તેરા યહાઁ કોઈ નહિ .
ઈઝરાયેલના હુમલાથી તબાહ થયેલા પેલેસ્ટિનિયન નાગરિકોની દુર્દશા અને સમગ્ર વિસ્તારમાં પ્રવર્તતી કરુણ પરિસ્થિતિને જોતા સૌપ્રથમ જરૂરિયાત કોઈપણ રીતે યુદ્ધવિરામની છે. આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રમાં અનેક સ્તરે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં યુદ્ધવિરામ સંબંધિત ઠરાવ સ્વીકારવામાં આવ્યો હતો. પરંતુ તે પછી પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં હુમલાઓથી સામાન્ય લોકોને રાહત મળી શકી નથી. પેલેસ્ટાઈનના નાગરિકોમાં બે ભાગ પડી ગયા છે. એક સમુદાય કહે છે કે હમાસને અને અમારે કંઈ લેવાદેવા નથી. જ્યારે બીજો સમુદાય લડાયક છે જે હમાસને પોતાની બચતો આપીને શસ્ત્રો ખરીદવાનું કહે છે. ઈઝરાયલે હોસ્પીટલના એ ખતરનાક ફોટો જાહેર કર્યા છે જેમાં ગાઝા પટ્ટીમાં આવેલી હોસ્પીટલોમાં હમાસના કમાન્ડોએ સુરંગો બનાવી છે. હમાસે હોસ્પિટલને સલામત જગ્યા માનીને ત્યાં પોતાના શસ્ત્રભંડારો પણ બનાવ્યા છે.
યુનોનો કોઈ પ્રભાવ નથી તો પણ વાસ્તવમાં, યુદ્ધની સ્થિતિમાં, દરખાસ્ત અંગે સુરક્ષા પરિષદનું વલણ શું છે તેના પર ઘણું નિર્ભર છે. આ સંદર્ભમાં, પેલેસ્ટાઇનના સામાન્ય નાગરિકોની પીડા ઘટાડવા માટે તાત્કાલિક અને વિસ્તૃત માનવતાવાદી યુદ્ધવિરામની માંગ કરતા ઠરાવને સુરક્ષા પરિષદમાં અપનાવવામાં આવે તે સમયની જરૂરિયાત છે. પંદર સભ્યોની સુરક્ષા પરિષદમાં આ પ્રસ્તાવની તરફેણમાં ૧૨ મત પડયા હતા. જોકે, અમેરિકા, બ્રિટન અને રશિયા આ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યા. ઈઝરાયેલે આ વાતને નકારી કાઢી હતી. આમ છતાં, માનવતાવાદી યુદ્ધવિરામ માટે સુરક્ષા પરિષદમાં બહુમતીનું સમર્થન શાંતિના માર્ગમાં એક સકારાત્મક પગલું ગણી શકાય. આ પોતાનામાં જ એક મોટી દુર્ઘટના છે કે ઇઝરાયેલના હુમલાએ હવે જે સ્વરૂપ ધારણ કર્યું છે તેના કારણે પેલેસ્ટાઇનની મોટી વસ્તી ભયંકર સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે.
આ હુમલામાં પેલેસ્ટાઈનની હેલ્થ સિસ્ટમ પણ બચી નથી અને હોસ્પિટલો પર પણ બોમ્બમારો થઈ રહ્યો છે. સામાન્ય દર્દીઓની સાથે હુમલાનો ભોગ બનેલા લોકોને પણ સારવાર આપવામાં આવતી નથી કારણ કે હવે એ શક્ય નથી. બાળકો અને ગર્ભવતી મહિલાઓની મુશ્કેલીની કલ્પના જ કરી શકાય છે. જ્યારે કોઈ પણ યુદ્ધ દરમિયાન હોસ્પિટલોને સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ યુદ્ધ દરમિયાન પણ આવા સ્થળો પર હુમલો ન કરવા માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ એવું લાગે છે કે યુદ્ધની પરિસ્થિતિમાં લઘુતમ માનવીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ બનાવવામાં આવ્યા છે તેની કાળજી હવે કોઈ લે એમ નથી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ અગિયાર હજાર લોકો માર્યા ગયા છે, જેમાંથી ચાર હજારથી વધુ બાળકો હતા. ઈઝરાયેલે ગાઝા પટ્ટીના મોટા વિસ્તારને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ લાખો લોકો ત્યાંથી અન્ય વિસ્તારોમાં વિસ્થાપિત થયા હતા. અન્ન, પાણી, રહેઠાણ અને પાયાની સુવિધાઓની જે કટોકટી ઊભી થઈ છે તે માનવતા સમક્ષ ગંભીર પડકાર છે.
ચાર હજાર બાળકોના મોત એટલે શું? સામાન્ય રીતે પરિવારમાં સમાજમાં કે દેશમાં જે કંઈ સગવડ હોય છે અને જે સાધન સંપન્નતા હોય છે તે બધું જ મુખ્યત્વે શિશુઓની સેવામાં હોય છે. એટલે કે કોઈપણ દેશમાં પહેલા ક્રમે બાળકો હોય છે, પરંતુ હવે એ ક્રમ જળવાયો નથી. બાળકો વિશે વિચાર જ ન કરવામાં આવે એવા યુદ્ધ હવે જોવા મળે છે, એનું કારણ એ છે કે યુદ્ધમાં આતંકવાદી પરિબળ ઉમેરાઈ ગયું છે અને આતંકવાદને તો કોઈ ધર્મ તો નથી હોતો પરંતુ એને જોવા કે સાંભળવાની પણ વ્યવસ્થા નથી હોતી એટલે બાળકો તરફ ધ્યાન આપવાનો સવાલ ઊભો થતો નથી. નાગરિકો અત્યારે ગાઝા પટ્ટી ખાલી કરી રહ્યા છે અને આ કંઈ પહેલી વાર નથી. ઈતિહાસમાં સતત ઇઝરાયેલનું દબાણ વધતું રહ્યું છે અને પેલેસ્ટાઇન પ્રજાની જમીન સંકોચાતી ગઈ છે. હવે પેલેસ્ટાઈન પ્રજા રખડતી ભટકતી કોઈ જિપ્સી જાતિની જેમ જે કંઈ હાથમાં આવ્યું તે લઈને ચાલી નીકળ્યા છે.
જે લોકો શરૂઆતમાં પેલેસ્ટાઇનને મદદ કરતા હતા અને એમની તરફેણમાં બોલતા હતા એવા ઈરાન સહિતના દેશો પણ હવે આ યુદ્ધથી પોતાને અલિપ્ત રાખે છે. અખાતી દેશોની જુદી જુદી પરિષદો મળી અને વિખરાઈ ગઈ પરંતુ એનો યુદ્ધ પર કોઈ પ્રભાવ પડયો નથી. તમામ અખાતી દેશો પણ હવે બહારથી દેખાતી મુસ્લિમ એકતા છતાં સ્વતંત્ર ટાપુ જેવા થઈ ગયા છે. તેઓ હવે કોઈ દિવસ એકબીજાને કામમાં આવે એવા રહ્યા નથી. એનું પરિણામ આજે પેલેસ્ટાઇનની પ્રજા ભોગવે છે. કારણ કે એને કલ્પના પણ ન હતી કે ઇઝરાયેલ હુમલો કરશે પછી એની મદદે કોઈ આવશે નહીં.