ફરી શેરબજારમાં તેજીનો અણસાર આવે છે અને જાય છે અને બજારે સુધારા તરફી વળાંક લીધો છે. આ સુધારો જો કે પ્રાસંગિક છે. પરંતુ દેશમાં આર્થિક હવામાન પર હજુ મંદી સવાર છે. મંદી અને મોદી સમાનાર્થી ન બને એ જવાબદારી એનડીએ સરકારની છે. દેશની તમામ બજારો પર એની અસર છે. સામાન્ય નાગરિકો માટે પરિવારની કુલ આવકનું ગણિત બેસાડવું એ એક કોયડો છે. દેશમાં રોજગારી આપનારા મુખ્ય બે સેક્ટરમાં પહેલા નંબરે ખેતીવાડી છે અને બીજા નંબરે બાંધકામ છે. બંનેમાં અત્યારે ઠંડક છે. એનું આખું કારણ માત્ર અખાતી યુદ્ધ નથી. બાંધકામ સામગ્રીના કાચા માલ અને અને બાંધકામ ક્ષેત્રના વિવિધ નિર્માણને વેચવામાં જીએસટીનો ગંભીર પ્રભાવ પડયો છે, કેન્દ્ર સરકારે એમાં કેટલાક સુધારાઓ કર્યા છે, પરંતુ હજુ તે અપૂરતા છે. પેટ્રોલ ડિઝલનો ભાવવધારો મોંઘવારીની મા છે. એને અનુસરીને દૂધ, શાકભાજી, તેલ ઉછળવા લાગ્યા છે. ખાનગી શાળા-કોલેજોના જંગી ફી વધારા પર સરકારનો કોઈ અંકુશ નથી. વળી ભણી ભણીને એ સર્ટિફિકેટોને આધારે સદ્ય સ્નાતકોને મજુરીએ પણ કોઈ રાખશે કે નહિ એ ક્યાં નક્કી છે? પકોડા કથા બહુ જાણીતી છે.
દેશના શહેરોમાં અર્બન ડેવલપમેન્ટ સત્તા મંડળ દ્વારા રિંગ રોડને કાંઠે કાંઠે આગળ વધતા શહેરીકરણમાં અનેક નિવાસી વસાહતો તૈયાર થઈ છે, તેમાં બંગલાઓ છે અને ફ્લેટ પણ છે. પરંતુ સરકારી કાયદાઓના ભયથી હવે રોકાણકારો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી ખસી રહ્યા છે. દસ વરસ જુના મકાનોના ભાવ સતત નવા નીચા પગથિયે ઊભા રહે છે. દેશના ટોચના ૩૦ શહેરોના નવા સર્વેક્ષણ બતાવે છે કે કુલ વીસ લાખ મકાનો એ શહેરોમાં તૈયાર થઈને ખરીદનારાઓની રાહ જોઈને ઊભા છે. ઉપરાંત બીજા લાખો મકાનો અધૂરા છે અને એના બાંધકામો પૂરા થવાની તૈયારીમાં છે. પછી એમણે પણ પુરોગામી ભવનોની જેમ રાહ જ જોવાની છે.
દેશના સામાન્ય નાગરિકોની બચતનું સ્તર છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી ઓછું છે. નાગરિકોની જૂની બચતો ઘસાઈ ગઈ છે અને હવે નવી બચતોનું સર્જન કરવું આસાન નથી. દેશના મધ્યમવર્ગના ૮૦ ટકા પરિવાર એવા છે કે એમને માટે નવી બચત હવે એક કલ્પનાનો વિષય છે. જ્યારે દેશના સામાન્ય નાગરિકોની બચત ક્ષમતા ઘટે ત્યારે સંપત્તિઓના વેચાણમાં મંદીનો માહોલ શરૂ થાય છે. કારણ કે સંપત્તિની કિંમતના ૨૦ ટકા બચત હોય તો નાગરિક એ પ્રાથમિક મૂડીને આધારે બાકીની ૮૦ ટકા રકમની લોન લઈને પોતાના સપનાઓને સાકાર કરે છે. સ્થાવર મિલકતોમાં તો એક નિયમ જ છે કે થેલીમાં પૈસા ભરીને તો કોઈ ખરીદી કરવા જતું નથી. મોટા ભાગના ગ્રાહકોએ સંપત્તિ ખરીદતી વખતે પોતાનું ફાઇનાન્સ પોતે જ મેનેજ કરવાનું હોય છે. એ હવે એનાથી થઈ શકે એમ નથી.
સરકારી નીતિઓ વાણિજ્ય - વ્યવહારમાં નાસમજ દિશા તરફ ગતિ કરે છે. ઉદાહરણ તરીકે દેશમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદીની ભારે પછડાટનો અનુભવ હજુય ચાલુ છે. છતાં અત્યારે જ કેન્દ્ર સરકારે ઓટો સ્પેરપાર્ટસ્ની આયાત પર ભારેખમ કસ્ટમ ડયુટી ફટકારી છે. પેટ્રોલ અને ડિઝલ પર સેસમાં વધારો થયો છે. ભાવ હવે સતત વધતા રહેવાના છે. જુની ગાડીઓને નોનયુઝમાં રૂપાંતરિત કરવા માટેના નિયમો હાસ્યાસ્પદ તો હતા જ એને અકારણ વધુ આકરા બનાવ્યા છે. વાહનોના રજિસ્ટ્રેશનની ફી પુનઃ વધારવાની દરખાસ્ત તૈયાર છે. એવા ઈલેક્ટ્રિક વાહનોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે જે હજુ બનવાના જ બાકી છે. એના સાધનો અને બેટરી ચીનથી જ આયાત થઈ રહ્યા છે ને ભારતના રસ્તા પર દોડી રહ્યા છે.
આમાં આશાઓનું અમર રહેવાનું સ્થાયી કઈ રીતે હોઈ શકે ? વિવિધ બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડો બિલ્લીપગે આગળ ધપે છે અને સરકારની દાનત ઘટેલા દરોને હજુ પણ ઘટાડવાની છે. અર્થશાસ્ત્રના નિયમોથી વિરુદ્ધની માન્યતામાં સરકાર રાચે છે. તો પણ અમેરિકા-ઈરાન યુદ્ધના વારંવારના નગારા વાગતા રહ્યા પછી હવે બજાર સુધરશે કારણ કે કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેન્કે વાસ્તવિકતાઓનો સ્વીકાર કરવાની શરૂઆત કરી છે. સરકાર સતત જાણે કે પ્રજાને ધમકી આપતી હોય એવી વાતો કરે છે. લોકોના મનમાં નવા લોકડાઉનનો ભય સળવળે છે. દેખાડાની કરકસરથી રાજનેતાઓ કંઈ પ્રજાનું દિલ જીતી શક્યા નથી. એનાથી ભારતીય લોકજીવનમાં કોઈ ફેર પડયો નથી. એ તાકાત તો એકલા લાલબહાદુર શાસ્ત્રીની હતી કે જેમના એક ઉચ્ચારથી આખો દેશ ઉપવાસ કરતો હતો. હવે એ દિવસો ગયા.


