Get The App

બજારમાં દિવાળીની રોનક .

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
બજારમાં દિવાળીની રોનક                              . 1 - image

બજારમાં દિવાળીની રોનક હવે દેખાય છે. વિવિધ આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણોમાં ભારતીય ગ્રાહક-બજાર વિકસવાની ધારણા કરવામાં આવી છે પરંતુ ભારતમાં પ્રવર્તમાન અર્થતંત્રને ધક્કો લાગે તે રીતે સરેરાશ ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી રહી છે. ગયા વરસે દિપાવલી માહોલમાં બજારમાં પ્રાસંગિક ઉછાળો આવ્યો અને પછી લગ્નસરાની મોસમમાં તેજી દેખાતી હતી. પ્રોફિટેબલ ગ્રોથ પરના એક સંશોધન અહેવાલ પ્રમાણે ભારતીય ગ્રાહકોની ખર્ચ કરવાની તાકાત વાર્ષિક એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે. જો સરકાર કોઈ નવા અંતરાયો ન મૂકે તો આગામી એક-બે વરસમાં આ લક્ષ્યાંક સુધી પહોંચી શકાશે. આપણે ત્યાં અગાઉ આર્થિક રીતે નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ એવા ધોરણો હતા પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે અને નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ તથા ઉચ્ચ મધ્યમ વર્ગમાં એકરૂપતાઓ દેખાવા લાગી છે.

બે પૈડાના વાહનમાં માત્ર એક જ લીટર પેટ્રોલ પૂરાવનારાઓની સંખ્યા દેશમાં બહુ મોટી છે. તેઓ એક સપ્તાહનું પેટ્રોલ પોતાના બાઈકમાં એક સાથે પૂરાવી શકતા નથી. ઉચ્ચ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ વચ્ચે એક તો અગાઉ જ પાતળી ભેદરેખા હતી એ હવે ભૂંસાઈ ગઈ છે. ઉપરાંત વર્ષ દરમિયાન વર્ગ બદલતા પણ રહે છે. ચારેબાજુથી પરિવારને ભરડો લેતી મોંઘવારી વિશે દેશમાં હવે તો ચર્ચા જ અપ્રસ્તુત છે. સહુએ મોંઘવારી સ્વીકારીને પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવી દીધું છે. સતત નવા નવા પ્રકારના અધિનિયમોની ભરમારમાં પ્રજા જીવન ડિસ્ટર્બ થયેલું છે. બદલાવેલી જીવન પ્રણાલિકા એટલે કે કરકસર ભારતીય બજારોમાં બરફીલી ઠંડક પ્રસરાવે છે. બધા જ બજારો ઝડપથી ઠંડા પડી રહ્યા છે. આ એક જોખમી પરિબળ છે જે અર્થતંત્રને તબક્કાવાર ખાડામાં ઉતારી શકે છે.

આજથી બાર વરસ પહેલા અમેરિકાની એમોરી યુનિવર્સિટીના અધ્યાપક પ્રો. ચાર્લ્સ કેલ્સ્ટેડ ગુજરાતના અતિથિ હતા. તેમના અધ્યક્ષપદે ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જે ચર્ચાઓ થઈ તેમાં ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે દેશના સામાન્ય નાગરિક માટે આજકાલ સરકાર પોતે જ (સમાધાનને બદલે) એક સમસ્યા છે. જો સામાન્ય નાગરિકની ખરીદશક્તિ વધારવા માટે કેન્દ્ર સરકાર કહેવાતા વિકાસના મીઠામધુરા ફળ આ સામાન્ય પ્રજા સમુદાય સુધી નહિ પહોંચાડે તો ભારતમાં ઈજિપ્ત જેવી સમસ્યા થવાની દહેશત રહે છે. તેમના શબ્દો આનાથી પણ વધુ આકરા હતા, એ સમયે દેશનાં રાષ્ટ્રીય રાજકારણમાં મિસ્ટર મોદીનો અભ્યુદય થવાનો બાકી હતો. પરંતુ આટલા વરસો પછીય એ મહાન અર્થશાસ્ત્રીઓએ કહ્યું તેમાં હજુ બહુ ફેર પડયો નથી અને દિવસે દિવસે સામાન્ય નાગરિકની ખરીદશક્તિ ઘટતી જાય છે. પ્રવર્તમાન કેન્દ્ર સરકાર આ સંયોગોથી અજાણ ન હોય, એટલે પેલા અર્થશાસ્ત્રીઓને અપેક્ષિત એવી આર્થિક ક્રાન્તિના પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ ભાજપના દુર્ભાગ્યે એ પ્રયત્નોના કોઈ મીઠા ફળ નાગરિકો સુધી પહોંચ્યા નથી.

