મહારાષ્ટ્રમાં તાજેતરમાં સંપન્ન થયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અંતર્ગત મહાપાલિકાઓની ચૂંટણીઓના પરિણામોએ ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનની સફળતાએ રાજ્યમાં મોટા રાજકીય પરિવર્તનનો સંકેત આપી દીધો છે. આ સફળતા આવનારા દાયકાઓમાં રાજ્યની ભગવા રાજનીતિની વારસાગત પ્રભુત્વની દિશા પણ નક્કી કરશે. રાજ્યના વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ-મહાયુતિ ગઠબંધન દ્વારા વિરોધ પક્ષોને ચોંકાવનારી હાર આપ્યા પછી એક વર્ષમાં જ સત્તારૂઢ ગઠબંધને રાજ્યવ્યાપી સ્થાનિક ચૂંટણીઓમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. દાયકાઓ સુધી શિવસેનાના વર્ચસ્વવાળી રહેલી બહુચર્ચિત બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ તાજેતરના પરિણામોથી આવનારા વર્ષોમાં મુંબઈની સત્તામાં નિર્ણાયક ફેરફાર જોવા મળશે.
અવિભાજિત પક્ષ તરીકે બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેનાએ દાયકાઓ સુધી ભારતની આ આર્થિક રાજધાની પર શાસન કર્યું હતું. પરંતુ હવે ભાજપની આગેવાની હેઠળ શિવસેનાથી અલગ પડેલું એકનાથ શિંદેના નેતૃત્વવાળું જૂથે બીએમસીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેમ મહારાષ્ટ્ર સરકારમાં એકનાથ શિંદે નાયબ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે, તેવી જ રીતે બીએમસીમાં પણ તેમની પાર્ટીની ભૂમિકા લગભગ લગોલગની રહેશે કારણ કે તેઓ અહીં કિંગમેકરની ભૂમિકામાં છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે બે દાયકાં બાદ ઠાકરે ભાઈઓની પાર્ટીઓ એકસંપ થઈને ચૂંટણી લડી હોવા છતાં રાજ્યમાં મહાયુતિની લહેર અટકી નથી. એ જ કારણ છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે તાજેતરમાં દેખાયેલી પ્રતીકાત્મક એકતા ચૂંટણી સફળતામાં પરિવર્તિત થઈ શકી નથી.
બીજી તરફ, શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેનું ગઠબંધન પૂણેમાં બૂરી રીતે નિષ્ફળ ગયું. મહારાષ્ટ્રની રાજનીતિમાં બીએમસીના ચૂંટણી પરિણામોનું ગહન અને વ્યાપક અર્થઘટન થાય છે. બહુચર્ચિત બૃહન્મુંબઈ મહાનગરપાલિકાને દેશની સૌથી ધનાઢય મહાનગરપાલિકા હોવાનું ગૌરવ પ્રાપ્ત છે, જેના કારણે તેનું રાજકીય મહત્વ અત્યંત વધારે છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં બીએમસીના મહત્વનો અંદાજ તેના બજેટ પરથી લગાવી શકાય છે. વર્ષ ૨૦૨૫ -૨૬ માટે તેનું વાર્ષિક બજેટ ૭૪,૪૨૭ કરોડ રૂપિયા છે, જે હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યોના બજેટ કરતાં પણ વધારે છે. આવી સ્થિતિમાં તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનના ધમાકેદાર પ્રભુત્વ બાદ સ્થાનિક સત્તામંડળોની નવરચનાનો મુંબઈના શાસન, નીતિગત પ્રાથમિકતાઓ અને રાજકીય ગતિશીલતા પર દૂરોગામી પ્રભાવ પડશે.
અહીં એક સકારાત્મક પાસું એ પણ છે કે જનતાએ વિકાસની આશાઓને પ્રાથમિકતા આપી અને પ્રાદેશિક સંકીર્ણતાના નારાઓને નકારી કાઢયા. ચૂંટણી પરિણામો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિકાસના વચનોને સમર્થન આપે છે. હિન્દુત્વ પ્લસ વિકાસની કથામાળા ભાજપ માટે હજુ પણ ફળફૂલની નવી નવી છાબ લઈ આવે છે. જે પરિવારની આધારશિલા ખુદ સરકારને સમાંતર એક 'સરકાર' ગણાય છે અને અમિતાભ બચ્ચનની સરકાર નામે જગખ્યાત ફિલ્મ પણ છે એ ઠાકરે પરિવારનું 'મરાઠી માનુષ' કાર્ડ વધુ મતદાતાઓને આકર્ષી શક્યું નથી. ફરી એકવાર મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાતી નજરે પડી છે. આવી સ્થિતિમાં આ પરિણામો કોંગ્રેસને ફરીથી એવા આત્મમંથન કરવાની તક આપે છે જે મંથન એને કરવું જ નથી. મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીના પરિણામોએ વિરોધ પક્ષના મહા વિકાસ આઘાડી ગઠબંધનના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે, જેના ઘટક પક્ષો પહેલેથી જ રાજ્યની રાજનીતિમાં પોતાની પ્રાસંગિકતા જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
મુંબઇની મહાપાલિકાને ટ્રિપલ એન્જિન સરકાર તરીકે ઓળખાવવામાં આવે છે કારણ કે એનો અવાજ હવે રાજ્ય અને કેન્દ્ર બન્ને એક સાથે સાંભળશે. જો કે ડબલ એન્જિનની વિસંગતતાઓ અહીં ત્રણ ગણી થઈ જશે ને એના પરિણામો વળી બહુ કૌતુકપ્રેરક હશે. મહારાષ્ટ્રની રાજનીતિમાં વર્ષો સુધી વચસ્વ ધરાવનાર ઠાકરે અને પવાર પરિવારોએ રાજ્યમાં પોતાની પ્રાસંગિક પ્રસ્તુતિ જાળવી રાખવા માટે એકડે એકથી પ્રયાસો કરવા પડશે. બીજી તરફ, આ ચૂંટણી પરિણામોનો એક નિષ્કર્ષ એ પણ છે કે ભાજપે ચૂંટણી જીતવાનું ગણિત સારી રીતે શીખી લીધું છે. પાર્ટીના બૂથ મેનેજમેન્ટ સાથે સંઘના સહયોજને તેની વિજય યાત્રાને સરળ બનાવી છે.


