ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા કાયદો હટાવ્યા બાદ આખરે, પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને મુક્ત કરવામાં આવ્યા છે. તેમની મુક્તિનો લદાખમાં લોકોએ ધામધુમથી ઉત્સવ મનાવ્યો. વાંગચુક ગયા વર્ષે સપ્ટેમ્બરથી જોધપુર જેલમાં હતા, જેના કારણે રાજકીય વિરોધ પક્ષો અને વિવિધ સામાજિક સંગઠનો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. દેશના કોઈ પણ વિરોધ પક્ષે જોકે દિલથી વિરોધ કર્યો ન હતો. તેઓ બધાએ ઉપરછલ્લો વિરોધ કર્યો, જેથી બહુ લાંબો સમય વાંગચુકે અધ્યાયના સળિયા પાછળ રહેવું પડયું. દેશની ઘણી એનજીઓએ ખરા દિલથી વિરોધ કર્યો, પણ એમનો સાદ કેન્દ્ર સુધી પહોંચ્યો નહિ. સરકાર હવે દલીલ કરે છે કે આ નિર્ણય લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને સંવાદનું વાતાવરણ બનાવવા માટે લેવામાં આવ્યો હતો. દરમિયાન, વિરોધ પક્ષોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ ૧૭ માર્ચે વાંગચુકની અટકાયતને પડકારતી અરજી પર સુનાવણી કરવાની હતી.
તેમની ધરપકડ માટે મજબૂત કારણો ન હોવાને કારણે કેન્દ્ર સરકારે તેમને મુક્ત કરવાની ફરજ પડી છે. નવીન શૈક્ષણિક અને વૈજ્ઞાાનિક પ્રયોગો માટે જાણીતા રેમન મેગ્સેસે પુરસ્કાર વિજેતા, પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે દેશમાં વાંગચુકના ચાહકોનો વિશાળ સમુદાય છે. ગ્રેટા થનબર્ગની જેમ તેઓની કીર્તિ દેશની સીમાઓ ઓળંગી ગયેલી છે.
તેઓ લાંબા સમયથી લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવા માટેની ચળવળમાં સામેલ હતા. તેમણે ઘણી વખત ઉપવાસ કર્યા હતા અને ઉપવાસ ફરી શરૂ કરવા માટે પગપાળા કૂચ દ્વારા દિલ્હી પણ પહોંચ્યા હતા. જોકે, આંદોલન હિંસક બન્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો તર્ક છે કે લદ્દાખના લોકોની માંગણીઓને પહોંચી વળવા માટે લદ્દાખમાં વિવિધ સમુદાયો, નેતાઓ અને સંગઠનો સાથે સતત વાતચીત ચાલી રહી છે. જોકે આ એક દંતકથા છે.
સરકારે એમ પણ કહ્યું છે કે લદ્દાખ માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવશે. સોનમ વાંગચુક જે જે મુદ્દાઓ માટે લડતા રહ્યા છે એના પર સરકારની ચૂપકિદી છે. વાંગચુક લદાખનો એક આંતરરાષ્ટ્રીય ચહેરો છે અને તેઓ તેમના વતનના લોકનાયક છે. વિરોધ પક્ષો રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ક્લાઈમેટ પરિવર્તન કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ પાછળના તર્ક પર સવાલ ઉઠાવી રહ્યા છે. શું આ લોકશાહી રીતે પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન નથી? એક થિયરી વિખ્યાત છે કે કેન્દ્રના શાસકોએ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને રાજી રાખવા માટે વાંગચુકને જેલભેગા કર્યા. પણ પછી સરકાર લદાખમાં જે ઔદ્યોગિક રેડ કાર્પેટ પાથરવાની હતી તે કામ કરી શકી નહિ. જેલવાસ દરમિયાન વાંગચુકની લોકપ્રિયતા અને એમના પરત્વેની સહાનુભૂતિ ઔર વધી ગઈ.
નાગરિક સમાજ સંગઠનોએ તેમના હિમાલયન શીતળતા ધરાવતા વતન લદ્દાખથી ૧,૪૦૦ કિલોમીટર દૂર રાજસ્થાનના ગરમાગરમ રાજ્યમાં જોધપુર જેલમાં વાંગચુકની અટકાયત પર પણ સવાલ ઉઠાવ્યા છે. ગયા મહિને, સુપ્રીમ કોર્ટે પણ સોનમ વાંગચુકની ખરાબ તબિયતનો હવાલો આપીને તેમની અટકાયતની સમીક્ષા કરવા કહ્યું હતું. હકીકતમાં, વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદો બાદ, તેમની પત્નીએ નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસની વિનંતી કરી હતી. કોર્ટે માસિક આરોગ્ય અહેવાલો પણ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે ત્યારબાદ ટિપ્પણી કરી હતી કે જો અટકાયતના આદેશમાં કાનૂની ખામીઓ હોય, તો તેને રદ કરી શકાય છે. સરકારે દલીલ કરી હતી કે આંદોલનમાં હિંસા ભડકાવવામાં વાંગચુકની ભૂમિકાને કારણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવા માટે પૂરતા કારણો છે.
દરમિયાન, વિપક્ષી કોંગ્રેસના નેતાઓએ ૧૭૦ દિવસની અટકાયતમાં કેન્દ્ર સરકારના દેશના સંચાલન પર સવાલ ઉઠાવ્યા. વાંગચુકની મુક્તિ બાદ અન્ય વિપક્ષી દળો પણ સરકાર સમક્ષ વાંગચુક વિશે બોલવા લાગ્યા છે પણ એ તો પાછળથી રચાયેલા નાટકો માત્ર છે. આપણા દેશમાં વિરોધ પક્ષ કંઈ પણ કર્યા વગર યશની ભૂખ સાથે ભટકે છે અને મોકો મળે તો કેમેરા - કલમના કવરેજ માટે માથાં પછાડે છે એ સિવાય એમના એજન્ડાનો કોઈ ધડો નથી. હવે રહી રહીનેય કેટલાક વિપક્ષી નેતાઓ કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે, અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે વાંગચુકે લદ્દાખના પર્યાવરણ અને અધિકારોની માંગણીઓ ઉઠાવવાની કિંમત ચૂકવી છે.


