વિઘાતક બનશે ટેરિફ .
યુક્રેન યુદ્ધ રોકવાના પોતાના દાવામાં નિષ્ફળ ગયા પછી, ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર દબાણ લાવીને પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યું છે. આમાં ભારતની સાથે ચીન અને બ્રાઝિલનો પણ સમાવેશ થાય છે. આ માટે, અમેરિકા નાટોનો દુરુપયોગ કરવામાં શરમાતું નથી. છેવટે, બાકીના વિશ્વના વેપાર બાબતોમાં નાટોના હસ્તક્ષેપનું શું વાજબીપણું છે? રશિયન પેટ્રોલિયમની આયાત અંગે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટેની ધમકીનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. પરંતુ આ ઘટનાક્રમે ફરી એકવાર વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર પશ્ચિમી દેશોના દંભનો પર્દાફાશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જાણતા નથી કે તેમણે ન્યૂ વર્લ્ડ ઓર્ડર પછી રચાયેલા આ જગતને ખંડ-વિખંડ કરવાનું કામ કર્યું છે. વીસમી સદીમાં વિન્સ્ટન ચર્ચિલ ન્યૂ વર્લ્ડ ઓર્ડરની વાત કરતા હતા જેનો સામાન્ય સંકેત પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી બદલાયેલા જગત તરફ હતો. એ વર્લ્ડ ઓર્ડરનો ટ્રમ્પ ટેરિફથી અંત આવ્યો છે.
આર્થિક ઉદારતા, વૈશ્વિક એકરૂપતા, ગ્લોબલ વિલેજ અને મહાન માનવ જીવનના ખયાલો પણ હવે ધ્વસ્ત થઈ ગયા છે. દુનિયામાં અનેક વિદ્વાન અર્થશાસ્ત્રીઓ અને વાણિજ્યપતિઓના અથાક પ્રયત્નો ને કુશાગ્ર બુદ્ધિમત્તાથી રચાયેલા અદભુત વ્યાપાર વિશ્વને આ માથા ફરેલા ટ્રમ્પે છિન્નભિન્ન કરી નાંખ્યું છે. માત્ર ટેરિફ એના કોમર્સિયલ અર્થમાં હોત તો કંઈકેય આ આપત્તિને વેઠી શકાત પરંતુ ટ્રમ્પે ઈસ મેં ફિર મિલાઈ જાયે થોડી સી શરાબ પદ્ધતિએ જે ભૂ-રાજનૈતિક હિતોની પણ વઘારેલી ખિચ ખિચ ખિચડી બનાવી એનાથી એક સાથે આખી દુનિયાના બજારો સ્તબ્ધ થઈ ગયા છે. પોતાના ઘોર સ્વાર્થપરક હેતુઓ સિદ્ધ કરવા ટ્રમ્પ એક પછી એક સંગઠનને વટલાવી રહ્યા છે જેમાં હવે નાટો એનું નવું વાજિંત્ર છે. નાટો ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન છે જે આમ તો સૈન્ય સંગઠન છે જે યુરોપ અને ઉત્તર અમેરિકાના ત્રીસ દેશોનો સંયુક્ત મંચ છે.
એ નાટોના સેક્રેટરી જનરલ રુટેએ તેમની અમેરીકી મુલાકાત દરમિયાન ભારત, ચીન અને બ્રાઝિલને ચેતવણી આપી છે કે તેઓ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પર દબાણ લાવે, અન્યથા દંડાત્મક વેપાર ટેરિફનો સામનો કરવા માટે તૈયાર રહે. અલબત્ત, રુટ્ટેની ટિપ્પણીઓ યુએસ રશિયા પ્રતિબંધ અધિનિયમ, ૨૦૨૫ માટે વધતા સમર્થન સાથે સુસંગત છે, એક બિલ જેને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ૧૭૧ સાંસદોનું સમર્થન છે. આ એ જ બિલ છે જે રશિયન પેટ્રોલિયમ, ગેસ, યુરેનિયમ અથવા પેટ્રોકેમિકલ્સ સાથે વેપાર કરતા દેશો પર ૫૦૦ ટકા સુધીની ડયુટી લાદવાનો પ્રસ્તાવ મૂકે છે. ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે સંપૂર્ણપણે આયાતી તેલ પર નિર્ભર છે. દેશ તેના ૮૮ ટકા ક્રૂડ તેલની આયાત કરે છે. જેના કારણે ભારતે પશ્ચિમી દેશોના બેવડા ધોરણો સામે ચેતવણી આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીની ચિંતાઓ સેનેટર લિન્ડસે ગ્રેહામને જણાવી છે.
તે જ સમયે, ભારતની કાયદેસર ઊર્જા જરૂરિયાતો અને પોતાની આર્થિક દિશા નક્કી કરવાના પોતાના સાર્વભૌમ અધિકાર પર ભાર મૂકવામાં આવ્યો છે. વિશ્વના તટસ્થ અને વિકાસશીલ દેશોએ પશ્ચિમી દેશોની ગુંડાગીરીનો સખત વિરોધ કરવો જોઈએ. ગત ફેબુ્રઆરીમાં રશિયન પેટ્રોલિયમ આયાતમાં ૧૪.૫ ટકાનો ઘટાડો થયો હોવા છતાં, મોસ્કો ભારતનું ટોચનું તેલ સપ્લાયર રહ્યું છે. જેણે મુશ્કેલ સમયમાં અન્ય દેશોએ પીછેહઠ કરી ત્યારે પણ ભારતને ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઓઇલ આપવાની ઓફર કરી હતી. પશ્ચિમી દેશો દ્વારા અપનાવવામાં આવેલા બેવડા ધોરણોનો વિરોધ કરવા માટે ભારત પાસે તાર્કિક આધાર છે.
ભારત સ્પષ્ટપણે કહે છે કે તમામ નિર્ણયો અમારા રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. જેના માટે તે કોઈપણ પ્રકારના બાહ્ય દબાણને સ્વીકારશે નહીં. આ દિશામાં, રશિયા-ભારત-ચીન સંવાદ ફરી શરૂ કરવાની ભારતની પહેલ બદલાતા વ્યૂહાત્મક સંતુલનનો સંકેત આપે છે. જો યુરોપ માટે ઊર્જા સુરક્ષા અનિવાર્ય છે, તો તે ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રો માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પરંતુ પોતાના ઇરાદામાં નિષ્ફળ ગયા પછી, પશ્ચિમી દેશો ઇચ્છે છે કે વિશ્વના અન્ય દેશો તેમની સાથે સંમત થાય જેથી રશિયા પર યુક્રેન યુદ્ધ રોકવા માટે દબાણ લાવી શકાય. ઉલ્લેખનીય છે કે સન ૨૦૨૨ માં જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે પણ અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ત્યારે પણ ભારતે તેને અહેસાસ કરાવ્યો હતો કે અમે અમારા નિર્ણયો ફક્ત અમારી આર્થિક પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને જ લઈશું. સ્વાભાવિક છે કે, વૈશ્વિક વ્યવસ્થામાં, કોઈપણ દેશ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથી ખરીદે છે જ્યાંથી તેને સસ્તી કિંમતે મળે છે. તો પછી આપણે એ ન ભૂલવું જોઈએ કે રશિયા આપણો સદાબહાર મિત્ર દેશ રહ્યો છે.