Get The App

કૃત્રિમ બુદ્ધિમત્તાનો વિશ્વઘોષ .

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
કૃત્રિમ બુદ્ધિમત્તાનો વિશ્વઘોષ                                  . 1 - image

ભારતે બદલાતી વૈશ્વિક હવાની દિશા-દશાને ઓળખીને દેશમાં સૌથી મોટી એઆઈ સમિટ યોજવાનો જે નિર્ણય કર્યો તેના સકારાત્મક પરિણામો હવે દેખાવા લાગ્યાં છે. આ પાંચ દિવસીય શિખર સંમેલનની સાર્થકતા એથી સ્પષ્ટ થાય છે કે તેમાં સો મોટી કંપનીઓના સીઈઓ, લગભગ વીસ દેશોના રાષ્ટ્રપ્રમુખો અને ૧૩૫ દેશોના પ્રતિનિધિઓ જોડાયા છે. એમાં વળી એક છબરડો એ થયો કે બૃહદ નોઈડાની ગલગોટિયાસ નામની યુનિવર્સિટીએ ચાઈનિઝ રોબોટને પોતાના સર્જન તરીકે રજૂ કર્યો. પછી જોકે સરકારે એને પેવેલિયન બહાર હાંકી કાઢી, પણ ખરેખર તો આ એટલો મોટો અપરાધ છે કે એ યુનિવર્સિટીના સંચાલકોને જેટલી સજા કરીએ એટલી ઓછી છે. આપણા દેશમાં સંશોધનની જે અવદશા છે તેનું આ દ્યોતક ઉદાહરણ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિશ્વના સૌથી વધુ યુવાનો ધરાવતા દેશ તરીકે ભારતમાં એઆઈ પ્રત્યે જે ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, તે દર્શાવે છે કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વમાં એઆઈ હબ તરીકે ઊભરશે. સાથે જ મહત્વની બાબત એ છે કે એઆઈ ભારતના સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર બની શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આજે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સુશાસન, વિકાસ અને નાગરિક સેવાઓના સુધારેલા સમાધાનોમાં અસરકારક ભૂમિકા ભજવે છે. એટલા માટે જ ગ્લોબલ સાઉથના દેશો ભારત તરફ મોટી આશા સાથે જોઈ રહ્યા છે કે ભારત દ્વારા વિકસિત એઆઈ માર્ગદર્શિકા અને નીતિઓ ચડતી કળાના ચન્દ્ર જેવી અર્થવ્યવસ્થાઓ માટે ઉપયોગી સાબિત થશે. આજે વિશ્વના વિકસિત અને સમૃદ્ધ દેશો એઆઈને પોતાનાં સંકુલ આર્થિક અને રાજકીય હિતો માટે સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ગરીબ અને વિકાસશીલ દેશોમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ રહી છે.

દેશની રાજધાની દિલ્હી પાંચ દિવસ માટે વિશ્વની એઆઈ કેપિટલ બની ગઈ છે. ૨૦ ફેબ્રુઆરી સુધી ભારત મંડપમ ખાતે યોજાયેલી આ પાંચ દિવસીય ઇમ્પેક્ટ સમિટમાં લગભગ ત્રણ લાખ લોકોનું રજીસ્ટ્રેશન થવું આ આયોજનની સફળતા અને મહત્ત્વ દર્શાવે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતે પોતાને એઆઈ પાવર હાઉસ તરીકે વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ વિશાળ ડેટા સંસાધનો સાથે એઆઈ વર્કફોર્સ પણ તૈયાર કર્યો છે. ઇન્ડિયા સમિટ ટેક્નોલોજીકલ ક્રાંતિ વચ્ચે નવી શક્યતાઓ શોધવા માટે ભારતની સકારાત્મક પહેલ છે. આ સંમેલન દ્વારા ભારત વિશ્વમાં એઆઈને જવાબદાર, ટકાઉ અને સર્વસમાવેશક ટેકનોલોજી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં એઆઈની સ્વીકાર્યતા અને વેપાર ઝડપથી વધ્યાં છે, પરંતુ વિસંગતિ એ છે કે અનેક સમૃદ્ધ દેશોમાં આ ટેક્નોલોજીને પોતાના હિત માટે કબજે કરવાની હોડ લાગી છે, જે ભવિષ્યમાં વિશ્વમાં પહેલેથી જ રહેલી આર્થિક અસમાનતા વધારી શકે છે. સાચા અર્થમાં વૈશ્વિક સમાજ રચવા અને આર્થિક  અસમાનતા ઘટાડવા માટે જરૂરી છે કે એઆઈનો ઉપયોગ લોકશાહી અને નૈતિક રીતે કરવામાં આવે.

ઇન્ડિયા સમિટમાં એઆઈ સામે ઊભા થતા પડકારો પર પણ ચર્ચા થઈ રહી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં એઆઈના દુરુપયોગના કેસોમાં પણ વધારો થયો છે. તેથી તેનો ઉપયોગ કરનારાઓમાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. ઇન્ડિયા સમિટમાં એઆઈની વિશ્વસનીયતા વધારવા માટે અર્થપૂર્ણ પગલાં લેવાશે. એઆઈ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે એ જરૂરી .ભારત જેવા વિકાસશીલ દેશોમાં, જ્યાં શ્રમપ્રધાન કાર્યસંસ્કૃતિ છે અને હાલ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યાં એઆઈ રોજગાર સર્જન કરનાર બની રહે, રોજગાર ખતમ કરનાર નહીં. એઆઈના વિસ્તરણથી પરંપરાગત નોકરીઓ પર સંકટ ન આવવું જોઈએ. યુવાનોના દેશ ભારતમાં એઆઈ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારવા માટે યુદ્ધસ્તરે પ્રયાસો કરવાની જરૂર છે, જેથી આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું અગ્રણી એઆઈ હબ બની શકે.

ભારતમાં મહાન ગણિતજ્ઞા આર્યભટ્ટે જ્યારે શૂન્યની શોધ કરી ત્યારે અમેરિકન પ્રજા જંગલોમાં વસ્ત્રશૂન્ય દશામાં ભટકતી હતી. એ અમેરિકા આજે ટેરિફ જેવા તુઘલખી તુક્કાઓથી ભારતનાં વસ્ત્રો ઉતારવાની કોશિશ કરે છે. એ સમયની બલિહારી છે. જે પ્રજાને તેના શાસકો વિવિધ સપનાઓમાં અર્ધહોશ કરી રાખે એ પ્રજા પોતાનો પુરુષાર્થ બહુ આસાનીથી ભૂલી જાય છે એમ વિદુરનીતિ કહે છે. એઆઈ સમિટ ભારતીય પ્રજાને વર્તમાન પ્રત્યે સભાન અને ભવિષ્ય માટે તૈયાર કરે એ આની સર્વોત્તમ ફલશ્રુતિ હોઈ શકે છે.