Get The App

પંજાબમાં આપનો પુન: ડંકો .

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
પંજાબમાં આપનો પુન: ડંકો                              . 1 - image

સામાન્ય રીતે આમ આદમી પાર્ટી(આપ)ને શહેરી જનાધાર ધરાવતી પાર્ટી તરીકે જોવામાં આવતી રહી છે, પરંતુ તાજેતરના ગ્રામીણ પંચાયતી ચૂંટણીમાં તેની જીતે રાજકીય વિશ્લેષકોને ખૂબ આશ્ચર્યમાં મૂકી દીધા છે. પંજાબની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્ચસ્વ અને ઊભરી રહેલા મતભેદોની કહાની પણ રજૂ કરી છે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ ગ્રામીણ ચૂંટણીમાં શાનદાર સફળતા મેળવી રાજ્યભરમાં મોટી સંખ્યામાં બેઠકો જીતી છે. અગાઉ પંચાયતી ચૂંટણીઓનો બહુ મહિમા ન હતો, પરંતુ હવે તો એ જ લિટમસ ટેસ્ટ ગણાય છે. ભાજપે બહુ જ પ્રચારાત્મક ઉત્પાત મચાવ્યો હોવા છતાં તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુ પછાત રહી ગયેલો પક્ષ નીવડયો છે.

આ પરિણામે એ વાતની પુષ્ટિ થાય છે કે આમ આદમી પાર્ટી પંજાબના શહેરોમાં જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકપ્રિયતાનો આધાર ધરાવે છે. અન્ય શબ્દોમાં કહીએ તો, ગ્રામીણ મતદાતાઓમાં લાંબા સમયથી સત્તામાં ભાગીદારી ભોગવતા પરંપરાગત રાજકીય પક્ષો પ્રત્યે નિરાશા અને મોહભંગ સતત વધી રહ્યો છે. જોકે, આપની આ સફળતા સાથે કેટલાક એવા પાસાઓ પણ જોડાયેલા છે, જેના પર પાર્ટી અને તેના નેતાઓએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. છતાં અત્યારે તો ગ્રામીણ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું મજબૂત પ્રદર્શન તેના શાસન મોડલ માટે સતત સમર્થનનું સૂચક છે. કેજરીવાલની વ્યૂહરચના અને ગ્રામ વિકાસનું તેનું મોડેલ પ્રભાવક સાબિત થયું છે.

આવું પરિણામ વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં આપ માટે અનુકૂળ અને સકારાત્મક પરિસ્થિતિ ઊભી કરી શકે છે. તેના વિરુદ્ધ એક વિરોધાભાસ એ પણ છે કે અનેક જગ્યાએ એવાં નોંધપાત્ર ઉદાહરણો સામે આવ્યાં છે, જ્યાં આમ આદમી પાર્ટી પોતાના નેતાઓના ગઢમાં જ ગોથાં ખાઈગઈ છે. આપના ઘણા મુખ્ય નેતાઓ પોતાનાં જ ગામોમાં જીત મેળવી શક્યા નથી. આવું કેમ થયું, તેના પર પાર્ટીએ આત્મમંથન કરવાની જરૂર છે. બીજી તરફ, શિરોમણી અકાલી દળે ભટિંડા અને મુક્તસર જેવા કેટલાક વિસ્તારોમાં પોતાની મજબૂત પકડ દર્શાવી છે, જેને પાર્ટી માટે ઉત્સાહજનક સંકેત તરીકે જોઈ શકાય છે.

હકીકતમાં, શિરોમણિ અકાલી દળના પ્રદર્શનને લઈને મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. જો પાર્ટી આ વધારાને આગળ પણ જાળવી શકે, તો તેના સંગઠનાત્મક પુનરુત્થાન માટે દીર્ઘકાલીન પરિણામો સામે આવી શકે છે. બીજી તરફ, કોંગ્રેસનું ચૂંટણી પ્રદર્શન નિરાશાજનક જ કહી શકાય. કોંગ્રેસ હજુ પણ પોતાની ગુમાવેલી જમીન ફરી મેળવવા માટે સંઘર્ષ કરતી દેખાઈ છે. આ કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત છે કે તે પોતાના પરંપરાગત ગઢમાં પણ કોઈ મજબૂત અને દમદાર જીત રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.

આ સાથે જ, કેટલાક વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ બનાવવાની શરૂઆત કરી છે, જોકે આ વધારો હાલ તો માત્ર નગણ્ય જ કહી શકાય. કુલ મળીને, ચૂંટણી પરિણામોથી ઉભરી આવેલી તસ્વીર પંજાબમાં બદલાતા રાજકીય પરિદૃશ્ય તરફ સંકેત કરતી જણાય છે. એ હકીકત પણ છે કે કોઈપણ ચૂંટણીના પરિણામો સમગ્ર પરિદૃશ્યનો માત્ર આંશિક દ્રષ્ટિકોણ જ રજૂ કરે છે. જમીની સ્તરે મતદાતા આમ આદમી પાર્ટીની નીતિઓથી મોટાભાગે સંતોષિત દેખાય છે. છતાં, સ્થાનિક

અને ઉમેદવાર સંબંધિત પરિબળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સ્થાનિક ગ્રામીણ એકમોની ચૂંટણીમાં આપના નેતાઓના પોતાના વિસ્તારોમાં થયેલી હાર એ પણ યાદ અપાવે છે કે કોઈપણ પક્ષ માટે રાજકીય મૂડી અત્યંત નાજુક હોય છે.

ગ્રામીણ મતદાતા સ્થાનિક નેતૃત્વ પ્રત્યે એટલા જ જાગૃત અને સંવેદનશીલ હોય છે, જેટલા કે રાજ્ય સ્તરના વિચારો પ્રત્યે. આગળ જતાં, જો આપને પંજાબમાં પોતાનો જનાધાર જાળવી રાખવો હોય અને તેનો વિસ્તાર કરવો હોય, તો તેને જમીન સ્તરે નેતૃત્વ તૈયાર કરવા પર પ્રાથમિકતા આપવી પડશે. સાથે સાથે, ગ્રામીણ મતદાતાઓની વિવિધ ચિંતાઓનો ઉકેલ પણ પ્રાથમિકતા આધારે લાવવો પડશે. હવે આવનારો સમય જ બતાવશે કે આપ આ ચૂંટણી પરિણામોના સૂચિતાર્થો પર કેટલી ગંભીરતાથી વિચાર કરે છે. જો પાર્ટી આ પરિણામોથી પાઠ લઈને પોતાની નીતિઓ અને રીતોમાં ફેરફાર કરે, તો વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં તેનો જનાધાર વધુ મજબૂત બની શકે છે.