના અઠંગ ઉપાસક જેવા અભિનયો કરવાના છે તેના પ્રભાવથી મુક્ત રહીને નિર્ણય કરી શકવાની ક્ષમતા ધરાવવી એ પ્રજાની પોતાની કસોટી છે. માત્ર રાજકારણની ક્યાં વાત છે ? દેશના તમામ ક્ષેત્રોમાં સારા માણસોની સંખ્યા ઓછી છે. સજ્જનો અલ્પ સંખ્યામાં હોય એને જ તો કલિકાલ પ્રવર્તન કહે છે. ચૂંટણી એ આમ તો આ અર્થમાં કોલસાઓના ઢગલામાંથી હીરા શોધવાની ને એને સપાટી પર લાવવાની પ્રવૃત્તિ છે. બે વરસ પછી દેશના સો કરોડ પુખ્ત મતદારો નવી લોકસભાનું ઘડતર કરે એ કોઇ આસાન વ્યાયામ નથી.
એક સમયે ટેલિવિઝન ભારતીય પ્રજાજીવન વચ્ચે પહોંચ્યું અને રામાયણ તથા મહાભારત જેવી શ્રેણીઓએ એને ઘરે ઘરે પહોંચાડયું ત્યારે એમ માનવામાં આવતું કે હવે દેશના નાગરિકોને બધી જ ખબર પડશે અને તેઓ મલ્ટી ડાયમેન્શનથી વિચારતા થશે એથી દરેક ઉમેદવારનું યોગ્ય મૂલ્યાંકન કરીને જે વધુમાં વધુ યોગ્યતા ધરાવતા હશે તેને જ મત આપશે. પરંતુ એવું કંઇ થયું નથી. રાજનેતાઓની જ્ઞાાતિ-જાતિ-ધર્મની સોગઠાબાજી ટેલિવિઝનને ગળી ગઇ છે, એટલું જ નહિ, ભારતીય નેતાઓ હવે આખેઆખી ટેલિવિઝન ચેનલોને ગળી જતાં પણ શીખી ગયા છે. એટલે જ કેટલાક લોકો એમ કહેવા લાગ્યા છે કે જો ભારતે લોકશાહી બચાવવી હોય તો ચૂંટણીનાં અરસામાં ટેલિવિઝન બંધ કરી દેવું જોઇએ, જે જો કે સદંતર અસંભવ છે ! પરંતુ એમ કહેવાથી જે અર્થ સન્ક્રાન્ત થાય છે તે લોકશાહીના જોખમો તરફ સંકેત જરૂર કરે છે.