આ ઋતુઓનો સન્ક્રાન્તિકાળ છે. એક આખો યુગ વીતી ગયો અને સમય છાને પગલે ક્યાં સરી ગયો એની ગુજરાતની પ્રજાને ખબર જ ન રહી. ઘણાં વરસો પછી રાજ્યની તમામ નદીઓ બે કાંઠે પુરપાટ વહી રહી છે. આ નદીઓમાં પાછલી પેઢીઓના ધુબકા મારતા બાળપણ વહી ગયેલા છે. ક્યાંક પોતાના ને ક્યાંક ઉપરવાસના પાણીથી નદીઓ જોબનવંતી થઈ છે જાણે કે વિક્રમના સિંહાસનની બત્રીસ પુતળીઓ એક પછી એક સજીવન ન થતી હોય! સાવ વેરાન પડેલી સાબરમતીને અને બનાસને જ જુઓ... અત્યારે તો બેય કાંઠે ઘૂઘવાટા કરે છે. શેત્રુંંજી એના ઉપરવાસે તો આંખમાં સમાય નંઈ એવી તોફાની દેખાય છે.
ગીરના જંગલની મચ્છુન્દ્રી અને હિરણ તો એની પથરાળ ભોમકાને કારણે ઉલ્લાળા મારતી વહે છે. નદીઓના સૌન્દર્ય અને એની દેહયષ્ટિની એક અલગ દુનિયા છે. નદીઓનું અંત:કરણ એના ઘુના છે. હવે તો નદીઓ જ બારમાસી રહી નથી તો ઊંડા ઘુનાની તો વાત જ ક્યા છે? એક તો તળ ન દેખાય એટલું ઊંડાણ હોય. પછી એમાં વળી કોતરો ને ભેખડો હોય. જાણભેદુ તરવૈયો ન હોય તો ભેખડમાં પગ ભરાઈ જાય અને ત્યાં જ જિંદગી પૂરી થઈ જાય.
ઘુનામાં બારેય માસ ઊંડા પાણી હોય એટલે એના કાંઠાના ઝાડ ઘટાટોપ ફાલ્યા હોય. એની વળી કેટલીક ડાળ તો ઘુના પર જ ઝૂકી હોય. એ ડાળીઓય થડ જેવી હોય. સાહસિક છોકરાઓ એ ડાળીએ ચડીને ઘુનામાં ડૂબકી મારે. હવે આ ગ્રામજીવન ક્યાંય જોવા મળતું નથી. આજેય અનેક પ્રકારની શ્રાદ્ધવિધિઓ નદીકાંઠે થાય છે એનું મૂળ કારણ નદીઓના સામા કાંઠે રચાયેલા સ્મશાનોની પરંપરા છે. એ જુના જમાનામાં પણ નદીઓમાં કોઈ પદાર્થ વહેતા મૂકાતા નહિ, કારણ કે ગામેગામ લોકો નદીકાંઠે જ હોય. પશુપાલકો કાંઠાના ઝાડ નીચે વિસામો લેતા અને એના પશુઓ આસપાસની ટેકરીઓ અને ચરવાણમાં ફરતા ફરતા ચરતા. નદીનું પાણી જ બધા ગામના પાણિયારે પહોંચીને પીવાતું રહેતું એટલે નદીની શુદ્ધિ સહુ સ્વયમેવ જાળવતા.
માણસજાતે જરાક સગવડ મળી કે કુદરતનો હાથ છોડાવી લીધો, જેમ મેળામાં તોફાની બાળક માની આંગળીએથી સરકી જાય એમ. એસીની ઠંડક મળી કે તરત જ આથમણા બારણા અને બારી પડતા મૂક્યા. વગડામાંથી આવતા લીલી ટાઢકવાળા પવનની હવે એને શું પડી હોય? સાયકલ આવી કે તરત ઘોડા પરથી માણસ નીચે ઉતરી ગયો. જે ઘોડાએ એને હજારો વરસોનો સાથ આપ્યો અને દુર્ગમ પહાડોય પાર કરાવીને નવખંડ ધરતીમાં રમતો કર્યો એ માણસે એ જ ઘોડાને પડતો મૂકી દીધો. ઘર આંગણે નળ આવ્યા, એટલે ઘટ, પનઘટ અને નદીને પણ પડતા મૂક્યા! એમાંથી જ તો માણસ હવે મા-બાપનેય પડતા મૂકતા શીખી ગયો. નદીને માણસે સાથે રાખવા જેવી હતી. અને માણસજાતે જો ધાર્યું હોત તો સાવ સહજ પ્રયાસે ભારતની બધી જ નદીઓ બારેય માસ વહેતી હોત.
હવે તો એ પરિસ્થિતિ દૂર દૂરના ભવિષ્યમાં પણ સંભવ નથી. દક્ષિણ ભારતના કેટલાક સાધુ પુરુષોએ આજકાલ દેશની તમામ નદીઓને સજીવન કરવાની નેમ ઉપાડી છે પરંતુ એનાથી વિરાટ ભારતનું ઠેબે ચડી ગયેલું લોકહૃદય કેમ કરીને નદી તરફ પાછું ફરશે એ એક કોયડો છે. તોય નદીઓના કાંઠે સાવ અંધારું હતું એમાં કોઈએ દીવો તો કર્યો એટલો તો મહિમા એનો છે. હવે તો નદીઓ કોઈના સપનામાં પણ આવતી નથી. દિવમ્ ગતા:! આપણા દેશના રાજનેતાઓ અને પ્રજાના હજાર અગ્રતાક્રમોમાં ક્યાંય નદી નથી. એકલી ગંગા જ સ્વર્ગમાંથી અવતરી નથી. દરેક નદી સ્વર્ગમાંથી જ અવતરીને સ્વર્ગીય સુખનો વસુંધરા પર અભિષેક કરતી હતી.
પરંતુ એક વાત એ છે કે નદીઓ કંઈ એમ નામશેષ થઈ જવાની નથી. એના બદલાયેલા રૂપે એ પ્રલયકારી થઈ મન ફાવે ત્યારે આવશે કારણ કે માણસ નદીવિમુખ થયો એનાથી કંઈ આખી ધરતીનું ભૂસ્તર તો બદલાઈ જવાનું નથી. લોકમાતાની વાત્સલ્યધારા હવે વિનાશક વહેણ બને જ છે. એના કારણો ભલે જલ્દી ન જડે પણ આમ નહિ તો તેમ નદી મા છે એટલે માણસજાતને ગળે તો વળગાડશે એમાં ફેર નહિ પડે. પૂર્વોત્તર ભારતમાં જે મુખ્ય નદીઓ તોફાની બની છે એનું પ્રમુખ કારણ એ છે કે એની ઉપનદીઓ બુરાઈ ગઈ છે. નદીઓનો આખો અધ્યાય આપણા દેશમાં ઊઘાડવાનો જ બાકી રહી ગયો છે. આજકાલ શેત્રુંજી, સાબરમતી, તાપીની જે ઉપનદીઓ છે એમાં ભરપુર પ્રવાહ છે. આ શરદ ઋતુ છે એટલે એના પાણી લીલા કાચ જેવા આરપારિયા થઈ ગયા છે. શરદના પવનની પહેલી લહેરે જ વરસાદી ડહોળ બધો તળિયે બેસી ગયો છે. આ નદીના અમરત ઘૂંટડા આ વરસે તો ઘટક ઘટક ગળે ઉતારવાની મઝા પડે એમ છે.


