Get The App

નવા સપનાઓનું લોન્ચિંગ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
નવા સપનાઓનું લોન્ચિંગ 1 - image

નાણાંકીય વર્ષ ૨૦૨૭-૨૮ માટેનું કેન્દ્ર સરકારનું સામાન્ય બજેટ ઘણા પ્રયત્નો છતાં બાહ્ય દેખાડાઓની ભરમાર અને જનરંજનની ફેક કોશિશોથી ભરચક છે. એનડીએ સરકારને પહેલેથી જ હવે પછીના દૂરના વરસોના સ્વપ્નશીલ-તરંગી હવાલા આપવાની ટેવ છે જે પ્રમાણે આ વખતે પણ આવતા પચીસ વરસની વાર્તાનો છંટકાવ નાણાંપ્રધાને પોતાના ભાષણમાં કર્યો હતો. વાસ્તવ અને કલ્પના વચ્ચેનો એક અજાયબ આર્થિક હિંચકો નિર્મલા સીતારામને ભારતીય પ્રજા માટે રજૂ કર્યો છે. જેનો સીધો પ્રત્યાઘાત શેરબજારે આપ્યો અને સેન્સેક્સે એક હજાર પોઈન્ટની ડૂબકી મારી રોકાણકારોના આઠ લાખ કરોડ રૂપિયા હવામાં ગુમ કરી દીધા. રવિવારે કોઈ દિવસ શેરબજારમાં ખોટ જાય જ નહિ એ વિક્રમ પણ નાણાંપ્રધાને તોડી આપ્યો! વડાપ્રધાને પોતે કહ્યું કે આ બજેટ અપાર અવસરોનો રાજમાર્ગ છે. આ બજેટ વર્તમાનના સપનાઓને સાકાર કરે છે. ખરેખર ભારતના વર્તમાનને સપનાઓની નહિ, હકીકતી પરિવર્તનની જરૂર છે.

એનડીએ સરકાર મધ્યમ વર્ગના ગૃહસ્થ અને ગૃહિણીની વ્યથાઓ હજુ સમજી શકી નથી. જીએસટીમાં અગાઉ ફેરફારો થયા એટલે ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો એ હકીકત છે અને આ બજેટ પછી પણ હંમેશાની જેમ કેટલીક ચીજ વસ્તુઓના ભાવો ઘટશે પણ એ તો વરસાદના ટીપા પડે ને વાદળ વિખેરાઈ જાય એવું છે. દેશમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જેવો ભેદ એનડીએ સરકારે ઘણા વરસોથી રહેવા દીધો નથી અને ઉચ્ચ મધ્યમ વર્ગ ક્યારનોય મધ્યમ વર્ગમાં વિલીન થઈ ગયો છે ત્યારે આ વર્ગના મોભીઓ ને એ પરિવારો પર જે આર્થિક ચિંતાઓ ઘનઘોરરૂપે છવાયેલી છે એનો જવાબ આ બજેટ પાસે નથી. એથી ઘર ચલાવતા ને પરિજનોને નિભાવતા સંનિષ્ઠ દંપતીઓની આધિ-ઉપાધિમાં કોઇ ફેર પડવાનો નથી. આગામી પહેલી એપ્રિલથી નવો આવકવેરા ધારો લાગુ થશે જેની નવી કેટલીક સામાન્ય રાહતોનો કરદાતાને લાભ મળશે. એની સામે સરકારે ફ્યુચર ટ્રેડિંગ ટેક્સ વધારી દીધો છે. જે અગાઉના ડબલ કરતા પણ વધુ છે.

ઓપ્શન પરના કરમાં પણ ધરખમ વધારો કર્યો છે. એટલે કે રિટેલ ટ્રેડરોને પાછા પાડવાની સરકારની નીતિ છે. સોના અને ચાંદીમાં જે સટ્ટાની રિંગ બનેલી છે જેનાથી દેશનો સામાન્ય નાગરિક હચમચી ગયો છે એ તો આ બજેટના નિર્માતાઓને ખબર જ નથી એવી અલિપ્તતા છે. એટલે કે વર્તમાન ભારતના અનુભવ વિના કોઈ ટાપુ પર બેસીને સીતારામને બજેટ તૈયાર કર્યું હોય એવું લાગે. ઝવેરી બજારના ઉછાળાઓ અને એમાં પણ આખા દેશની પ્રજાના મંગલ પ્રસંગોમાંથી સુવર્ણની હજારો વરસોની પરંપરાનો મૃત્યુઘંટ વગાડતી કૌભાંડકારી સામાજિક દુર્ઘટના વિશે તો નાણાંપ્રધાન સંપૂર્ણપણે અજ્ઞાાત હોવાનો ભ્રમ ઊભો થાય છે જ્યારે કે વાસ્તવિકતા એ છે કે રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલય સોના-ચાંદીની નાટયાત્મક ઉથલપાથલમાં નિઃસહાય છે. આ નિઃસહાયતા પાછળ પણ કોઈનો અદ્રશ્ય હાથ હોય છે.

ટોચના ખેલાડીઓ શાથેની સોદાબાજી વિના ઝવેરી બજારમાં આવા રેસના ઘોડા દોડતા કોઈએ કદી જોયા નથી. આજે મુંબઈ, સુરત અને વાપી-વલસાડમાં એવા અનેક પરિવારો છે જેઓ વતનમાં પાછા આવી ગયા છે અથવા પાછા ફરવાનું વિચારી રહ્યા છે. વતનમાં પણ કોઈ રોજગારીના અવસરો નથી એટલે અત્યારે તો હજુય કેટલાક તો ફરી નવી નોકરી ઝંખતા લોકો આવતીકાલની આશાએ જ્યાં છે ત્યાં ટકી રહ્યા છે. હવે જો ખરેખર જ બજાર ધમધમતી ન થાય તો તે પરિવારો અને ગૃહસ્થો માટે મોટું સંકટ સાબિત થશે. તેમની સ્થિતિ જાયે તો જાયે કહાઁ જેવી થઈ શકે છે. બીજી તરફ ઘણા લાંબા સમય પછી દેશના શિક્ષિત બેરોજગારો એવા વળાંક પર આવી પહોંચ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં હવે તેમને સંકોચ થવાનો નથી, કોઈ પણ કામ તેમણે હાથમાં લેવું પડશે. હવે યુવા વર્ગને આખું પકોડા પ્રકરણ સમજાઈ ગયું છે.

તેમને ખ્યાલ આવી ગયો છે કે તેમના ઉદ્ધારક તેઓ પોતે જ છે. આ દેશના કોઈ પણ રાજનેતાની કોઈ પણ વારતાઓ સાંભળવાથી તેમનું કલ્યાણ થવાનું નથી. એન્જિનિયરો પ્રાથમિક શાળામાં ભણાવે છે અને એમ. એ. એમ. ફિલ. થયેલાઓ તલાટી થવાની કસોટી આપે છે. આ તો માત્ર શરૂઆત છે. નાની નોકરીની જાહેરાતમાં અતિલાયકાત ધરાવતા લોકોની રેસ જોવા મળે છે. કેળવણી જ ન હોય અને માત્ર ડિગ્રી અને ટકા હોય એવો મોટો સમુદાય આ બેરોજગારોમાં છે. તેઓ હજુય વોટસએપ અને ફેસબુકમાં રમે છે. સરકારના આયોજનમાં ક્યાય અસલી રોજગારી આપનારી આબોહવા કે વિઝન નથી. સપનાઓની એક નવી દુનિયા છે.