Get The App

અફઘાન પર ચીની સકંજો .

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
અફઘાન પર ચીની સકંજો                            . 1 - image

અફઘાનિસ્તાનનું પતન ભારતને અસર ન કરનારી વિદેશી દુર્ઘટના લાગતી હતી. તત્કાલીન અમેરિકી વડા બાઇડેને વચન આપ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાને પાછી ખેંચી લેશે ત્યારથી ભારત સરકાર અફઘાનિસ્તાનના મામલે સતર્ક અને ચિંતિત થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનમાં થયેલા હિંસક પરિવર્તન વિશે પણ લગભગ મૌન જ પાળ્યું હતું. સત્તાવાર માહિતી સરકારે બહાર પાડી નથી કે તેને નકારી પણ નથી પરંતુ એવું જાણવા મળ્યું હતું કે તાલિબાન ચીફ સાથે ભારત તરફથી વાતચીત કરવાની શરૂઆત કાબુલના પતન પહેલી થઈ હતી. તાલિબાને પણ ભારતે અફઘાનિસ્તાનને કરેલી મદદના વખાણ કર્યા હતા. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયો સહીસલામત ભારત પરત ફરે તેના ભાગરૂપે આવી મુત્સદ્દી અપનાવવામાં આવી હતી. ભારત-અફઘાન આ વરસે વધુ નજીક આવતા ચીનના પેટમાં તેલ રેડાતા હવે હવે ચીનને ભૂખ્યા અફઘાનોને દાણા નાંખવાનો મોકો મળી ગયો છે અને આંતરરાષ્ટ્રીય તખ્તા પર જે રીતે પાકિસ્તાને ચીનના ખોળે બેસવાનું મુનાસિબ માન્યું એ જ પંથે હવે તાલિબાન સરકાર ચૂપકે ચૂપકે પ્રયાણ કરી રહી છે.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની અફઘાની તત્ત્વો સાથે પહેલેથી સાંઠગાંઠ રહી છે. તાલિબાનની વિચારનીતિના ઘણા સમર્થકો પાકિસ્તાનમાં રાજકીય રીતે સક્રિય છે. અફઘાનિસ્તાન સાથે ભારતને હંમેશા સારા સંબંધો રહ્યા છે. ઇન્દિરા ગાંધીના સમયથી ભારતે અફઘાનિસ્તાનને મદદ કરી છે, નદીઓ ઉપર ડેમ બાંધી આપ્યા છે, દવા કે જરૂરી ચીજવસ્તુઓ પણ પહોંચાડી છે. કોઈ તાલિબાન બંદૂકો લઈને અત્યારે કાબુલના રસ્તાઓ ઉપર ટાટા કંપનીની ગાડીમાં જોવા મળે તો નવાઈ નહીં. ઘણી ભારતીય કંપનીના ઉપકરણો અને વાહનો અફઘાનિસ્તાનમાં વેચાતા આવ્યા છે. છતાં પણ બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા ધરાવતું તાલિબાન જૂથ ભારત માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે. કારણ કે હવે એનો ઝુકાવ ચીન તરફ છે. બુભુક્ષિતમ્ કિમ ન કરોતિ પાપમ્...? ભૂખ્યો માણસ ક્યું પાપ નથી કરતો?

તાલિબાની સરકાર ધરાવતો દેશ એટલે વાંદરાના હાથમાં તલવાર. અફઘાનિસ્તાનના સંદર્ભમાં વર્ષોથી મોટા મોટા દેશોની ગણતરી ખોટી પડતી આવી છે. જ્યોર્જ બુશ પછીના બધા અમેરીકન પ્રેસિડેન્ટોએ અફઘાનિસ્તાનમાં અમેરિકન સેના ઉતારી પણ તાલિબાનને કન્ટ્રોલ કરવામાં નિષ્ફળતા મળી. દેખીતી વાત છે કે અમેરિકન લશ્કરમાં અપાતી કડક તાલીમ ગેરીલા ગુફા યુદ્ધમાં નાકામ નીવડી. અમેરિકન ઇન્ટેલિજન્સ પણ અંધારામાં રહી. તાલિબાનીઓ આટલી જલ્દી તે દેશની રાજધાની ઉપર કબજો જમાવી લેશે એવું કોઈ પણ અમેરિકન નિષ્ણાતે વિચાર્યું ન હતું.

ચીને અફઘાન પર તરાપ માર્યા પછી હવે ભારતે તેની વિદેશનીતિ ખૂબ સમજી વિચારીને નક્કી કરવી પડશે. ફક્ત અફઘાનિસ્તાન સાથે જ નહીં પણ પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ એક એક ચાલ ગણતરીપૂર્વક ચાલવી ફરજિયાત છે. ઈ. સ. ૨૦૦૧માં કાશ્મીરને ભારતથી અલગ પાડવા માટે પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈએ લશ્કર-એ-તોયબા જેવા આતંકવાદી સંગઠનો પાસેથી મદદ માંગી હતી. મદદમાં ફક્ત હથિયારો જ નહીં પણ પંદરેક હજાર ઝનૂની સૈનિકોની ડિમાન્ડ કરવામાં આવી હતી. એ સમયે તાલિબાની સરદારે દસ હજાર તાલિબાનીઓને કાશ્મીર મોરચે લડવા માટે મોકલવાનું નક્કી કર્યું હતું. કોઈ કારણોસર પાકિસ્તાન-અફઘાનિસ્તાનનું આ જોઈન્ટ-કાવતરું પાર ન પડયું. પરંતુ ત્યારથી ભારતની વિદેશનીતિના પાકિસ્તાન સાથેના સમીકરણમાં અફઘાનિસ્તાન કાયમી વિધ્ન બની ગયું છે.

તાલિબાની સરકારને લુચ્ચા ચીને સમર્થન આપ્યું છે. ભારતના વિરોધમાં કોઈ વિદેશી કૂતરું પણ ભસે તો તેની સાથે દોસ્તીનો હાથ લંબાવવો એ જિંગપિંગની નીતિ છે. પાકિસ્તાનને રોડ, પુલ, બંકરો વગેરે બનાવી દેવાના અને શસ્ત્રો પૂરા પાડવાના બદલામાં ચીનાઓ ભારત વિરોધી ઝેર પ્રસરાવ્યે રાખે છે. પ્રોક્સી વોર ખેલીને પણ ભારતની સરહદો સળગતી રહે એ ચીનની મુરાદ રહી છે. તાલિબાન ઘણા અંતિમવાદી વિચારધારા ધરાવતા આતંકવાદી સંગઠનોના ઉપકાર હેઠળ છે. માટે વૈશ્વિક મીડિયાની ઓછી નારાજગી વહોરવા તાલિબાન પોતે સુધરી રહ્યું છે એવી ખોટી જાહેરાતો કર્યા કરે છે. અસલમાં તાલિબાનનો અસલી ચહેરો ખૂનામરકીનો છે. તે પોતાની દહેશત ફેલાવવા માટે પાકિસ્તાનમાં પણ બામ્બધડાકા કરી શકે. એશિયામાં અશાંતિ સર્જવા માટે તાલિબાની સરકાર કોઈ મોટી યોજના ઘડી શકે. આ બધો દોરીસંચાર ચીનનો હોઈ શકે.