Get The App

આસમાનની અગન ઝાળ .

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
આસમાનની અગન ઝાળ                                              . 1 - image

કેટલો બધો રસ લોકોને રાજકારણમાં હોય છે. ક્રિકેટમાં પણ રંગરસિયાઓ તો પ્રત્યેક દડે ઉછળતા હોય છે. લોકોને જેટલો રસ રાજકારણમાં છે એટલી જ માયા જ્યાં સુધી પર્યાવરણની ન લાગે ત્યાં સુધી જળવાયુ પરિવર્તન અંગે જનસામાન્ય સક્રિય થશે નહિ. અત્યારે જે ગરમીનો અનુભવ લોકો કરે છે તે કૃત્રિમ કક્ષાની ગરમી છે, કુદરતી ગરમી નથી, આપણે જાતે સર્જેલી ગરમી છે. એટલે કે સૂર્ય તરફથી જેટલું ઉષ્ણતામાન પૃથ્વીને મળે છે તેને પૃથ્વી પોતાના તરફથી સ્વયં અભિવૃદ્ધ કરી આપે છે. અગાઉનો ક્રમ એવો હતો કે સૂર્ય જે તાપ આપે એને પૃથ્વી ઝીલતા ઝીલતા જ ઘટાડી આપતી હતી. આ વરસે ગરમીની વાતો પણ બહુ થઈ. પરંતુ આ ગરમી જાણે કે અણધારી હોય કે કોઈ આકસ્મિક આપદા હોય એ રીતે લોકો વાત કરે છે, પરંતુ આ તો દસ વરસ પહેલા પર્યાવરણવિદો બૂમાબૂમ કરીને જે નગારા વગાડી સહુને જગાડતા હતા એ જ પૂર્વે સાવધ કરાયેલી આ ગરમી છે, આકાશમાંથી જાણે કે અગનજ્વાળા વરસે છે.

જેની સાવચેતીને આપણે ગણકારી નથી. અને હજુ આજે પણ સહુને ખબર છે કે ભવિષ્યમાં આના પછીના કયા કયા પાના ખુલવાના છે ! ખુદ હવે સંકટનો ભોગ બને છે તો પણ માણસજાતને એમ છે કે મને એકલાને ક્યાં ગરમી લાગે છે, સહુને લાગે છે ને? એમાં હું શું કરું? આ વીતી રહેલા મે માસના આરંભે બ્રિટનની સંસદે એક અભૂતપૂર્વ પગલારૂપે 'પર્યાવરણ અને જળવાયુ કટોકટી' લાગુ કરવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો. એના પહેલા વેલ્સ અને સ્કોટલેન્ડે પણ આ પ્રકારની કટોકટીની ઘોષણા કરી હતી. બ્રિટિશ સરકારે જાહેર કરેલી આ કટોકટીને કારણે દુનિયાના અનેક દેશોનું ધ્યાન હવે નવેસરથી જળવાયુ પરિવર્તન તરફ ગયું છે. પર્યાવરણીય બાબતોમાં જાગૃત થવા કે સક્રિય થવાની બાબતમાં ભારત સહિતના એશિયન દેશો બહુ પાછળ છે. 

 આપણે એક સફરજનનું ઝાડ વાવ્યા વિના ફળ આરોગતા આવ્યા છીએ. આંબો પણ કોઈક વાવે અને કેરી કોઈ અન્ય આરોગે. આવું બધી જ બાગાયતી અને ખેતપેદાશોની બાબતમાં છે. આ અનુભવમાં નાણાં વચ્ચે છે. તમે પૈસા આપો એટલે આંબો ઉગાડવાની જરૂર નહિ. આજ સુધી આ પરંપરા ચાલતી આવી છે. હવે કૃષિલાયક જમીન ઘટતી જાય છે અને જ્યાં કૃષિ છે ત્યાં ઉપજમાં ઘટ આવે છે. મોસમ બદલે છે. દર વરસે એક ગુપ્ત દુષ્કાળમાંથી કૃષિક્ષેત્ર પસાર થાય છે, હવેના દુષ્કાળ પૃથક્ પૃથક્ હોય છે, સાર્વત્રિક નથી હોતા એટલે એની દુષ્કાળ તરીકેની ભયાનક મુદ્રા ઉપસતી નથી, તો પણ પરિણામો તો દુષ્કાળ જેવા જ સહુએ ભોગવવાના આવે છે.હવે પર્યાવરણીય અસમતુલાના પરિણામોએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાકાળની મોસમમાં ટૌટે વાવાઝોડાનો જે અનુભવ કર્યો તે લીલા દુષ્કાળની પૂર્વભૂમિકા બાંધવા માટે પધારેલી પ્રકૃતિ જ હતી ને? સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતની દુનિયાની અનેક સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન અને એના પરિણામો વિશે વિવિધ દેશો, રાજનેતાઓ, વિચારકો અને પ્રજાને જાગ્રત કરવા અણથક પ્રયાસો કર્યા છે, પરંતુ સર્વગ્રાહી રીતે જુઓ તો પરિણામ શૂન્ય જ છે.

દુનિયાના અનેક પ્રદેશોમાં સજીવોનું વર્તન બદલાવા લાગ્યું છે. એ એક રીતે તો ઘાતક સંકેત છે. હજુ પણ ઓરિસ્સા પર આ વરસે ખતરનાક ઝંઝાવાતોની શક્યતા છે. એનું કારણ દરિયાઈ પ્રજાતિઓના એ દરિયા કિનારે બદલાયેલા વર્તન છે. ઓરિસ્સાનો દરિયા કિનારો ઓલિવ રિડલે નામના દરિયાઈ કાચબાઓના મેટરનિટી હોમ તરીકે જગવિખ્યાત છે. સૌથી નાના સામુદ્રિક કાચબાઓના પ્રકારમાં ઓલિવ રિડલે સમાવિષ્ટ છે. દર વરસે ઓરિસ્સાના દરિયા કિનારે આ કાચબાઓ માત્ર ઇંડા મૂકવા માટે લાંબી દરિયાઈ સફર કરીને ભારત આવે છે. આ વરસે એની અવધિ વીતી જવા છતાં પહેલીવાર એ કાચબાઓ ઓરિસ્સાના કાંઠે આવ્યા જ નથી. પોતાના મૂળ નિવાસસ્થાનેથી હજારો કિલોમીટરનો દરિયાઈ પ્રવાસ કરીને દર વરસે અચૂક ઓરિસ્સાના કિનારે આવતા કાચબાઓ આ વખતે કેમ ન આવ્યા તે ચર્ચાનો વિષય છે.

પ્રશાન્ત મહાસાગર, હિન્દ મહાસાગર અને દૂર એટલાન્ટિકથી આ કાચબાઓ ભારત આવે છે. ઓરિસ્સાના દરિયા કિનારાની રેતીમાં એને ઇંડા મૂકવા, છુપાવવા, રેતાળ માળો બનાવવો બહુ અનુકૂળ આવે છે. અગાઉ ઓરિસ્સા હાઇકોર્ટે આ કાચબાઓના સંરક્ષણ માટે અનેક મહત્ત્વના હુકમો પણ કરેલા છે. પરંતુ આ વરસે અથવા તો આ વરસથી આ ઓલિવ રિડલે કાચબાઓએ ઓરિસ્સાના દરિયા કિનારા પર 'ચોકડી' મારી દીધી છે. આ તો એક દ્રષ્ટાન્ત છે. અનેક સજીવો બદલાયેલા પર્યાવરણને કારણે આ જગતમાં હવે ઠેબે ચડેલા છે.