app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

રમતવીરો સાથે જ રમત .

Updated: Jan 20th, 2023


રમતવીરો સાથે જ રમત

ભારત વિશ્વગુરુ તરીકે ઓળખ ધરાવે છે. બાર વર્ષ પહેલા ભારતીય મહિલા હોકી ટીમના કોચ એમ.કે. કૌશિક સામે ટીમની એક-બે નહીં, પરંતુ ૩૨ મહિલા ખેલાડીઓએ યૌન શોષણ અને અભદ્ર વર્તનની ફરિયાદ કરી, મીડિયામાં ઘટસ્ફોટ કર્યો, બસ ધરણા ન કર્યા. કેમ? કોચ કૌશિકને રાજીનામું આપવાનું કીધં  હતું. એ સમયે હોકીની ખેલાડીઓની ટીમ આ વિવાદોના લીધે ચેનલોમાં ચમકી ત્યારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ જીતી ગઈ હોય તેવો નિખાર તે કોચના મુખારવિંદ પર જોવા મળતો હતો. રમતવીર મહિલાઓને લાગ્યું હતું કે તેમના સંઘર્ષનો અંત આવશે, પરંતુ ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ તથા અન્ય કોચ વિરુદ્ધ કુસ્તીબાજ ખેલાડીઓએ લગાવેલા યૌન શોષણના આરોપ અને ધરણા એ વાતની પ્રતીતિ છે કે ભારતમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓનો શોષણ થતું રહે છે.

મુંબઇની કેઇએમ હોસ્પિટલની પથારી પર ૪૨ વર્ષ સુધી નિશ્ચેતન જીવન જીવનાર અરુણા શાનબાગ હોય કે દિલ્હીની નિર્ભયા, દરેક ઘટનામાં ભારે દેકારો થાય છે, પરંતુ ભારતમાં મહિલાઓ પર જાતીય અત્યાચારોની ઘટનામાં ઘટાડો થયાનું જણાતું નથી. જે દેશમાં યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતાઃ જેવી પંક્તિઓનું ગાન થતું હોય ત્યાં આવી ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે તે કાયદાની નબળાઇ દર્શાવે છે. જ્યારે નઠારાં તત્ત્વોના મનમાં કાયદાનો ભય રહેતો નથી ત્યારે જ તેઓ બળાત્કાર, જાતીય શોષણ જેવા દુષ્કૃત્યો આચરવાની હિંમત કરતા હોય છે. જ્યારે જ્યારે જાતીય શોષણ કે બળાત્કારની ઘટના બને છે ત્યારે ત્યારે દોષિતને દાખલારૂપ સજા થવી જોઇએ તેવી ચર્ચા તો ચાલે છે, પણ સમયના વીતવા સાથે વાત કોરાણે મુકાઇ જાય છે. જો દેશના શાસકો ખરેખર સ્ત્રીઓને સુરક્ષિત માહોલ પૂરો પાડવા માગતા હોય તો તેમણે આવા નઠારાં તત્ત્વો વિરુદ્ધ આકરામાં આકરી સજાની જોગવાઇ કરવી જોઈએ.

સજા તો શું ભારતમાં ગુનો સાબિત કરવામાં જ દાયકાઓ વીતી જાય છે. અત્યારે નઘરોળ તંત્ર સામે દેશના ૨૦ જેટલા ટોચના કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા પર બેઠા છે. તેમાંય દેશ માટે ઓલિમ્પિક્સમાં કુસ્તી માટે રજતચંદ્રક જીતનારી સાક્ષી મલિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટે યૌન શોષણનો આક્ષેપ કર્યો છે. દેશને ગૌરવ અપાવનારી દીકરીઓએ આવા આક્ષેપો કરવા પડે તેનો અર્થ એ થાય કે, હવે વાત હદની બહાર જતી રહી છે ને પરિસ્થિતિ અસહ્ય બની ગઇ છે. 

દુનિયા પર રાજ કરવાનાં સપનાં જોતા મહાન ભારતની આ વાસ્તવિક્તા છે. બીજી બાજુ 'વિલાસી' અમેરિકા ઓલિમ્પિકમાં અગ્રેસર છે. ચીનમાં જેમ વસતિ ઉભરાય છે, તો એટલા જ પ્રમાણમાં ચંદ્રકો પણ ત્યાં ઠલવાય છે. વિશ્વના એવા ઘણા દેશ છે જેમની પાસે ભારત જેટલી પણ પ્રાથમિક સુવિધાઓ કે શિક્ષણ નથી, સંપત્તિ નથી. છતાં દર વર્ષે અસલી રમતગમત કહેવાય એવી જાંબાઝીની સ્પર્ધાઓમાં ત્યાંના ખેલાડીઓ અવ્વલ રહે છે! અને સરકાર તેમની દરકાર કરે છે. જ્યારે ભારતમાં તો દેશ માટે ગોલ્ડ જીતનારી ખેલાડીઓની આવી દુર્દશા થાય છે. તેઓ તમામ પડકારો અને પરિસ્થિતિ સામે ઝઝૂમે છે, પણ પોલિટિક્સના પ્રપંચને કારણે તેમની કરીઅર બરબાદ થવાની કગાર પર આવી જાય તો જવાબદાર કોને ગણવા? આજે પણ મહિલા એથલિસ્ટ્સ પોતાના સ્વાભિમાનની લડાઈ લડી રહી છે, જ્યારે સરકાર તપાસ કમિટીમાં વ્યસ્ત છે.

દેશ માટે રમતી અને ભારતને ગૌરવ અપાવતી ખેલાડીઓ પરના જાતીય અત્યાચારો વાસના અને વિકૃતિની પરાકાષ્ટા સમાન હોય છે. આવું કૃત્ય કરનારા માણસને તો હેવાન સાથે જ સરખાવી શકાય. છતાં કડવી હકીકત એ છે કે બહુ ઓછી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. સામાજિક સંસ્થાઓથી માંડીને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના જાતીય દુર્વ્યવહારના જેટલા કિસ્સા બહાર આવે છે તેના કરતાં ઘણા વધુ કિસ્સા પોલીસ સુધી પહોંચતા જ નથી. મહંત, મૌલવી, કે બિશપ કે ગુરુ વખતોવખત તેમની સામે સ્ત્રીઓના જાતીય શોષણના આરોપો મૂકાતા રહ્યા છે. છતાં આ શ્રેણીબદ્ધ દુર્ઘટના અટકવાનું નામ જ નથી લેતી.

હોકીકાંડ વખતે હોકી ફેડરેશનના સુપ્રીમો કે.પી.એસ. ગીલે ઘટસ્ફોટ કર્યો હતો કે ફક્ત હોકી જ નહીં તમામ રમતોમાં યૌન શોષણની ફરિયાદો મળી રહી છે. યુવા ખેલાડીઓએ ટીમમાં સ્થાન મેળવવા ફક્ત કોચ નહીં, બોર્ડના પદાધિકારીઓને પણ 'રાજી' રાખવા પડે છે. અને જ્યારે મહિલા ખેલાડીઓ અવાજ ઉઠાવે ત્યારે સરકાર ન્યાયના નામે હથેળીમાં ચાંદ બતાવે છે. તેમના શબ્દો સિદ્ધ થઈ રહ્યા હોય તેવી સ્થિતિ દિલ્હીમાં સર્જાઈ રહી છે. ત્યારે રમતવીરો સાથે જ ચાલતી આવી નઠારી રમતનો અંત આવશે?


Gujarat