બિહાર હવે જેમ જેમ વિધાનસભા ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે તેમ, ગુનેગારો કાબુ બહાર ગયા છે. આમ પણ બિહારમાં અંધારી આલમ એટલી બધી પ્રસરેલી છે કે એના ઉજાસમાં પણ હવે અંધારાં ઉતરી આવ્યાં છે. રાજ્યની રાજધાની પટણાની એક ખાનગી હોસ્પિટલમાં જે રીતે પાંચ ખતરનાક શૂટરોએ ધોળા દિવસે એક ગેંગસ્ટરની હત્યા કરી, તેનાથી લાગે છે કે કાયદો અને વ્યવસ્થાનો ડર ખતમ થઈ ગયો છે. તાજેતરના ભૂતકાળમાં એક પછી એક ઘણી ગુનાઈત ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં, ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવો એ નીતિશ સરકાર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. જો આ જ વાતાવરણમાં ચૂંટણી થશે તો પરિણામ તો આવતું આવશે, એ પહેલા દરેક મતવિસ્તારમાં હરીફાઈનો લોહિયાળ અંજામ આવશે. લાલુ પ્રસાદે એના શાસનકાળમાં વાવેલા ઝેરનાં બીજ આજે જાતિગત વૈમનસ્યના ઘટાટોપ ઝાડ બની ગયા છે.
હોસ્પિટલમાં માર્યો ગયેલો શખ્સ પોતે હત્યાના કેસમાં જેલમાં હતો અને હાલમાં પેરોલ પર હતો. આ ઘટનામાં કોઈ હરીફ ગેંગ સામેલ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે રાજ્યમાં સંગઠિત અપરાધ ફરી માથું ઉંચકી રહ્યો છે. આ મહિને, જુલાઈના પ્રથમ સપ્તાહમાં, બિહારના એક મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા કરવામાં આવી હતી અને તેમાં પણ ભાડે રાખેલા શૂટરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોપારી આપવા-લેવાનો ધંધો અહીં પૂરબહારમાં ચાલે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડામાં બિહાર ગુનામાં અન્ય ઘણાં રાજ્યો કરતાં પાછળ જોવા મળી શકે છે, પરંતુ સત્ય એ છે કે આંકડા આખી વાર્તા કહેતા નથી. આ ગુનાઓ રાજ્યમાં ત્યારે થઈ રહ્યા છે જ્યારે સમગ્ર ધ્યાન ગુના નિયંત્રણ પર હોય છે. ખેમકા હત્યા કેસના થોડા દિવસો પછી, પટણામાં ભાજપ નેતા વિક્રમ ઝાની હત્યા કરવામાં આવી હતી. આ પછી, એક વકીલ અને એક શિક્ષકને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ શ્રેણી ક્યાંય અટકતી નથી લાગતી.
પોલીસ શું કરે છે એવું તો પૂછી જ શકાય નહીં, કારણ કે ગુજરાતમાં શરાબની રેલમછેલ વચ્ચે આજ સુધી કોઈ સરકારે પૂછયું છે કે પોલીસ શું કરે છે? જોઈએ તેટલો ને જોઈએ તે બ્રાન્ડનો શરાબ ગુજરાતમાં ઓન-કોલ બહુ જ આસાનીથી ઉપલબ્ધ છે એ જાહેર ખાનગી વાત છે. એ જ રીતે બિહારમાં જે અપરાધ થાય છે એમાં જે તે સંબંધિત પોલીસ સ્ટેશનના વડાને અગાઉથી જ જાણ હોય છે એવી એક પ્રચલિત માન્યતા છે. હવે તો બિહાર પોલીસ પણ સ્વીકારી રહી છે કે તાજેતરમાં હત્યાઓમાં વધારો થયો છે. જોકે, તેના એક વરિષ્ઠ અધિકારીએ જે કારણો આપ્યાં છે તે માનવા મુશ્કેલ છે. તેમના મતે, જૂનમાં વધુ ઘટનાઓ બને છે, કારણ કે ચોમાસુ આવે ત્યાં સુધી ખેડૂતો ખાલી બેઠા હોય છે. આવા બહાનાઓથી ગુનાઓને નિયંત્રિત કરી શકાતા નથી. ચૂંટણી વર્ષને કારણે રાજકીય પક્ષો અને મીડિયા આના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે એમ કહેવું પણ કામ કરશે નહીં.
બિહારમાં, કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો હંમેશાં રાજકીય પાસાં સાથે જોડાયેલો રહ્યો છે. રાજ્યના લોકોના મનમાં ઘણી ખરાબ યાદો છે અને રાજકીય રમતમાં, તે યાદો ક્યારેય નબળી ન પડે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. અત્યાર સુધી, સીએમ નીતિશકુમારને આનો ફાયદો થયો છે. નીતિશ અને ભાજપે હંમેશા લાલુ-રાબડી યાદવના કાર્યકાળને 'જંગલ રાજ' તરીકે રજૂ કર્યો હતો. પરંતુ હવે તે જ પ્રશ્નો તેમની સામે ફરી આવી રહ્યા છે. રાજ્ય સરકાર પોતાના બચાવમાં બે દાયકા જૂના મુદ્દાઓ વારંવાર ઉઠાવી શકતી નથી. છેવટે, જનતાએ તેને તે જ બાબતો બદલવા માટે ચૂંટયો છે. અને તે બધું બદલાયું ન હોય તો નીતિશકુમારે ઘરે બેસવું પડે. ઈતર સાધનોની મદદ વિના એકલા મતદારોના પોતાના અભિપ્રાય પર નિર્ભર રહેવાનું સાહસ હવે બિહારના શાસકોમાં નથી. જોકે ભાજપ તો પહેલેથી જ દરેક ચૂંટણી વખતે જ્ઞાતિ-જાતિનું પત્રક અને એક સારું કેલક્યુલેટર હાથમાં રાખીને જ બધાને ઉમેદવારી ફોર્મ ભરાવે છે.
જે કામ કોંગ્રેસે છ દાયકા સુધી કર્યું એ જ કામ ભાજપ છેલ્લા દોઢ દાયકાથી કરે છે. મોદીની આજ સુધીની પોલિટિકલ પ્રેકટિસનું રહસ્ય તેમની ઘોર જ્ઞાતિવાદ પરની શ્રદ્ધા છે અને એમાં તેઓ પોતે એમ માને છે કે તેઓ કદી ખોટા પડયા નથી. નીતિશ અને લાલુ કંઈ દેવના દીકરા નથી. તેઓ આ જ જ્ઞાતિવાદના એક્કા છે, પરંતુ બહુ જુગાર રમ્યા પછી એના પત્તા હવે ઘસાઈ ગયા છે. આજકાલ નવી કેટની શોધ ચાલે છે જેથી બાજી ગોઠવી શકાય. પરંતુ આ વખતે ગુનાખોરીના નિરંતર વધતા પ્રભાવમાં ભાજપ અને નીતિશ બન્ને માટે આખો ખેલ બહુ અઘરો છે. સટ્ટાબજારમાં બિહારની ચૂંટણીનાં કાઉન્ટર ખુલી ગયાં છે અને ભાવ કંઈ કહેવા જેવા નથી.


