રહી રહીને મણિપુરમાં વિવિધ જૂથો વચ્ચે કોઈ પણ નવા-જુના બહાને અથડામણો ચાલુ જ રહે છે. ઘણા સમયથી શાંત અંગારા હમણા ફરી ભડકી ઉઠયા છે. પરિસ્થિતિને થાળે પડવામાં હજુ ઘણી વાર લાગે એવું છે. મણિપુરની આ વખતની નવી હિંસા રાખ નીચેના અંગારાઓમાંથી પુન: પ્રજ્વલિત થયેલી હિંસા છે. રાજ્ય પોલીસ ઐને કાબૂ કરી શકે એમ નથી, એટલે ત્યાં સૈન્યની કુમક મોકલવામાં આવી છે. ત્રણ વરસ પહેલાં જ્યારે મણિપુર ભડકે બળતું હતું, ત્યારે તેમાંથી દસ હજાર લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડવા પડયા હતા. નાના રાજ્ય માટે આ મોટી સંખ્યા છે. ત્યારે હજારો ઘવાયા હતા અને સેકડો માર્યા ગયા હતા. સરકારે 'દેખો ત્યાં ઠાર'નો હુકમ કરવો પડયો હતો. એના પછી લગભગ દસ દિવસ પરિસ્થિતિ શાંત રહી હતી તો પણ જનજીવન રાબેતા મુજબનું થયું ન હતું.
કારણ કે ચારે બાજુ દહેશતનો માહોલ હતો, જે આજે ત્રણ વરસ પછી પણ છે. આ વખતે જે ફરી વખત હિંસા ભડકી એની પાછળનું કારણ એ છે કે મૈતેઈ સમુદાયના લોકોની દુકાનો અન્ય જનજાતિના લોકો બંધ કરાવતા હતા. એને કારણે વેપાર ધંધાના સ્થળ પર જ અથડામણો શરૂ થઈ ગઈ હતી, જે જોતજોતામાં નવેસરથી આખા મણિપુરમાં ફેલાઈ ગઈ છે. છેલ્લા પંદરેક દિવસમાં મણિપુરમાં અનેક મકાનોને ફરીવાર આગ ચાંપવામાં આવી છે. તોફાનીઓનાં ટોળાં ઇમ્ફાલની શેરીઓમાં ભૂતાવળની જેમ ફરી રહ્યા હતા. કેન્દ્રના ગૃહ પ્રધાનનું હવે મણિપુર તરફ ધ્યાન ગયું છે, એટલે પરિસ્થિતિ પર તબક્કાવાર અંકુશ આવવાની સંભાવના છે. આમ તો પૂર્વ ભારતનાં સાતેય રાજ્યોમાં ભાજપે જેટલું ધ્યાન આપ્યું છે એવું ખુદ વાજપેયીની કે જનતા પક્ષની અપવાદરૂપ સરકારો પણ અગાઉ ધ્યાન આપી શકી ન હતી.
પૂર્વોત્તરની સેવન સિસ્ટર્સ મોદીને મા જણી બહેન જેટલી વહાલી છે. મણિપુરમાં અત્યારે ભાજપની સરકાર છે. રાજ્યના એક જમાનાના લોકપ્રિય ફૂટબોલ ખેલાડી અને પછીથી વરિષ્ઠ પત્રકાર એવા મિસ્ટર બિરેન સિંહ મુખ્યમંત્રી તરીકે બહુ સફળ ન ગયા પછી યુમનામ ખેમચંદને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા છે, પરંતુ સંયોગો હજુ નિરંકુશ છે. મણિપુરની આ સમસ્યાની ખરેખર શરૂઆત ત્યારથી થઈ જ્યારે મણિપુર હાઇકોર્ટે રાજ્ય સરકારને એક વિશિષ્ટ પ્રકારની સૂચના આપી. અદાલત ધારે તો હુકમ પણ કરી શકતી હતી, પરંતુ સંવેદનશીલ મામલો હોવાને કારણે અને સંબંધિત નિર્ણય બંધારણ પ્રમાણે ચૂંટાયેલી પાંખ દ્વારા લેવાય તો વધુ યોગ્ય ઠરે અને ચિરંજીવી નીવડે એમ માનીને કદાચ મણિપુર હાઇકોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિઓએ રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે તે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની દસ વર્ષ જૂની ડિમાન્ડ પર ફરીવાર વિચાર કરે.
આને કારણે માન્યતા પ્રાપ્ત જનજાતિ સમુદાયોમાં એવી આશંકા જાગી કે સરકાર મૈતેઈ સમુદાયને હવે અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપી શકે છે અને જો એમ થાય તો આ માન્યતા પ્રાપ્ત જનજાતિના એકલપટ્ટા જેવા ભૂભાગ પર મૈતેઈ પ્રજા કબજો કરી શકે છે. આ એક જ મુદ્દાને કારણે સમગ્ર મણિપુર અત્યારે ભડકે બળી રહ્યું છે. ભારતમાં કોઈ પણ પક્ષની સરકાર હોય એને માટે સૌથી મોટો પડકાર પ્રજા વચ્ચે સંસાધનોની સમાનતાપૂર્વકની વહેંચણી અને વિવિધ જાતિઓ વચ્ચેના સંબંધોને સુલેહપૂર્ણ રાખવા એ જ છે. મણિપુરમાં મુખ્યત્ત્વે ત્રણ સમુદાયના લોકો વસે છે. એમાં નાગા અને કુકી માન્યતાપ્રાપ્ત જનજાતીય સમુદાય છે અને એમનો ત્યાં નેવું ટકા સંરક્ષિત ભૂભાગ પર કબજો છે.
મૈતેઈ સમુદાય આ બન્ને જનજાતિઓથી અંદાજે બેવડી વસ્તી ધરાવે છે, પરંતુ જમીન એમની પાસે માત્ર દસ ટકા જ ઉપલબ્ધ છે. મુખ્યત્વે તો જ્યાં તોફાનો ચાલુ છે તે ઇમ્ફાલ અને આજુબાજુના ટૂંકા પ્રદેશમાં મૈતેઈ લોકોનું કેન્દ્રીકરણ થયેલું છે. મૈતેઈ સમુદાય તેજસ્વીતામાં આગળ છે. રાજકારણમાં પણ આગળ છે. મણિપુરના સાંઈઠ ધારાસભ્યોમાંથી ચાલીસ મૈતેઈ સમુદાયના છે ! એટલે પ્રશાસનમાં પણ મૈતેઈનો દબદબો છે. મૈતેઈ સમુદાયને પહાડો, જંગલો, પડતર જમીનો જે વણખેડી છે પણ હરિયાળી અને ફળદ્રુપ છે તેમાં ભાગ જોઈએ છે. સંખ્યાબળ છે, રાજશક્તિ છે, બુદ્ધિપ્રભા છે છતાં હક નથી એટલે લડત અટકે એવાં કોઈ ચિહનો નથી. વળી અત્યારે જે તોફાન ચાલે છે તે મૈતેઈ સમુદાયની ડિમાન્ડ માટેનું તોફાન નથી પણ નાગા અને કુકી લોકોનું એડવાન્સ આંદોલન છે કે હાઈકોર્ટના સૂચન છતાં મૈતેઈને એના હક ન મળવા જોઈએ.


