યુક્રેન યુદ્ધ નહીં અટકે .
અજિત ડોભાલની રશિયન મંત્રણાના કોઈ પરિણામો સપાટી પર આવવાનાં નથી. યુક્રેન યુદ્ધ જલ્દી પૂરું થાય એમ નથી. ખુદ અમેરિકા ચાહે છે કે ધીમી ગતિએ આ યુદ્ધ ચાલુ રહેવું જોઈએ. સમયાંતરે અમેરિકા નવી કુમક અને નવા ફંડ યુક્રેનને ફાળવવાની જાહેરાત કરે છે. સમગ્ર એશિયા ખંડ અત્યારે દુનિયાના મીડિયા પર છવાયેલો છે. જાપાનને કારણે દુનિયાભરના સ્ટોક માર્કેટ ક્રેશ થયા છે. યુક્રેનને નવા ફાઇટર જેટ પ્લેન મળતા પુતિન રાબેતા મુજબ ધુંઆપુઆ છે. તાજેતરની ઘટનાઓએ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવમાં વધારો કર્યો છે. આ તણાવનો સાદો અર્થ યુદ્ધ થાય છે. તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહની હત્યાથી આક્રોશ ફેલાયો છે. ઈરાન ઈઝરાયેલ સામે બદલો લેવા માટે મરણિયું થયું છે. ઇરાનનો ઇગો પહેલેથી મોટો રહ્યો છે. આ તોળાઈ રહેલા સંઘર્ષની દૂરોગામી અસરો ગંભીર હશે.
ઈરાન અને ઇઝરાયેલ જ્યાં સંડોવાયેલા હોય ત્યાં પૂર્વ અને પશ્ચિમના દેશોએ પણ નાછૂટકે જોતરાવું પડે - આવો વણલખ્યો નિયમ બીજા વિશ્વયુદ્ધ પછી પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે જેમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી કે નજીકના ભવિષ્યમાં થવાનો નથી. ૩૦ જુલાઈના રોજ, બેરુતમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો વરિષ્ઠ કમાન્ડર ફુઆદ શુકર માર્યા ગયો હતો. આ હુમલાના થોડા સમય પછી હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હનીયેહની ૩૧ જુલાઈના રોજ તેહરાનમાં હત્યા કરવામાં આવી. જોકે ઈઝરાયેલ ખુલ્લેઆમ જવાબદારી સ્વીકારતું નથી, પરંતુ આ હત્યાઓ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાની વ્યાપક શંકા છે. હમાસને આમ પણ ઇરાનનું જ પ્રોક્સી માનવામાં આવે છે. પાડો હણાયો તો હવે પખાલી ગુસ્સામાં છે. હિઝબુલ્લાહ પણ હવે ધમકીઓ આપવા માંડયું છે. ઈરાન-લેબનોનનો પ્રદેશ અત્યારે આક્રમક મૂડમાં છે. ઇઝરાયેલ પીઢ વડીલની જેમ શાંતિથી મૌન બેઠું છે.
આ હત્યાઓના જવાબમાં, ઈરાનના ઘરડા છતાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેનીએ ઈઝરાયલ વિરુદ્ધ જવાબી હુમલાનો આદેશ આપ્યો છે. આ નિર્દેશ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક દરમિયાન આવ્યો હતો, જેમાં ઈરાનના સંકલ્પની ગંભીરતા દર્શાવવામાં આવી હતી. વધુમાં, હિઝબુલ્લાહે ઇઝરાયેલના ઉત્તર ભાગ પર રોકેટ હુમલાઓ વધાર્યા એટલે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. આ સંઘર્ષની અસરો ગહન છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (ૈંઘખ) એ લેબનીઝ પ્રદેશમાં હિઝબુલ્લાહની સ્થિતિને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. આ અથડામણોમાં બંને બાજુના નાગરિકો જાનમાલની નુકસાની વેઠી રહ્યા છે.
સંપૂર્ણ સ્તરે યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા વધી રહી છે. ઈરાને આરબ નેતાઓને આગોતરી જાણ કરી દીધી છે કે તે બદલો લેશે અને તેના કારણે યુદ્ધ ફાટી નીકળે તો ઈરાનને કઈ પડી નથી. આવું વલણ પહેલા જોવા મળ્યું ન હતું. ભૂતકાળમાં બંને પક્ષોએ સંપૂર્ણ પાયે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાને તેના આયોજિત હુમલાની વિગતો મીડિયા સાથે શેર કરવાનો ઇનકાર કર્યો છે, જે એપ્રિલમાં તેની અગાઉની વ્યૂહરચનાથી તદ્દન વિપરીત કહેવાય જ્યારે તેણે ઈઝરાયેલ પર ૬૦૦થી વધુ મિસાઈલો અને ડ્રોન છોડયા હતા. એ છસ્સો મિસાઈલો જ હવે ફરી સજીવન થઈને પરસ્પરની ઊંઘ ઉડાડે છે. વધેલા તણાવની સંભાવના ઈરાન અને ઈઝરાયેલ પૂરતી સીમિત નહી રહે. લેબનોનમાં ઈરાનના સાથી હિઝબોલ્લાહ પાસે અત્યાધુનિક શસ્ત્રાગાર છે, જેમાં ઇઝરાયેલના હવાઈ સંરક્ષણને હરાવવા સક્ષમ ટાર્ગેટ-ગાઇડેડ મિસાઇલોનો સમાવેશ થાય છે. હિઝબોલ્લાહની આક્રમકતા લેબનોનને સંઘર્ષમાં ખેંચી શકે છે. લેબનોનની સ્થિતિ આમ પણ મજબૂત નથી. માટે જ તે દેશમાં રહેતા ભારતીયોને અને બ્રિટિશરોને તેમના દેશો દ્વારા વતન પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.
આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સહયોગી દેશો આ મિડલ ઇસ્ટમાં સુરક્ષાને મજબૂત કરવા માટે પગલાં લઈ રહ્યા છે - એવી તેઓ જાહેરાત કરે છે. પેન્ટાગોને પશ્ચિમ એશિયામાં નૌકા અને હવાઈ દળોને તૈનાત કરીને યુદ્ધ માટે તત્પર રહેવાનો આદેશ આપ્યો છે.એનો અર્થ એ કે અમેરિકા લડી લેવાના મૂડમાં છે. જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન સફાદીએ ઈરાનને બદલો લેતા પાછા વાળવાના છેલ્લા પ્રયાસમાં તેહરાનની મુલાકાત લીધી. જો કે, આવા પ્રયાસોની ઈરાન ઉપર ખાસ અસર નહી થાય. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન પણ સક્રિય છે. ય્૭ દેશોને સંયમ રાખવા માટે સામેલ તમામ પક્ષો પર રાજદ્વારી દબાણ લાવવા વિનંતી કરી છે.