Get The App

ઝંઝાવાતના કારમા ઘા .

Updated: May 22nd, 2020

GS TEAM

Google News
Google News
ઝંઝાવાતના કારમા ઘા            . 1 - image


હમણાં કામદારો જે અનુભવમાંથી પસાર થયા એમાં ઘણાને બળતા પગમાં કાંટો વાગ્યો હોય. એટલે કે એક આપત્તિ હજુ ગઈ ન હોય ત્યાં બીજી આવી જાય. પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોએ છેલ્લા ચાર-પાંચ દિવસ અદ્ધર જીવે પસાર કર્યા. બંગાળનો અખાત ભારતીય હવામાનમાં હિમાલયની લગોલગનો મહિમા ધરાવે છે. આ અખાત મુખ્યત્વે ચોમાસા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. 

કેરળથી આગળ ધપતા અને અરબી સમુદ્રમાંથી સીધા વેરાવળ સોમનાથ પર આવતા વાદળોમાં બંગાળનો અખાત પણ વર્ષાકારક છે. હિમાલયમાં શિખરો સાથે અથડાઈને પાછા ફરતા મોસમી પવનો પણ દેશના કૃષિજીવન માટે માંગલિક છે.

ભારતના બે પૂર્વ રાજ્યોમાં એમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું અને બંગાળના મુખ્યમંત્રીએ તેને અભૂતપૂર્વ કહ્યું. એમ્ફાને ફક્ત પશ્ચિમ બંગાળમાં પંચોતેર - એંસી જેટલા લોકોનો ભોગ લીધો. આ આંકડાઓ જો કે હજુ વધશે કારણ કે અનેક અંતરિયાળ વિસ્તારો હજુ સંપર્કશૂન્ય ટાપુ બની રહ્યા છે.

માર્યા ગયેલા લોકોમાંથી બાર હતભાગી તો કલકત્તા શહેરના હતા. મૃતકોના આપ્તજનોને એ ભાવના થઈ જ હોય કે મહાપ્રયાસે કોરોનાથી બચતા રહ્યા તો ઝંઝાવાતે પ્રાણ હરી લીધા. કલકત્તા જળ બંબાકાર થઈ ગયું છે. ડોમેસ્ટિક ફલાઇટને ઘણાબધા નિયમો સાથે છૂટ આપવામાં આવી રહી છે ત્યારે કલકત્તા એરપોર્ટના રનવે ઉપર પાણીની રેલમછેલ થઈ ગઈ છે.

ભારતીય હવામાનખાતાએ આ સુપર સાયકલોનની અઠવાડિયાઓ પહેલા ચેતવણી આપી હતી. છતાં પણ આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો તે દુઃખ સાથે આશ્ચર્યની વાત છે. આઠ-દસ હજાર મકાનો ધરાશયી થઈ ગયા છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બહુ લિજ્જતથી કહ્યું હતું કે મિત્રો મેં સરપંચોને કહ્યું છે કે રાજ્યમાં એક પણ મકાન કાચું રહેવું જોઈએ નહિ. જો કે શહેરી ગરીબોના આવાસો વિશે તેઓ કંઈ બોલ્યા ન હતા.

પરંતુ આ જ વાત એમણે એમના વડાપ્રધાનપદના પ્રથમ તબક્કામાં વિવિધ સભાઓમાં ઉચ્ચારી હતી. પરંતુ પછી એમણે પોતાની ભાષણપોથીમાંથી અન્ય કેટલાક રસપ્રદ પૃષ્ઠોની જેમ એ પાનું ફાડી નાંખ્યું છે. બંગાળમાં કાચા મકાનોનો ખાત્મો બોલી ગયો છે.

ચેતવણી હોવા છતાં જે અનેક ટ્રક રસ્તા પર હતા એના પરના કન્ટેનરો ઝંઝાવાતે દૂર ફંગોળી દીધા છે. આ હાલત ઓરિસ્સા અને બંગાળ બન્ને રાજ્યોની છે. બંગાળની ખાડી હવાના હળવા દબાણ માટે જાણીતી છે. અને ભારતીય તુચક્ર માટે ઉપકારક છે.

