ડ્રેગનની ભૂતાન યોજના .
ભારતના સર્વ પડોશી દેશોમાં એકમાત્ર ભૂતાન એવો દેશ છે, જે જગજાહેર રીતે ભારતના ખોળે બેઠેલો છે. સંપૂર્ણ રીતે સ્વતંત્ર દેશ હોવા છતાં ભૂતાનમાં એવી રાજકીય સંસ્કૃતિ અને પરંપરા વિકસેલી છે કે તે ભારતને પોતાના ગોડફાધર કે ભીષ્મ પિતામહ માને છે અને આજ સુધી ભારતની આજ્ઞાામાં રહે છે. ચીને જ્યારે દુનિયાના ઘણા બધા દેશોમાંથી પસાર થતાં સિલ્ક રોડની યોજનાને બહાને પોતાની મહત્વાકાંક્ષાનો એક અજગર પૃથ્વી પર વહેતો કર્યો, ત્યારે માત્ર ભારતના કહેવાથી જ ભૂતાને એ રસ્તાને પોતાના દેશમાંથી પસાર થવા દેવા અંગે ઈન્કાર કર્યો હતો. ભૂતાનની પ્રજા પણ ચીનને સખત ધિક્કારે છે. જો કે આવી સ્થિતિ અગાઉ નેપાળમાં પણ હતી, પરંતુ ચીનાઓએ લાલચો આપીને નેપાળી નેતાઓને પોતાની જાળમાં ફસાવી લીધા અને એ જ નેતાઓની મદદથી નેપાળી પ્રજા પર દમન શરૂ કર્યું. એવું ભૂતાનમાં પણ થઈ શકે છે.
જૂન ૨૦૨૦ થી ચીને તેનો પ્રોજેક્ટ કેપ્ચર ભૂતાન શરૂ કરેલો છે. ભૂતાનમાં સકતેંગ નામનો પ્રદેશ આવેલો છે. આમ તો સકતેંગ વન્ય પશુઓ માટેનું વિશ્વખ્યાત અભયારણ્ય છે. હિમાલયન દેશ હોવાને કારણે સહજ રીતે જ પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી છે. માત્ર લાલ અને ગુલાબી રંગના ફૂલોના જ અહીં હજારો પ્રકારના છોડ છે. કોઈ ચિત્રકારોએ કદી કલ્પના પણ ન કરી હોય એવા એક જ રંગના અસંખ્ય વૈવિધ્ય અહીંના લાલ-ગુલાબી ફૂલો આપે છે. પરંતુ ચીન હવે આ સમગ્ર પ્રદેશને પોતાના દુરાચારી અને સામ્યવાદી લાલ રંગથી રંગી નાંખવા ચાહે છે. ચીન અને ભૂતાન વચ્ચેનો આ નવો રંગભેદ આવનારા દિવસોમાં ભારત અને ચીન વચ્ચેના વધુ એક સંઘર્ષનું કારણ બનશે. ભારત સરકાર ક્યારે આ અંગે ભૂતાન સરકાર સાથે વાત કરશે અને ભૂતાનને ચીનની જાળમાં ફસાતા બચાવી લેશે એ અત્યારે તો અનિશ્ચિત છે. કારણ કે હજુ ભારત સરકારે ચીનની ભૂતાન પરત્વેની હલચલને ગંભીરતાથી લીધી નથી.
ભૂતાનના સકતેંગ વિસ્તારને ચીને પોતાના નકશામાં બતાવવાની શરૂઆત કરી છે. ઉપરાંત ભૂતાન સરકાર સમક્ષ ચીનના વિદેશ સચિવે રૂબરૂ જઇને એક નવા વિકાસ પ્રોજેક્ટની દરખાસ્ત પણ કરી છે, જેમાં સમગ્ર ભૂતાન દેશને આધુનિકરણના નવા સ્વરૂપ સુધી લઈ જવાની વિસ્તાર પૂર્વકની લાલચ આપવામાં આવી છે. ભૂતાન આવી કોઇ દરખાસ્ત સ્વીકારે એવી શક્યતા અત્યારે તો નહિવત્ છે. પરંતુ ચીને એ માટેની બૌદ્ધિક અને લશ્કરી કવાયતની તૈયારી રાખી છે. ચીન પહેલા માત્ર સકતેંગ વિસ્તારને હડપ કરી જવા ચાહે છે. ભૂમિમાર્ગે સકતેંગ જવું હોય તો ત્યાં પહોંચવાનો રસ્તો અરુણાચલ પ્રદેશમાંથી જ પસાર થાય છે. સકતેંગ મળી જાય તો અરુણાચલ પરનો તેનો દાવો ભૌગોલિક રીતે વધુ મજબૂત બને એમ તે માને છે.
પાકિસ્તાન, તિબેટ, નેપાળ અને મ્યાનમાર જેવા દેશો તો પહેલેથી જ ચીનના હાથનું રમકડું બની ગયેલા છે. એ જ મોડેસ ઓપરેન્ડીથી ચીન હવે ભૂતાનને પોતાના હાથમાં લેવા ચાહે છે. આશ્ચર્યજનક રીતે ભારત સરકારે આ પ્રકરણમાં આજ સુધી તો નિષ્ક્રિયતા દાખવી છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે ભારત સરકાર ઊંઘે છે અને ચીન વધુ એક ભારતમિત્રને આંચકીને પોતાના તરફ ખેંચી જવામાં વ્યસ્ત છે. ચીને જે સકતેંગ પ્રદેશ પર દાવો કર્યો છે તે એક રમણીય પહાડી વિસ્તાર છે અને ભારત પર હુમલો કરવા માટેની અત્યંત વ્યૂહાત્મક જગ્યા બની શકે એમ છે. ચીન ગમે ત્યારે કોઈક બહાના કે મોકાનો લાભ લઈને ભૂતાનમાં પોતાનો કાયમી પડાવ જમાવવાની મલિન મુરાદ રાખીને આગળ ધપે છે. ભૂતાનના હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને બ્રોડકાસ્ટિંગ સ્ટેશનનું નિર્માણ પૂર્ણતઃ ભારતની મદદથી થાય છે. વડાપ્રધાન મોદીને ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. પરંતુ હજુ ભારતે અહીં અનેક વ્યૂહાત્મક કામ કરવાના બાકી છે.ચીનમાં ભૂગોળને બહુ ગંભીર અને મહત્ત્વની વિદ્યાશાખા માનવામાં આવે છે. આપણે ત્યાં જે સન્માન ગણિત અને વિજ્ઞાાનને આપવામાં આવે છે એનાથી ક્યાંય વધુ સન્માન ચીની સરકાર ભૂગોળને આપે છે. ચીનના તમામ સરકારી વિભાગોમાં ભૂગોળવેત્તાઓનો મોટો કાફલો છે. એમાં પણ વૈશ્વિક ભૂગોળના વિરલ કહેવાય એવા નિષ્ણાતો ચીન પાસે છે.