Get The App

ચૂંટણી પંચ શુદ્ધિકરણ .

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
ચૂંટણી પંચ શુદ્ધિકરણ                                . 1 - image

રાહુલ ગાંધી ભલે અગ્નિ નથી, પણ ધૂમાડો છે, પણ એવો ધૂમાડો દરેક લોકશાહી દેશમાં હોવો જોઈએ. દેશમાં પ્રાદેશિક સ્તરે જુઓ તો જ્યાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં વિરોધ પક્ષો સુષુપ્ત અવસ્થામાં છે. ચૂંટણી આવે ત્યારે પ્રજાને ખબર પડે કે હા આવો એક બીજો કે ત્રીજો પક્ષ પણ છે. એ સિવાય તે વિપક્ષો પોતપોતાના પ્રજા ન જાણે એવા સુખમાં મહાલતા હોય છે. આખું વરસ આંખથી ઓઝલ રહ્યા પછી જ્યારે ચોમાસુ આવે ત્યારે એકાએક જ ચારેબાજુ દેડકાઓનો ગુંજારવ સંભળાય છે એવું વિપક્ષનું છે. વિપક્ષમાં આંતરિક તડા પડેલા હોય, એના પદાધિકારીઓય એકબીજાની વિરુદ્ધ બોલતા હોય અને વળી વારંવાર એ બદલાતાય હોય. વાસ્તવમાં આ ભાજપે કરેલી કળા છે.

ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજાએ તો જાયું છે કે ભાજપના ક્યા ક્યા ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસે એની સામે ગેરેન્ટેડ હારે એવા ઉમેદવારોને ઊભા રાખવા એ નિર્ણય પણ ભાજપના કાર્યાલયમાં લેવાતો હોય છે. ભારતમાં કેન્દ્રમાં ચૂંટાયેલી  સરકારના વડા સત્તાધીશ હોય છે, સર્વ સત્તાધીશ હોતા નથી. ભવિષ્યમાં સત્તાનું આત્યંતિક કેન્દ્રીકરણ કરીને છાને પગલે તાનાશાહી દાખલ ન થઈ જાય એટલે બંધારણના મહાન નિર્માતાઓએ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી આપેલું છે જેમાં પ્રજા એકલી દિલ્હીની ગાદીને આશ્રિત નથી. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા, સંસદના બે અલગ ભવન લોકસભા અને રાજ્યસભા, એના અધ્યક્ષો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વગેરે. રાજ્યસભા હકીકતમાં બુદ્ધિધનોની સભા છે. એમાં દેશના જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનો કે જેમની પાસે દેશના ભવિષ્યનું સ્વાયત્ત મૌલિક વિઝન છે તેમને ધારાસભ્યોએ પોતાના રાજ્યમાંથી મોકલવાના હોય છે જેમાં પણ રાજરોગ આવી જતા ઈન્દિરા ગાંધીના સમયથી રાજકારણીઓ જ ઘુસી ગયા છે.

આજે અસલ પરંપરા પ્રમાણેના વિદ્વાનો ત્યાં પણ લઘુમતીમાં છે. રાજ્યસભાના સાંસદોની ગણતરી કદી પક્ષવાર ન થાય તો પણ આપણા દેશમાં એમ બોલાય છે કે રાજ્યસભામાં આ પક્ષની બહુમતી છે વગેરે -- તે ઘટના હાસ્યાસ્પદ છે. વિદ્વાનો પોતાની વિદ્યાને વરેલા હોય છે, તેઓ કોઈ પક્ષના હોતા નથી. પણ જો રાજ્યસભામાં પક્ષના લોકો ભરાઈ જાય તો એ રાજ્યસભા બંધારણની ધારણા પ્રમાણેની નથી. આપણો દેશ એક નવી વ્યાખ્યા તરફ તણાઇ રહ્યો છે. વધુમાં વધુ લોકો જ્યાં વધુમાં વધુ બોલે છે અને ઓછામાં ઓછા લોકો જ્યાં ઓછામાં ઓછું કામ કરે છે એ ભારત છે.

સચિવાલયોમાં પણ ક્યાંક ક્યાંક વાતમેળો જામેલો હોય છે જે આખો દિવસ ચાલે છે. આવા વાતાવરણમાં રાહુલ ગાંધી એક પ્રશ્નકર્તા તરીકે પ્રજાને મળ્યા છે. ઇલેક્શન કમિશન સામે તેઓ વન મેન ઓપોઝિશન કમિશન છે. એમનું કામ પ્રશ્ન પૂછવાનું છે. અને તમે સાચા હો તો એ સચ્ચાઈના પૂરાવા તમારે દેશને આપવાના છે. આ દેશમાં આ પ્રશ્નકર્તા ન હોત તો શું થાત? કારણ કે દેશના શાસકો તો આજકાલ એમ માને છે કે એના ઝભ્ભાઓના એક ખિસ્સામાં વિપક્ષ અને બીજા ખિસ્સામાં સમાચાર માધ્યમો રાખી દે એટલે તેઓ એકલવીર શહેનશાહ બની જાય.

ગોદી મીડિયા શબ્દ અસ્તિત્વમાં ક્યાંથી આવ્યો? એ શબ્દ સત્તાધારીઓની આરતી ઉતારનારા સેફ્રોન જર્નાલિઝમમાંથી પેદા થયેલો છે. પત્રકારત્વ યલો હોય, સેફ્રોન હોય કે ગ્રીન હોય, એની એવી એકરંગીતા લોકશાહી માટે ખતરનાક છે. રાહુલ ગાંધીની મૂળભૂત લડત દેશના લોકશાહીના મૂળમાં લુણો ન લાગે એ માટેની છે. આખા દેશને સંભળાય એવી ચૂંટણી પંચ સામે એમણે જે ધમાલ મચાવી છે તે હકીકતમાં શાસકોના એકાધિકાર સામેની લડત છે. લોકશાહી સર્વાધિકારથી ચાલવી જોઈએ, એકાધિકારથી નહિ. વિરોધ પક્ષનું કામ હવે પછી સત્તા મેળવવાના પેંતરાઓ રચવાનું નથી, અઘરા પ્રશ્નો કરવાનું છે અને એ જ તો રાહુલ કરે છે. ગઈકાલે તમે જેને પપ્પુ કહેતા હતા એના આજના પ્રશ્નોથી બહુ ગભરાઈ જવાની ક્યાં જરૂર છે જો તમે સાચા હો તો.

વિરોધ પક્ષ હકીકતમાં રાજકર્તાઓ પરનો નૈતિક અંકુશ છે. ચૂંટણી પંચ સામેના આટલા ઊહાપોહ પછી કમ સે કમ આવનારી ચૂંટણીઓમાં તો પંચની જાગૃતિમાં વધારો તો થશે. એ જાગૃતિ જ દેશને જોઈએ છે. અને એ કદી પણ અમરપદની વાંચ્છના રાખતા શાસકો દ્વારા ન મળે, એ તો વિપક્ષે જ ઢોલ વગાડીને લાવી આપવાની હોય છે. એટલે કે ભાજપે રાહુલની ચૂંટણી પંચ પ્રશ્નાવલિને જે વધારે પડતું મહત્ત્વ આપ્યું છે એની પણ ક્યાં જરૂર છે? આ તો શુદ્ધિકરણની સામાન્ય પ્રક્રિયા માત્ર છે.