ગરીબોને મફત અનાજ આપવાની યોજના ગત લોકસભા ચૂંટણી પહેલા ડિસેમ્બરમાં સમાપ્ત થવાની હતી. સરકાર ગરીબોના હિત માટે સતત ચિંતિત હોવાથી અને એ સમયે યોગાનુયોગ અત્યારની જેમ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી હોવાથી વડાપ્રધાને છત્તીસગઢમાં એક ચૂંટણી સભામાં જ યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાની જાહેરાત કરી હતી. પીએમની જાહેરાત પર લાભાર્થીઓએ વધુ તાળીઓ પાડી ન હતી કારણ કે ન તો વર્તમાન સરકાર કે ન તો ક્યારેય સત્તામાં આવનારી નવી કોઈ પણ સરકાર આ યોજનાને રોકવાની હિંમત બતાવી શકે. જો દેશના એંસી કરોડ ગરીબ લોકો ઈચ્છતા હતા એ પ્રમાણે તેઓ વડાપ્રધાનની એ ચૂંટણી પૂર્વેની જાહેરાતને ભેટ તરીકે સ્વીકારી શક્યા હતા કે તેઓને આગામી પાંચ વર્ષ સુધી મફત અનાજની સુવિધા મળતી રહેશે. સરકારને આજે હવે સમયે માત્ર બે જ બાબતોની સૌથી વધુ ચિંતા છે!
પહેલી ચિંતા ગરીબોની અને બીજી હિન્દુત્વની. ચિંતા એ પણ સમજી શકાય કે હિંદુત્વને બચાવવા માટે ગરીબોની રક્ષા કરવી જરૂરી છે. સત્તાધારી પક્ષ જાણે છે કે સક્ષમ અને શ્રીમંત લોકો તેમની ભારતની નાગરિકતા છોડી શકે છે અને અન્ય દેશોમાં સ્થાયી થઈ શકે છે, પરંતુ ગરીબ વસ્તી કે જેને સરકાર તેની જરૂરિયાત મુજબ અનાજ ખરીદવા સમર્થ બનાવી શકી નથી, તેઓએ અહીં રહેવું પડશે, કોઈ પણ રીતે. અંદાજે ૧૫૦ કરોડથી વધુ વસ્તીવાળા દેશમાં પાસપોર્ટ ધારકોની સંખ્યા ૧૦ કરોડથી ઓછી છે. તેથી, ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવા માટે, ગરીબ વસ્તી પર નિર્ભરતા હંમેશા રહેવાની છે. ચૂંટણીના કારણોસર સત્તામાં રહેલા લોકો માટે ગરીબી જાળવવી પણ મહત્વપૂર્ણ બની જાય છે.
જો મોદી સરકારે તેના ચૂંટણી વચન મુજબ દર વર્ષે બે કરોડ નવી નોકરીઓ આપવાનું ચાલુ રાખ્યું હોત તો છેલ્લા બારેક વર્ષમાં ચોવીસ કરોડ લોકો પોતાના પગ પર ઊભા થયા હોત અને સમજદારીપૂર્વક મતદાન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી હોત. પરંતુ હકીકત એ છે કે રાજકીય રીતે સમજદાર સત્તાધીશોને નાગરિકો આ રીતે સમજુ બને તે પસંદ કદાચ નથી. ઈ. સ. ૨૦૧૧માં થયેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ દેશની વસ્તી ૧૨૧ કરોડ હતી. આ વસ્તીના ૮૧.૩૫ કરોડ લોકોને જરૂરિયાતમંદ ગણીને જુલાઈ ૨૦૧૩થી મફત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે મનમોહન સિંહની યુપીએ સરકાર સત્તામાં હતી. ત્યારે ભાજપે આ યોજનાનો વિરોધ કર્યો હતો. આ યોજનાની શરૂઆત બાદ તરત જ મોદી સરકાર મે ૨૦૧૪માં સત્તામાં આવી હતી.
કોઈએ પ્રશ્ન નથી કર્યો કે યુપીએ સરકારની જે યોજનાનો ભાજપા વિરોધ કરતી હતી તે યોજના કેમ ચાલુ રાખવામાં આવી રહી છે? એટલું જ નહીં દેશમાં ઈ. સ. ૨૦૧૧થી ઈ. સ. ૨૦૨૫ વચ્ચે જે ગરીબોની સંખ્યા વધી છે તેમના અનાજની વ્યવસ્થા કેવી રીતે થશે? મફત અનાજ વિતરણની યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરતા પીએમએ છત્તીસગઢની તત્કાલીન ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે ગરીબીમાંથી બહાર આવેલા, ગરીબીમાં જીવ્યા પછી આવેલા મોદી, ગરીબોને આ રીતે લાચાર નહીં છોડી શકે. ગમે તેટલી મુસીબતો આવે, હું ગરીબોના બાળકોને ભૂખ્યા સૂવા નહીં દઉં. હું ગરીબનો ચૂલો નહીં ઠરવા દઉં. મફત અનાજનું વિતરણ કરવાની યોજનામાં પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. ચૂંટણી દરમિયાન પાર્ટીઓનો ખર્ચ અલગ છે. ૬૦ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચની બજેટ જોગવાઈ મનરેગા યોજના માટે હોય છે.
મફત અનાજ વિતરણ યોજનાનો લાભ લેતા અગ્રણી રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, કર્ણાટક અને ઝારખંડ છે અને એ સિવાય યુપી, આસામ, ગુજરાત, એમપી, મહારાષ્ટ્ર (તમામ ભાજપ શાસિત) છે. વિકાસના રોલ મોડલ તરીકે પ્રચારિત ગુજરાતમાં ૭૪.૬૪ ટકા ગ્રામીણ અને ૪૮.૨૫ ટકા શહેરી વસ્તી આ યોજનાનો લાભ લઈ રહી છે. ૧૨૫ દેશો માટે જાહેર કરાયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ-૨૦૨૫માં ભારત ૧૧૧મા ક્રમે છે. યાદી અનુસાર શ્રીલંકા ૬૦મા, નેપાળ ૬૯મા, બાંગ્લાદેશ ૮૧મા અને પાકિસ્તાન ૧૦૨મા સ્થાને છે. એ વાતની જ કલ્પના કરી શકાય કે જો મફત અનાજ વિતરણની યોજના બંધ કરી દેવામાં આવે અથવા તેમાં કોઈ કાપ મૂકવામાં આવે તો શું પરિણામ આવશે? ગરીબ લોકો કદાચ તેમના ઘરના દરવાજે થાળી અને વાટકી વડે રમવાનું બંધ કરી દેશે અને ખાલી પેટે શેરીઓમાં રમવાનું શરૂ કરી દેશે.