વેગીલો પવન અને એ પવનની પાંખે ચડી આવતા તોફાનોથી સહુ પરિચિત છે. આમ પણ ચોમાસા પહેલા પ્રિમોન્સૂન શાવર અને એકાદ ઝંઝાવાત પણ દર વરસના નિયતક્રમ છે. હવામાનશાસ્ત્રમાં એને મેઘસ્ખલન પણ કહે છે. આ પ્રકારના ઝંઝાવાતથી ચોમાસુ થોડા દિવસ પાછું ઠેલાય છે.

પરંતુ આ વખતે જે પ્રચંડ ક્ષમતા સાથે એણે આકાર લીધો તે બહુ વિદ્વંસક શક્તિ સાથેનો. પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પાકને બદલે પાકવિમા પર વધુ આધાર રાખવો પડે છે. એટલે કે ઓચિંતો આવી જતો વરસાદ કે પવનના તોફાની સૂસવાટા ઉભા મોલને ખૂબ નુકસાન પહોંચાડી દે છે.

અત્યારે દેશમાં અનાજ અને શાકભાજીની માંગ વધી રહી છે ત્યારે એમ્ફાને ઘણા ખેતરોને બરબાદ કરી નાખ્યા છે. કુદરતી આપત્તિ જાનમાલનું પુષ્કળ નુકસાન લાવે એ આપણને ખબર છે પરંતુ આવા કપરા કાળમાં પણ દરિયાઈ માર્ગેથી આફત આવે ત્યારે દાઝયા પર ડામ જેવી સ્થિતિ સર્જાય. મમતા બેનર્જીએ મૃતકોના પરિવાર માટે અઢી લાખની સહાયની જાહેરાત કરી છે.

મમતા દીદીનો પોતાની દીદીગીરી પરનો આત્મવિશ્વાસ એટલો બધો છે કે બંગાળી પ્રજાને હજુ કેન્દ્રની વધુ આથક સહાયની અપેક્ષા રહે છે. મમતાની છાપ ભલે લડાયક છે એટલે એના આંકડાઓનું વજન પણ ભાજપની જેમ અરધું જ માનવામાં આવે છે તો પણ બંગાળ અને ઓરિસ્સાના આમજનના આંસુ કેન્દ્રએ લૂછવાના રહે છે.

પશ્ચિમ બંગાળ સાથે ઓરિસ્સાને પણ ઘણું નુકસાન થયું છે. તોફાન પસાર થઈ ગયા પછી ઓરિસ્સાનું આકાશ ગુલાબી થઈ ગયું હતું અને અતિશય નુકસાનીને કારણે નીચે ધરતી પર રહેતા નાગરિકોની આંખોમાં લોહી ધસી આવ્યું હતું. ઓરિસ્સાના મુખ્યમંત્રી પટનાયકે પ્લેનમાંથી અસરગ્રસ્ત જિલ્લાઓનું અવલોકન કર્યું હતું તો મમતા બેનર્જીએ પ્રાઈમ મિનિસ્ટર મોદીને બંગાળની મુલાકાતે આવવા માટે વિનંતી કરી.

અત્યારે તો વાવાઝોડું બંગાળના ઉપસાગર મધ્યે ફંટાઈ ગયું છે. પરંતુ બાંગ્લાદેશના ઘણા શહેરો અને વિસ્તારોને ખૂબ નુકસાન કર્યા બાદ જ તેનું જોમ ઓસર્યું. ભારતીય હવામાનખાતાના કહેવા મુજબ હવે એમ્ફાન વાવાઝોડું ફરીથી ભારતીય રાજ્યોની દિશા નહીં પકડે. ભારતે આ કોરોનાકાળમાં કુદરતી આફતો, કાશ્મીરની આંતરિક સમસ્યા અને ચીનના ખીલે કૂદી રહેલા નેપાળની સરહદી અવળચંડાઈ... એમ બહુવિધ મોરચે લડવાનું છે.

Tags :