બલોચ નેશનાલિસ્ટ આર્મી એક એવું શિરછત્ર સંગઠન છે જેની નીચે બલુચિસ્તાનને સ્વતંત્રતા અપાવવા ઝઝૂમતા અનેક આતંકવાદી સંગઠનો કામ કરે છે. તેઓ ખરેખર સ્વાતંત્ર્ય સેનાની છે પણ પાકિસ્તાન સરકાર એમને આતંકવાદી કહે છે. જે પાકિસ્તાન ખુદ ભારત સામે આતંકવાદ ફેલાવે છે એ હવે એક રીતે ઘર આંગણે આતંકવાદનો સામનો કરે છે. ગુલઝાર ઈમામ નામનો બલુચિસ્તાની લડવૈયો પાક જાસૂસોની જાળમાં ફસાઈને જેલભેગો થયો છે ને એની જોરશોરથી જાહેરાત પાકિસ્તાન સરકારે કરી હતી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે અમેરિકા ખાતેની એક ઉચ્ચ સ્તરીય મિટિંગમાં પાકિસ્તાનના નાણાં પ્રધાનને તેડું મોકલ્યું હતું જેમાં વિશ્વ બેન્ક પણ ઉપસ્થિત હતી તેમાં પાક સરકારે પોતાના કોઈ પ્રધાન કે પ્રતિનિધિને ન મોકલતા પાકની દેવાળું ફૂંકવાની સ્થિતિ વધુ નજીક આવી છે.
ભારતીય ઉપખંડમાં શાંતિ કદી ન જળવાય એ માટેનું એક અઘોષિત યુદ્ધ પાકિસ્તાન છેલ્લા ચાર દાયકાથી લડે છે. દગાબાજીથી હુમલો કરવાની વ્યવસ્થાને જ ખરેખર તો આતંકવાદ કહેવામાં આવે છે. આતંકવાદ હવે તો દુનિયાના અનેક દેશો પર લટકતી અનિશ્ચિતતાની તલવાર છે, જેનાથી આતંકવાદનું હિમાયતી ખુદ પાકિસ્તાન પણ મુક્ત નથી. પાકિસ્તાનને સહુ આતંકવાદી રાષ્ટ્ર તરીકે જ ઓળખે છે. એમાંય જ્યારથી શાહબાઝ સત્તા પર આવ્યા ત્યારથી વિવિધ આતંકવાદી સંગઠનો પુરબહારમાં ખીલ્યા હતા, જે હજુ કોઈના અંકુશમાં નથી. વર્તમાન ખાડી યુદ્ધ ચાલુ થયા પછી પણ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમેરિકા ઢમક ઢોલકી છે. બેય બાજુ બોલે. એનો વિશ્વાસ કોઈ કરતું નથી. યુક્રેન યુદ્ધ પછી અમેરિકાની વિશ્વસનીયતા ધ્વસ્ત થઈ ગઈ છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદે ગઇકાલે રાત્રે એરેબિક લિપિમાં એવા બેનર દેખાયા છે કે એક અફઘાની સૈનિક, સો પાકિસ્તાનીને ભારે પડશે.
પહેલા રશિયાના હાથે, પછી તાલિબાનો દ્વારા અને એના પછી અમેરિકન સૈન્યના હાથે વિચ્છિન્ન થયેલા અફઘાનિસ્તાનના સૈન્યમાં આગની જે જ્વાળાઓ હવે ભભૂકી રહી છે તે પણ મોકો મળતાવેંત પાકિસ્તાનને ભારે પડશે એમાં કોઇ શંકા નથી. હમણાં જે ચાલે છે તે અથડામણો છે પણ એને પાક-અફઘાન યુદ્ધમાં રૂપાંતરિત થતા બહુ વાર નહિ લાગે. ભારત સહિત પાકિસ્તાનના ત્રણ પડોશી દેશો પોતપોતાની રીતે અને પાકિ.ના આતંકવાદી હુમલાઓથી એટલા તંગ થઇ ગયા છે કે હવે પાકિસ્તાન એક મહાવિનાશને એવે આરે આવી પહોંચ્યું છે જેમાંથી એને કોઇ બચાવી શકે એમ નથી. જેમ વ્યક્તિગત કર્મના ફળ હોય છે તેમ રાષ્ટ્રગત કર્મના ફળ પણ હોય છે જે પાકિસ્તાન અને એની પ્રજાએ હવે ભોગવવાના છે.
અત્યારે જે સમય પસાર થઇ રહ્યો છે તેમાં પાકિસ્તાનને રાજદ્વારી રીતે સમગ્ર દુનિયાથી અલગ કરવાના ભારત સરકારના પ્રયાસો ચાલુ જ રહ્યા છે, જે પાકિસ્તાન સાથેના સંભવિત યુદ્ધ પહેલાનું આંતરરાષ્ટ્રીય લોબિંગ છે અને એ અનિવાર્ય પણ છે. પરવેઝ મુશર્રફ, નવાઝ શરીફ અને ઈમરાને પાકિસ્તાનને ખંડેર બનાવવામાં જે કામ બાકી રાખ્યું તે હવે શાહબાઝ શરીફ પૂરું કરી રહ્યા છે. કારણ કે આ એક વિલાસી વડાપ્રધાન છે. તેમની દિનચર્યા ગુપ્ત હોય છે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યાલયમાં તેઓ નિયમિત રીતે અનિયમિત છે. પ્રધાનો અને સચિવો ફાઈલો લઈને એમના નિવાસસ્થાને હરોળમાં બેઠેલા જોવા મળે છે. એમના પદનું લાંબુ આયુષ્ય નથી કારણ કે પાકિસ્તાન જેવા વિચલિત દેશમાં આંતરિક શત્રુઓ ઓછા નથી.
ઈરાને છેલ્લા બે-ચાર વરસથી ભારત સાથે સંબંધો વિકસાવ્યા હોવા છતાં અનેકવાર કાશ્મીર સંબંધિત મામલાઓમાં એણે ભારત સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને એ દૌર નિયમિત રાખેલો છે. પરંતુ પાકિસ્તાનના જૈશ-અલ-અદ્દલે કરેલા હુમલામાં ૨૭ ઈરાની સૈનિકો શહીદ થયા એટલે ઈતિહાસમાં પહેલીવાર ઈરાને કાશ્મીર અંગે ભારત સરકારની તરફેણના નિવેદનો ચાલુ કર્યા હતા, એટલું જ નહિ, પાકિસ્તાન સામે વેર લેવાની ઉતાવળ જેટલી ભારતને છે, એટલી જ ઈરાનને પણ છે. અફઘાનિસ્તાન તો પોતાને ત્યાં ફેલાયેલા આતંકવાદના મુખ્ય ખલનાયક તરીકે પાકિસ્તાનને જ જુએ છે. તાલિબાન સરકાર ખુદ પોતાને હવે સત્તામાં આવ્યા પછી તો આતંકવાદી ન માને, તેઓ પાકિસ્તાનના આતંકવાદીઓને અનેકવાર સરહદ ઓળંગતી વખતે ઠાર કરી ચૂક્યા છે.


