ભાજપની ભૂલભુલામણી .
- ભાજપની ભૂલભુલામણી
યોગ્યતા વિનાના લોકોને ઊંચા પદ પર બેસાડવાનાં પરિણામોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી માટે ખતરો ઊભો કર્યો છે. મોદી સેના જેવી પરિભાષાનો વિવાદ તો યોગીની વ્યાખ્યાની બહાર કૂદી આવેલા રાજકર્તા આદિત્યનાથનો નવો છબરડો છે. તેઓને બગાસું ખાધા વિના મુખ્યમંત્રી પદનું જે પતાસુ મળી ગયું એના ઘમંડમાં તેઓ ફાવે ત્યારે આડેધડ બકવાસ કરતા રહ્યા છે. તેઓ એમ માને છે કે ભાજપની હિન્દુવાદી મુદ્રાના તેઓ એક માત્ર મુખારવિંદ છે. આ આદિત્યનાથ અને એવા અનેક લોકોને વડાપ્રધાન મોદીએ દેશમાં બહુ સારી રીતે સંભાળીને પાળીને મોટા કરેલા છે. નાણાંપ્રધાન સીતારામન પણ તેઓમાંથી જ એક છે. આ એવા લોકોનો સમૂહ છે જેઓ સતત ભૂલો કરતા રહે છે અને એ ભૂલોની ભૂલભુલામણીમાં હવે વડાપ્રધાન ખુદ જ અટવાઈ ગયેલા છે. નોટબંધી જેવા બિગ બ્લન્ડર વિશે હજુ પણ તેઓ દેશમાં અને વિદેશમાં સતત અભિમાનપૂર્વક વાતો કરતા રહ્યા છે. જે નોટબંધીને સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવી હોવા છતાં લોકાનુભવ એ અયોગ્ય હોવાનો છે.
ભાજપ અને કોંગ્રેસ બંનેએ જાણે કે સંપીને આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીને માત્ર ધારણાઓનો ખેલ બનાવી દીધો છે. એનડીએ સરકારે એક પણ મુદ્દામાં ખોટું બોલવાનો એક પણ ચાન્સ જતો કર્યો નથી. સરકાર કહે છે કે દેશના અસંગઠિત ક્ષેત્રના રોજગારીના કોઈ આંકડા ઉપલબ્ધ નથી અને બીજી તરફ દેશના જીડીપીની ગણતરીમાં એ જ આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ઊંચો વિકાસ દર બતાવવા માટે વિકાસ દરની ગણતરીના મૂળભૂત આંકડાશાીય ધોરણોમાં ભાજપે મનગમતા ફેરફારો કર્યા છે કે જેથી ખરેખર વિકાસ ઓછો હોવા છતાં વિકાસ દર ઊંચો બતાવી શકાય છે. આ વાત હવે ગોપનીય રહી નથી અને દુનિયાના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ ભારત સરકારની આ મનઘડંત પદ્ધતિ જાણી ગયા છે, જેને કારણે તેઓને મન સરકારી આંકડાઓનું મૂલ્ય હવે કશું નથી.
છેલ્લાં બે વર્ષમાં સીધા વિદેશી રોકાણમાં જે ભારે ઘટ આવી એનું કારણ કેન્દ્ર સરકારની ખોટી આંકડાબાજી છે. જો નાગરિકોના ચિત્તમાં વાસ્તવિક આર્થિક મુદ્દાઓ ઘેરાયેલા હશે તો ભાજપને ગંભીર નુકસાન થશે અને તાર્કિક-બૌદ્ધિક અભિગમથી મતદાન થશે તો ભાજપે અણધાર્યા અને આકરા પરાજયનો સ્વાદ ચાખવાનો આવશે. જે રીતે વડાપ્રધાન મૂળભૂત મુદ્દાઓ ભૂલવાડી અને મતદારોને કલ્પનાના સહેલ સપાટે લઈ જાય છે, એમની એ કીમિયાગિરી ચાલી જશે તો ચિંતામાં મુકાયેલા ભાજપને રાહતનો અનુભવ થશે. પાકિસ્તાનની પ્રજા લોટ માગવા નીકળે અને ચીનમાં દસ લાખ લોકો કોરોનામાં મૃત્યુ પામે એ વાત ભાજપ પ્રેરિત મીડિયા બહુ ચગાવે છે, પણ આપણા ઘરઆંગણાના દાણાપાણીની વાત ભૂલવાડી દેવામાં આવે છે. ભાજપે છેલ્લાં પાંચ વરસમાં કરેલી ભૂલોની ભૂલભુલામણી ભૂંસવા માટે ભાજપ હવે છેલ્લી ઘડીના ખેલ તરીકે એના પર ફેઈક રાષ્ટ્રવાદનું લીંપણ કરે છે. પોતાની તમામ નિષ્ફળતાઓને એક માત્ર રાષ્ટ્રવાદના ચેક-રબરથી ભાજપ જેમ જેમ ભૂંસવાની કોશિશ કરે છે તેમ એની તમામ ભૂલો વધુ ને વધુ લોકનજરે ઉપસવા લાગી છે.
ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં ભાજપ આજકાલ એક જ સમસ્યાનો સામનો કરે છે કે વધુમાં વધુ વ્યર્થ વચનાવલિ-કમ-ગપ્પાબાજીનું અભૂતપૂર્વ પ્રદર્શન તો ઈ. સ. ૨૦૧૪માં તેમણે કર્યું. હવે એનાથી પણ વધુ ઉચ્ચ સ્તરની ગપ્પાબાજીનું સર્જન કઈ રીતે કરવું? લોકોને નોટબંધી અને જીએસટી સહિતના જે આઘાતજનક અનુભવો થયા તેમાંથી અરધો દેશ તો હજુ પણ બહાર આવ્યો નથી. વડાપ્રધાન મોદી તેમના દરેક ચૂંટણી ભાષણોમાં એ સાવધાની રાખે છે કે મતદારો ભૂલથી પણ તેમનું દિમાગ ક્યાંક કામે ન લગાવે. એટલે એમના દિલને કલ્પનાના તરંગે રમાડવા તેઓ તેમની વાણીમાં ઈમોશનલ ફેબ્રિકના તાકા ને તાકા આજકાલ ખુલ્લા મૂકી રહ્યા છે. સામાન્ય મતદાર આ ભૂલભુલામણીમાં ફસાઈ જશે એવી આ વખતે પણ ભાજપને શુભ આશા છે.
લોકસભામાં બહુમતી હોવા છતાં એનડીએ સરકારનાં પાંચ વરસના શાસનકાળે દેશને જે આર્થિક અસ્થિરતાની ભયાવહ ભેટ ધરી તે યાદગાર છે. હવે ભાજપની મીઠી દરખાસ્ત જે છે કે અમને ફરી ત્રીજી વાર તક આપો એ અંગે કાર્ટૂનિસ્ટો કહે છે કે સીતારામન ખંધુ હસીને કહે છે કે હજુ તો અન્ય કરોડો લોકોના રહ્યાસહ્યા રોજગાર છીનવવાના અને અનેક વેપાર ધંધાની સાયકલ વિચ્છિન્ન કરવાનું કામ બાકી રહી ગયું છે. જે હાલત પ્રજા પાસે મત લેવા જતી વખતે આઠ-દસ વરસ પહેલા કોંગ્રેસની હતી તે જ હાલત આ વખતે ભાજપની થઇ શકે છે.