Get The App

હરિયાણાનું જળ સંકટ .

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
હરિયાણાનું જળ સંકટ                                      . 1 - image

હરિયાણાએ કૃષિ વિકાસમાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. દેશની ખાદ્ય સુરક્ષામાં આ રાજ્યના યોગદાનને ભૂલી શકાય નહીં. કૃષિ ક્ષેત્રમાં અસરકારક વ્યૂહરચનાઓ અને આધુનિક ટેકનોલોજીએ હરિયાણાના ખેડૂતોના જીવનમાં મોટું પરિવર્તન શક્ય બનાવ્યું છે. બાકી આપણા દેશમાં શિક્ષણ, કૃષિ, રાજકારણ અને ધર્મકારણમાં પરિવર્તન માત્ર એક પરીકથા છે. બધું હતું ત્યાં ને ત્યાં જ હોય છે ને ઉપર ઉપરથી ઈનોવેશનની વાતો થતી રહેતી હોય છે. પરંતુ હરિયાણામાં પરિવર્તન એક વાસ્તવિકતા છે. આ સકારાત્મક ચિત્રની વચ્ચે એક ચિંતાજનક હકીકત પણ છે કે રાજ્યમાં ભૂગર્ભ જળનું સંકટ અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. રાજ્યના ત્રીસ ટકાથી વધુ ગામો ભૂગર્ભ જળ સંકટના જોખમ હેઠળ છે. વિસંગતિ એ છે કે આ વિસ્તારોમાં ભૂગર્ભ જળનું દોહન તેની પુનર્ભરણ ક્ષમતાથી ઘણું વધારે છે, જે રાજ્ય માટે સ્પષ્ટ ચેતવણીના સંકેતો આપે છે.

વૈશ્વિક તાપમાનના સંકટના કારણે વરસાદની પેટર્નમાં વ્યાપક ફેરફાર આવ્યા છે. જે અનિયમિત વરસાદને ક્યારેક માત્ર ઋતુજન્ય સમસ્યા માનવામાં આવતી હતી, તે હવે એક કાયમી સંકટમાં પરિવતત થઈ ગઈ છે. ચોમાસુ અને વરસાદની આવૃત્તિમાં અનિશ્ચિતતાના કારણે કૃષિ, પીવાના પાણીની સુરક્ષા અને દીર્ઘકાલીન આર્થિક સ્થિરતા માટે ગંભીર જોખમો ઊભા થયા છે. વરસાદની અછત પૂરી કરવા માટે ભૂગર્ભ જળનું અંધાધૂંધ દોહન કરવામાં આવે છે. આ સંકટના મૂળમાં પાણીની અત્યંત ખપત કરતું વિકાસ મોડેલ પણ એક મોટું કારણ છે.

પાછલા દાયકાઓમાં વિવિધ ધાન, કઠોળ અને ઘઉંની ઉપજ પર ખેડૂતોની નિર્ભરતા અત્યંત વધી છે, આ પ્રકારના પાકમાં ભારે સિંચાઈની જરૂરિયાત રહે છે. બીજી તરફ, રાજકીય સમીકરણોના કારણે ખેડૂતોને આકર્ષવા માટે મફત અથવા રાહતદરની વીજળી આપવાનું ચલણ પણ વધ્યું છે, જેના પરિણામે ભૂગર્ભ જળના અતિશય દોહનને પ્રોત્સાહન મળ્યું છે. વિસંગતિ એ છે કે જેમ જેમ ભૂગર્ભ જળનું સ્તર નીચે ઉતરતું ગયું, તેમ તેમ ટયુબવેલ દર વર્ષે વધુ ઊંડા ખોદાતા ગયા. આ પ્રયત્નો દ્વારા જળ સંકટ વધતું હોવા છતાં પાણીની અછત પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ જ કારણ છે કે આજે મધ્ય અને દક્ષિણ હરિયાણાના વિશાળ વિસ્તારોમાં તેના નકારાત્મક પ્રભાવો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે, જ્યાં જળસ્તર ખતરનાક સ્તરે નીચે જઈ રહ્યું છે.

બીજી તરફ, હરિયાણામાં ઝડપી ગતિએ વધતું શહેરીકરણ પણ જળ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં થયેલા ઝડપી શહેરી વિસ્તરણના કારણે ભૂગર્ભ જળનું દોહન તેની ટકાઉ સીમાથી ઘણું આગળ વધી ગયું છે. આ બેફામ ભૂગર્ભ જળ દોહન પર નિયામક સંસ્થાઓની દેખરેખ લગભગ નગણ્ય છે. એક વધુ ચિંતાજનક પાસું એ છે કે વધતા જાયન્ટ બાંધકામો અને આદ્ર ભૂમિઓના ક્ષયના કારણે ભૂગર્ભ જળનું કુદરતી પુનર્ભરણ અવરોધિત થયું છે. સાથે જ હવામાન પરિવર્તન, અનિયમિત મોનસૂન અને ઘટતા વરસાદી દિવસોએ ભૂગર્ભ જળના પુનર્ભરણને વધુ ઓછું કર્યું  છે, જેના કારણે જળભંડારોને ફરી જીવંત બનવાની સંભાવનાઓ લગભગ ક્ષીણ થઈ ગઈ છે.

ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડાનો સીધો પ્રભાવ ખેડૂતો પર પડી રહ્યો છે. ખેતરો માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની કિંમત સતત વધી રહી છે. વાસ્તવમાં, ઊંડા બોરવેલ માટે વધુ વીજળી અને વધુ મૂડી રોકાણની જરૂર પડે છે. આ જ કારણ છે કે ગ્રામિણ પીવાના પાણીની યોજનાઓ આ સ્થિતિનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી છે. બીજી તરફ, નીચી ગુણવત્તાવાળા જળભંડારો સુધી દોહનની સ્થિતિ પહોંચતા પ્રદૂષણનું જોખમ પણ વધ્યું છે. આ સંકટને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો આ સંકટની અવગણના કરીને સ્થિતિને બેકાબૂ છોડી દેવામાં આવશે તો તેના વ્યાપક અને ગંભીર નકારાત્મક પરિણામો આવી શકે છે.

પાક વૈવિધ્યીકરણ યોજનાઓ અને પુનર્ભરણ પ્રોજેક્ટો યોગ્ય દિશામાં લીધેલા પગલાં છે, પરંતુ તેમનો વ્યાપ અને અમલીકરણ આ પડકારના પ્રમાણમાં પૂરતો નથી. ભૂગર્ભ જળ વ્યવસ્થાપન હજુ પણ માંગ ઘટાડવાને બદલે પુરવઠો વધારવા પર વધુ કેન્દ્રિત રહ્યું છે.વિસ્તારોની સુરક્ષા કરવી અત્યંત જરૂરી છે.