સર્વેક્ષણો પ્રમાણે ભારતમાં સૌથી વધુ ખરીદશક્તિ પાટનગર નવી દિલ્હીના નાગરિકો પાસે છે. તેઓ ધૂમ ખરીદી કરે છે. દિલ્હી અને મુંબઈમાં હવે અનેક ઘર છે જેમાં રસોડા જ નથી. તાવડી તેર વાના માગે એ વાત સાચી પણ રસોડાનો જ તેઓએ છેદ ઉડાડીને તેર વાનામાંથી મુક્તિ મેળવી લીધી છે. ઘરમાં કદાચ થોડોક કોરોમોરો નાસ્તો હોય તો હોય ! એ સિવાય ફ્રિઝમાં ખાદ્યસૃષ્ટિ સમાવિષ્ટ ! દિલ્હી પછી મુંબઈની ખરીદશક્તિ વધારે છે. પછી પૂના, થાણે, કલકત્તા અને અમદાવાદ છે. આ ક્રમમાં દેશના માંધાતા કહી શકાય તેવા સંખ્યાબંધ શહેરો બાકાત છે જે બતાવે છે કે તેમની રોનક જળવાયેલી છે પણ ત્યાં વસતી પ્રજાની ખરીદશક્તિ ઘટી ગઈ છે, જે અર્થતંત્ર માટે જોખમી છે. દરરોજ સાંજે બહાર જઈને તમતમતો અને સ્વાદિષ્ટ (જે મહદંશે સત્ત્વશૂન્ય હોય છે) ખોરાક આરોગવામાં અમદાવાદનો જોટો જડે તેમ નથી અને એટલે જ દેશના ટોચના પાંચ જાયન્ટ ખરીદશક્તિ ધરાવતા શહેરોમાં અમદાવાદે પ્રવેશ મેળવી લીધો છે.

અમદાવાદને ગુજરાતનું અવિધિસરનું પાટનગર તો માનવામાં આવે જ છે પણ તે ખાણીપીણીનું પણ નેતૃત્વ કરે છે. રાજ્યમાં અને દેશમાં જ્યાં જે વખણાતુ હતું તે બધું જ અમદાવાદે પોતાનામાં હર્ષથી વસાવી લીધું છે! શોખ આખરે શોખ હોય છે એને હેલ્થચાર્ટ સાથે કોઈ સંબંધ નથી એમ ગુજરાતી જિહવાએ પ્રતિપાદિત કર્યું છે! સર્વાધિક ઊંચી ખરીદશક્તિને સર્વાધિક શ્રીમંતાઈ ન માની લેવાની સલાહ અર્થશાસ્ત્રીઓ આપે છે. એ રીતે મુંબઈ અને દિલ્હી કરતાં પણ કલકત્તા વિસ્તાર (એટલે કે જિલ્લો)ની ખરીદ ક્ષમતા સૌથી વધારે છે. પરંતુ ટોપટેનમાંથી પણ એવા અનેક શહેરો હવે ગાયબ થવા લાગ્યા છે જે અગાઉ આ ક્રમસારણિમાં હતા.