હિમાચલ પર અર્થસંકટ .
હિમાચલ પ્રદેશ એક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલું રાજ્ય છે. આ સંકટે અહીં કોંગ્રેસ શાસિત રાજ્ય સરકાર અને મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય સંઘર્ષને પણ જન્મ આપ્યો છે. રાજ્યની આર્થિક સમસ્યાઓ મોટાભાગે મોટી ઉધાર ખરીદીઓ, આત્યંતિક પેન્શન અને ઊંચા પગાર બજેટ, મફત સેવાઓ અને અપૂરતી આવકને આભારી હોઈ શકે છે, અરૂણાચલ પછી હિમાચલ પ્રદેશ તેના દરેક નાગરિક પર સૌથી વધુ માથાદીઠ દેવું ધરાવતું રાજ્ય બની ગયું છે, દરેક નાગરિક માથે અહીં રાજ્ય તરફથી રૂ. ૧.૧૭ લાખનું દેવું છે જે સરકારે ક્યાંક ને ક્યાંક ચૂકવવાનું બાકી છે. રાજ્યનું કુલ બાકી દેવું ઈ. સ. ૨૦૨૧-૨૨માં રાજ્યના કુલ સ્થાનિક ઉત્પાદનના ૩૭ ટકાથી વધીને હવે ઈ. સ. ૨૦૨૪-૨૫માં ૪૨.૫ ટકા થયું છે.
રાજકોષીય ખાધ ઈ. સ. ૨૦૨૧-૨૨માં જીડીપીના ૪.૦૫ ટકાથી વધીને ઈ. સ. ૨૦૨૨-૨૩માં ૬.૪ ટકા થઈ ગઈ છે. ઈ. સ. ૨૦૨૩-૨૪માં પણ, રાજકોષીય ખાધ સંશોધિત અંદાજ મુજબ ૫.૯ ટકા રહી હતી, જે બજેટ અંદાજ કરતાં ૧.૩ ટકા વધુ હતી. સુધારેલા અંદાજમાં મહેસૂલ ખાધ પણ ૨.૬ ટકાના વધારાના સ્તરે હતી. બજેટ અંદાજમાં તે ૨.૨ ટકા હોવાનું કહેવાયું હતું. હિમાચલ પ્રદેશ, રાજ્યના કુલ ખર્ચમાં તેના મહેસૂલ ખર્ચના હિસ્સાના સંદર્ભમાં પણ ઘણું આગળ છે જ્યાં તે ૯૦ ટકાની નજીક છે. અહેવાલ છે કે રાજ્ય સરકાર નાણાંકીય સ્થિતિ સુધારવા માટે હોટલ માટે સબસિડીવાળી વીજળી, ગ્રામીણ વિસ્તારોમાં મફત પાણી અને મહિલાઓ માટે રાહત બસ ટિકિટ જેવી કેટલીક સબસિડી યોજનાઓ ટૂંક સમયમાં જ સમાપ્ત કરી રહી છે.
રાજ્યોની નાણાંકીય સ્થિતિ પર ભારતીય રિઝર્વ બેંકના અહેવાલ મુજબ, વિવિધ રાજ્યો તેમના કુલ ખર્ચના માત્ર ૫૮ ટકા જ તેમના પોતાના સ્ત્રોતોમાંથી પૂરા કરવામાં સક્ષમ છે. આ દર્શાવે છે કે નાણાંકીય ક્ષમતામાં સુધારો કરવાની જરૂર છે. તાજેતરના અભ્યાસો એ પણ દર્શાવે છે કે રોગચાળાની રાજ્યોના રાજકોષીય સ્વાસ્થ્ય પર બહુ ઓછી અસર પડી હતી અને તાજેતરના વર્ષોમાં માલ અને સેવા કર વસૂલાતમાં નોંધપાત્ર સુધારો થયો હોવા છતાં, કેટલાક રાજ્યોને રાજકોષીય પુનર્ગઠનની જરૂર હતી. ઉદાહરણ તરીકે, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ રિવ્યુ કમિટીએ ઈ. સ. ૨૦૧૮માં ભલામણ કરી હતી કે રાજ્યોનું દેવું ય્જીઘઁના ૨૦ ટકા જેટલું હોવું જોઈએ. ડેટા દર્શાવે છે કે ઈ. સ. ૨૦૨૩ - ૨૪માં ૧૨ રાજ્યોનો ય્જીઘઁ ૩૫ ટકાથી વધુ હતા જ્યારે ૨૪ રાજ્યોના ય્જીઘઁ ૨૦ ટકાથી વધુ હતા.
ચૂંટણીલક્ષી લાભ માટે સબસિડીનો ઉપયોગ પણ રાજ્યોના વધતા દેવાનું એક કારણ છે. નેતાઓને લોકલુભાવન મતચુંબકીય જાહેરાતો કરવી બહુ મીઠી લાગે છે પરંતુ સત્તા પર આવ્યા પછી એની કડવાશ જંપ લેવા દેતી નથી. ટૂંકા ગાળામાં આ તેમની ઉધાર ક્ષમતાને અસર કરી શકશે નહીં કારણ કે બજાર રાજકોષીય ક્ષમતાને કારણે રાજ્યો વચ્ચે ભેદ પાડતું નથી કારણ કે કેન્દ્ર તરફથી હસ્તક્ષેપ અને મદદનો અવકાશ હોય છે. જો કે, કેટલાક રાજ્યોમાં સતત ઊંચા દેવાથી જોખમ ઊભું થશે. સતત ઊંચું દેવું વ્યાજના બોજમાં વધારો કરવાનું ચાલુ રાખશે અને રાજ્યો માટે ઊંચા ખર્ચની પ્રતિબદ્ધતાઓ સાથે નવા વિકાસ કાર્ય હાથ ધરવાનું મુશ્કેલ બનાવશે. આવી સ્થિતિમાં, ખર્ચને તર્કસંગત બનાવીને રાજ્યોના બજેટને સંતુલિત કરવું મહત્વપૂર્ણ છે.
હિમાચલ પ્રદેશ સહિત કેટલાક રાજ્યોએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી તેમની આર્થિક સ્થિતિ પર દબાણ વધશે. ઉચ્ચ સામાન્ય સરકારી દેવું અને ખાધને જોતાં, ભારતમાં રાજકોષીય પરિસ્થિતિ પર વ્યાપક ચર્ચાની જરૂર છે. લોકપ્રિય સરકાર બનવાની રેસ, રાજ્ય સહિત દેશની લાંબા ગાળાની સંભાવનાઓને અસર કરી શકે છે.