FOLLOW US

ચીની પતનના ભણકારા .

Updated: Sep 18th, 2023


વિશ્વભરમાં વિવિધ સ્થળે રોકાણો કરનારા ચીન પાસે હવે પાકિસ્તાનને બચાવવાનું બજેટ નથી. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવો આસમાને સ્પર્શી રહ્યા છે. ખુદ ચીનમાંથી ઉદ્યોગપતિઓ પોતાની શેતરંજી સંકેલી રહ્યા છે. ભારતના જે વેપારીઓ કે ઉત્પાદકો હાલ ચીન સાથે કામ કરી રહ્યા છે તેઓ ચીનના અક્કડ વલણથી કંટાળીને હવે તાઈવાન કે જર્મની-જાપાન તરફ વળાંક લેવા લાગ્યા છે. ચીનમાં ભારતીય ઉદ્યોગપતિઓનું પણ રોકાણ છે. હવે તેઓ ત્યાંથી પાછા ફરી પોતાનું સામ્રાજ્ય સ્વદેશમાં પાથરવા તરફ લાગ્યા છે. સ્વદેશમાં ઔદ્યોગિક સ્થાપના એ જમશેદજી તાતાનો રાજમાર્ગ છે જે નવી પેઢીને હવે સમજાય છે. ચીનમાં જે કંઈ વિદેશી રોકાણો છે તે ક્રમશઃ ભારતમાં આવી જવાના છે એ હવે નિશ્ચિત દેખાય છે. કોરોનાને કારણે ભારે પછડાટ ખાધા પછી પણ ડ્રેગનના ફૂંફાડામાં કોઈ કમી આવી નથી. અભિમાન એવી વસ્તુ છે જે બધું જ ગુમાવ્યા પછી પણ બરકરાર રહે છે. ચીન હવે વ્યાપાર અને વાણિજ્ય ખતમ થવાને આરે છે ત્યારે પણ તે વ્યર્થ અભિમાનની પ્રતિમા બની રહ્યું છે.

આદિકાળથી ભારત અને ચીન વચ્ચે તંગદિલી પ્રવર્તે છે જે હજુય વાસ્તવિક અંકુશ રેખા પર ભારેલા અગ્નિ જેવી છે. ક્યારે ફરી અગનપલિતો ચંપાઈ જાય એ નક્કી નથી. ચીન દરરોજ વધુ ને વધુ સૈનિકો ભારતની સરહદે ખડકતું જાય છે. દુનિયામાં ચીનના શત્દેશોની સંખ્યા બહુ મોટી છે. જી-ટ્વેન્ટીની ભારતીય યજમાની વળી વારંવાર નવી દુશ્મનાવટ ઊભી કરવાનો તેને શોખ છે. અણુબોમ્બ ફેંકાવાથી દુનિયાની સહાનુભૂતિ જાપાન તરફ થઈ એ વાત જુદી છે પરંતુ એ પહેલા જાપાનને પણ ચીન જેવું જ અભિમાન હતું. દુનિયામાં એવી માન્યતા છે કે ચીનને એના સૈનિકની જિંદગીની કોઈ કિંમત નથી અને વસ્તી વધારે હોવાથી ચીન ગમે તેટલા સૈનિકોને અથડામણ કે યુદ્ધમાં હોમી દેવા તૈયાર હોય છે. પરંતુ વાસ્તવિકતા એનાથી જુદી છે. ચીનના સૈનિકોના રહસ્યમય મોતને કારણે ચીની પ્રજામાં ભારે અજંપો છે. ગયા વરસે તિબેટમાં ભૂગર્ભમાં રહેલા તિબેટિયન ક્રાન્તિકારીઓએ એક જ રાતમાં ચાલીસથી વધુ ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો.

