શિવાલિક ટેકરીઓ એ બાહ્ય હિમાલયની એક સુંદર પર્વતમાળા છે જે સિંધુ નદીથી પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીની નજીક લગભગ ૨,૪૦૦ કિમી સુધી ફેલાયેલી છે; તે ૧૦થી ૫૦ કિમી પહોળી છે અને સરેરાશ ઊંચાઈ પાંચ હજાર ફૂટ જેટલી છે. આ બાહ્ય હિમાલયન પર્વત શ્રૃંખલા છે. પ્રકૃતિના અણમોલ ખજાનાની આ એક અપ્રતીમ ઝલક છે જે દેશનાં અનેક રાજ્યોમાંથી પસાર થાય છે. આજકાલ પંજાબમાંથી પસાર થતી આ પર્વતમાળા પર ખનન માફિયાઓ ગીધની જેમ ચકરાવા લેવા લાગ્યા છે અને બહુ આસાન રીતે તેઓ પોતાની તિજોરી છલકાવી રહ્યા છે. પંજાબની આપ સરકારની મીઠી નજર વિના આ વિશાળ પહાડી સંપત્તિને ગળી જવાની અજગરી તાકાત કોઈનામાં એકલા તો ન હોઈ શકે. સત્તામાં બેઠેલા લોકોમાં ઇચ્છાશક્તિનો અભાવ અને અમલીકરણ એજન્સીઓની બેદરકારીને કારણે ખાણકામ માફિયાઓ વધુ હિંમતવાન બને છે.
નાગરિકોની ઉદાસીનતા પણ આના મૂળમાં છે. પંજાબના રોપર જિલ્લાના શિવાલિક હિલ્સમાં ચાલુ થયેલી વિનાશલીલા ભવિષ્યની પેઢીઓ માટે એક ભયાનક પરિસ્થિતિનું અત્યારે નિર્માણ કરે છે: આડેધડ ખાણકામ શિવાલિક હિલ્સની ઇકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. ભારતીય કુદરતી સંપદાની આ અવદશા એ પણ દર્શાવે છે કે નીતિ અને અમલીકરણ વચ્ચેના અંતરમાં પર્યાવરણીય ગુનાઓ કેટલી ઝડપથી વિકસી રહ્યા છે. સરકારી વહીવટના નાક નીચે ગેરકાયદે ખાણકામ માટે ભારે ખોદકામ કરનારાઓનો માફિયાઓ ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતના કેટલાક તાલુકાઓમાં પણ આવી પ્રવૃત્તિ ચાલે છે જેમાં સંબંધિત મતવિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યની સરકારી કૃપા હોય છે. તેઓ અપ્રમાણસરની સંપત્તિના અજાયબ નમૂના છે. સરકાર માત્ર આઈએએસ કક્ષાના અધિકારીઓને દોષ આપે છે, પણ સરકારના શાસકપક્ષે ખુદ સ્વપક્ષના ખનન માફિયાઓને અન્ડરલાઈન કરવાની જરૂર છે, કારણ કે અજ્ઞાાનતા પ્રજાપક્ષે હોતી નથી. પ્રજા શતસહસ્રનેત્રે અહર્નિશ બધું જુએ છે.
પણ પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ત્યાંના ખનન કૌભાડોની ઉપેક્ષા કરે છે. પર્યાવરણીય રીતે નાજુક શિવાલિક હિલ્સમાં આખી ટેકરીઓનું સપાટ જમીનીકરણ થઈ રહ્યું છે, જે આપણા પર્યાવરણ માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ નુકસાન શિવાલિક હિલ્સના મુખ્ય ઇકોલોજીકલ કાર્યો, જેમ કે ભૂગર્ભજળ રિચાર્જ, માટી સ્થિરતા અને જૈવવિવિધતા સંરક્ષણ પર ગંભીર અસર કરે છે. ખરેખર, શિવાલિક શ્રેણી ભૂસ્તરીય રીતે યુવાન અને સ્થિર છે. કોઈપણ સ્થળે અનિયંત્રિત ખોદકામ નિ:શંકપણે ઝડપી માટી ધોવાણ તરફ દોરી જાય છે, જે બદલામાં વરસાદની ઋતુ દરમિયાન અને પછી ભૂસ્ખલનનું જોખમ વધારે છે. આ વિસ્તારોમાં કાંપની સમસ્યા પણ વધુ ઘેરી બને છે. સમય જતાં, આનાથી ડ્રેનેજ પેટર્નમાં અણધાર્યા ફેરફારો થાય છે. એ વાત જાણીતી છે કે એકવાર આ ટેકરીઓ ગેરકાયદે કાપી અને સમથળ કરવામાં આવે, તો તેનું મૂળ સ્વરૂપ પાછું મેળવવું લગભગ અશક્ય બની જાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો, તે ચોક્કસ વિસ્તારનું કુદરતી રક્ષણાત્મક કવચ કાયમ માટે નાશ પામે છે. આવી સ્થિતિમાં, કુદરતી રક્ષણનો નાશ કરનાર કહેવાતો વિકાસ આખરે આપત્તિનું કારણ બની શકે છે. હકીકતમાં, આ કુદરતી રક્ષણાત્મક વ્યવસ્થા જ નીચલાં મેદાનોને પૂર અને પાણીની અછતથી રક્ષણ આપે છે. તે વિચિત્ર છે કે જવાબદાર અધિકારીઓએ દલીલ કરી છે કે આ વિસ્તારમાં ખાણકામ પર્યાવરણીય મંજુરીઓના આધારે કરવામાં આવ્યું છે. તેઓ એ પણ સ્પષ્ટતા કરે છે કે આવી મંજુરીઓનું ઉલ્લંઘન કરનારાઓ પર દંડ લાદવામાં આવે છે, પરંતુ સત્ય ત્યારે પ્રકાશમાં આવે છે જ્યારે સ્થાનિક લોકો રાત્રે ખાણકામ કામગીરી, નિર્ધારિત મર્યાદા ઓળંગવાનો અને ટેકરીઓમાં મોટા પાયે લાકડા કાપવાનો આરોપ લગાવે છે. આવી સ્થિતિમાં, અધિકારીઓની બધી દલીલો પોકળ સાબિત થાય છે.
ગુનેગારો અને રાજકારણીઓ દ્વારા ખાણકામના કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતું રક્ષણ પણ પંજાબ સહિત દેશમાં એક મોટો પડકાર છે. જ્યારે ગેરકાયદે ખાણકામ સામે જમીન-સ્તરની દેખરેખને બદલે કાગળકામનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે ગેરકાયદે ખાણકામને પ્રોત્સાહન આપે છે. આ ગેરકાયદે ખાણકામ ફક્ત પંજાબના શિવાલિક ટેકરીઓ સુધી મર્યાદિત નથી. સમગ્ર ભારતમાં, પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં આવા ખાણકામ સતત પર્યાવરણીય કાયદાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. ઘણીવાર, ખાણકામ પરમિટમાં અસ્પષ્ટતા અને નબળી સ્થાનિક દેખરેખનો ઉપયોગ કરવામાં આવે છે.


