Get The App

વેલકમ હોમ, સુનિતા .

Updated: Mar 20th, 2025

GS TEAM

Google News
Google News
વેલકમ હોમ, સુનિતા                                     . 1 - image

નીલ આર્મસ્ટ્રોંગે જ્યારે ચંદ્ર ઉપર પ્રથમ ડગ માંડયા ત્યારે સમગ્ર દુનિયાની નજર તેમની ઉપર હતી. પ્રજાના મોટા ભાગના વર્ગને ખાસ આશંકા ન હતી કે પ્રથમ ચંદ્રયાત્રી ધરતી પર પરત ફરશે કે કેમ. તે સમયના ઇન્દિરા-દ્વેષી અમેરિકન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન પાસે એક બીજી સ્પીચ તૈયાર હતી. જો નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ આલ્ડ્રીની ટુકડી અકસ્માતમાં ત્યાંથી નજીક પડતા સ્વર્ગે સિધાવી જાય તો રાષ્ટ્રને સંબોધિત કરવા માટેનો શોક મેસેજ નિક્સનની સરકારે તૈયાર રખાવ્યો હતો. સુનિતા વિલિયમ્સના કેસમાં એવો જ શોકમગ્ન મેસેજ જો બાઈડેન કે ટ્રમ્પે તૈયાર રખાવ્યો હશે કે નહીં એ આપણને અમુક વર્ષો પછી કદાચ ખબર પડશે, પણ એટલું નક્કી કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા તેના ચૂંટણી પ્રચારમાં સુનિતા વિલિયમ્સને ધરતી ઉપર પરત લાવવાનું વચન આપ્યું હતું અને એ પાળીને બતાવ્યું. 

ગઈકાલે વહેલી સવારે ભારતીય-અમેરિકન નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળ્યાં એ દ્રશ્ય દુનિયાભરના લોકોએ જોયું. ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટથી એક રિકવરી જહાજમાં સુનિતા વિલિયમ્સ અને તેમના સહયાત્રી ચડયાં તે ક્ષણ કરોડો ભારતીયોએ નિહાળી. અવકાશમાં અણધાર્યા ૨૮૬ દિવસ સુધી જકડાઈ જઈને પૃથ્વી પર પાછા ફરવાની આ અવકાશગાથા અમર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)માં રહીને નવ મહિના સુધી આ અવકાશયાત્રીઓએ પૃથ્વીની પરિક્રમા કરી છે. આ ઐતિહાસિક ગાથામાં  ખગોળશાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધિઓ, રાજકીય ડ્રામા અને મનુષ્યની સહનશક્તિ એમ ઘણાં પાસાંઓનું રોચક પણ જોખમી મિશ્રણ હતું. આ ફક્ત ઘર વાપસી નથી; આ એક ગહન ક્ષણ તરીકે અંકિત થઈ ગઈ, જે વિજ્ઞાન, જીઓપોલિટીક્સ અને વિશ્વની પ્રજા આવતા ઘણા વર્ષો સુધી યાદ રાખશે.

સુનિતા વિલિયમ્સનું મિશન ૫ જૂન, ૨૦૨૪ના રોજ બોઇંગના સ્ટારલાઇનર પર લોન્ચ થયું હતું. હિલીયમ લિકેજ અને થ્રસ્ટરની નિષ્ફળતાને કારણે માત્ર આઠ દિવસનું પરીક્ષણ ઉડાન નવ મહિનાની લાંબી સફરમાં ફેરવાઈ ગયું. નવરાશ શબ્દને પોતાના શબ્દકોષમાંથી કાયમ માટે હાંકી કાઢનાર સુનિતા અને વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ટીમ સાથે જોડાઈ ગયા. પોતાના અવકાશ રોકાણ દરમિયાન તેઓએ કુલ મળીને દોઢસો જેટલા પ્રયોગો કર્યા. પ્રયોગોમાં સ્ટેમ સેલ રિસર્ચથી લઈને ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે છોડના વિકાસ સુધીની બાબતોનો સમાવેશ થાય છે. સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનની બહાર પસાર કરેલો કુલ સમય ૬૨ કલાક અને ૬ મિનિટ થયો - જે કોઈપણ મહિલા માટે રેકોર્ડ છે અને નાસાના ઇતિહાસમાં તેઓ ચોથા ક્રમે આવે છે. સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અસરોને કારણે આ અવકાશયાત્રીઓની સ્થિતિસ્થાપકતાની કસોટી લેવાઈ ગઈ. સ્નાયુઓ શોષાઈ ગયા, હાડકાં નબળા પડયાં, છતાં તેમનો ઉત્સાહ અટલ રહ્યો. 'હું યાદ કરવાનો પ્રયાસ કરી રહી છું કે ચાલવાનો અનુભવ કેવો હોય છે,' તેણીએ અવકાશમાંથી વિડીયો કોલ કરીને એક સ્કૂલના વિધાર્થીઓને કહ્યું હતું. મનુષ્યની અનુકૂલનક્ષમતાનો ઉત્તમ પુરાવો આ બંને અવકાશયાત્રીઓએ પૂરો પાડયો. અવકાશમાં ફસાઈ ગયા હોવા છતાં સુનિતા વિલિયમ્સ ખુશમિજાજ હતાં, પણ નીચે ધરતી ઉપર આ સંજોગોને કારણે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. બાઈડનના સમયગાળા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એના તત્કાલીન વહીવટીતંત્ર પર રાજકીય કારણોસર વિલિયમ્સ અને વિલ્મોરને 'ત્યજી દેવા'નો એટલે કે ભગવાન ભરોસે છોડી મૂકવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે વ્યક્તિગત રીતે ઈલોન મસ્કને અવકાશયાત્રીઓના બચાવકાર્યને ઝડપી બનાવવાનું કામ સોંપ્યું છે. વ્હાઇટ હાઉસે એક્સ પર 'વચન આપ્યું, વચન પાળ્યું' એવું કહ્યું અને ટ્રમ્પને શ્રેય આપ્યો. ઈલોન મસ્કનું વૈશ્વિક કદ વધુ મોટું થયું.

સુનિતા વિલિયમ્સના પાછા ફરવાથી ભારતીયો બહુ ખુશ છે. ગુજરાતના તેમના વતન ગામ ઝુલાસણમાં ફટાકડા ફોડવામાં આવ્યા. તેમની સલામતી માટે તેના ગામમાં ઘણા મહિનાઓથી હવન, પૂજા, પ્રાર્થનાઓ થઈ રહ્યાં હતાં. ઈસરોના વડા વી. નારાયણે ભારતના ગગનયાન મિશન માટે તેમની કુશળતાનો ઉપયોગ કરવાની આશા વ્યક્ત કરી. રાજ્યની વિધાનસભાઓ પણ આ કોરસમાં જોડાઈ. પશ્ચિમ બંગાળનાં મમતા બેનર્જીએ તેમને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ મૂક્યો, કેરળે તેમને સ્વપ્ન જોનારાઓ માટે દીવાદાંડી ગણાવ્યા અને હરિયાણાએ તેમના સુરક્ષિત પુનરાગમનની ઉજવણી કરી. ઓહાયોમાં ગુજરાતી પિતા અને સ્લોવેનિયન માતાને ત્યાં જન્મેલાં સુનિતા વિલિયમ્સ એક ઇમિગ્રન્ટની સફળતાની કહાની છે.