એ જ રીતે નેપાળમાં પણ એના ખરા રાષ્ટ્રપ્રેમી યુવકોના એક જૂથે એક નેપાળી કન્યાની મશ્કરીના કિસ્સામાં આઠ ચીની અધિકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પછીના બીજા દિવસે કાઠમંડુમાં નાગરિકોની વિશાળ રેલી નીકળી હતી જેમાં નેપાલ ઈઝ નોટ થાઈલેન્ડ જેવા સૂત્રો અને ચીન વિરોધી વાક્યો લખવામાં આવ્યા હતા. ચીન અત્યારે ખરેખર તો ચારેબાજુથી ભેખડે ભરાયેલું છે. એની પોતાની આંતરિક અને બાહ્ય બન્ને શાન્તિ સરી ગઈ છે. કોરોના ઉદભવ પછીના યુગમાં ચીનની પ્રતિષ્ઠા પણ કંગાળ હાલતમાં છે. આ તમામ સ્વ-અજંપાને ભૂલાવવા અને જગત સામે પોતાના જૂના ચહેરાને મેઈન્ટેઈન કરવા એણે સરહદે ફરી નવેસરથી હિલચાલ શરૂ કરી છે. લાખો કન્ટેનરોમાં ચીની માલનો ભરાવો થવા લાગ્યો છે.

યુરોપિયન દેશો પણ હવે ચીની ઉત્પાદનોના વિકલ્પો પસંદ કરતા થયા છે. ફ્રાન્સ અને ઈટાલી તો જે રીતે ચીનને નુકસાન કરી રહ્યા છે તેનો સરવાળો અબજો ડોલરની નિકાસ કાપમાં પરિણમશે એમાં કોઈ શંકા નથી. આખી દુનિયાને છેતરનારું ચીન સ્વયં છેતરાઈ રહ્યું છે. સૈન્ય મોરચે ભારત સામે શૃંગ ઉછાળવાથી વ્યાપારનું નામોનિશાન નહિ રહે એવા ભયથી ચીને પોતે બદનામ ન થાય એ માટે પાકિસ્તાની આતંકવાદીઓના ખભે બંદૂક રાખીને ભારતને હેરાન કરવાની નવી ચાલ અજમાવી છે. ચીની જાસૂસો કે જે એન્જિનિયરોના વેશમાં પાકિસ્તાનમાં ફરી રહ્યા છે એમણે આતંકવાદી જૂથો સાથે વાટાઘાટો કરી હોવાની ભારતીય ગુપ્તચરોની માન્યતા છે.

ચીનના કહેવાથી પાકિસ્તાન સરકારે કેટલાક ટોચના આતંકવાદીઓ પરના બેન્ક ખાતાઓ ઓપરેટ કરવા અંગેનો જૂનો પ્રતિબંધ ઉઠાવી લીધો. પરંતુ દુનિયાને બતાવવા માટે પાકિ. અદાલતે હાફિઝના બે સાગરિતોને સોળ વરસની જેલની સજા ફટકારી છે. હવે હાફિઝની સંસ્થા જમાત-ઉદ-દાવા કે જે લશ્કર-એ-તોયબાનો જ નવો ચહેરો છે એને વિદેશથી ફંડ મળવાની નવેસરથી શરૂઆત થશે જે ફંડ મૂળભૂત રીતે જિનપિંગ સરકારે બેજિંગથી મેનેજ કરી આપ્યું હશે. બીજા અર્ર્થમાં કહો તો આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને ચીને હવે પાકિસ્તાન પાસેથી ભાડે લીધા છે. એટલે આવનારા દિવસોમાં જો ભારત સરકાર સાવધ નહિ રહે તો ભારત-પાકિ. સરહદે નવો આતંક ફેલાશે. પાકિસ્તાન આમ તો તમામ આતંકવાદી સંગઠનોને એની હેસિયત પ્રમાણેના ટુકડા ફેંકતુ રહે છે.કોરોના વાયરસની આગેકૂચ પછી પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પ્રવૃત્તિઓ ઠંડી પડી હતી એનું કારણ કે તેમાંના અનેક આતંકવાદીઓ કોરોના ગ્રસ્ત થયા હતા જેમાંથી કેટલાકના મોત નીપજ્યા હતા.


Gujarat
English
Magazines