For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરમાં ચૂંટણી કેમ નહીં? .

Updated: Mar 18th, 2023

Article Content Image

પુંચ વિસ્તારના નવગ્રહ મંદિરે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતી દર્શન કરવા ગયાં અને અહીં એમણે શિવલિંગ પર જળનો અભિષેક કર્યો એથી કાશ્મીરમાં સનસનાટી મચી ગઈ છે. વળી, આ જ અરસામાં વડાપ્રધાનની ઓફિસના ઉચ્ચ અધિકારી તરીકે ફરતો એક રહસ્યમય ફેક આઈએએસ અધિકારી ઝડપાયો છે. ઉક્ત બન્ને ઘટનાઓથી શાંત જળમાં નવા તરંગો વહેતા થયા છે. મુખ્ય પ્રશ્ન જે હિમાલય જેવડો મોટો છે તે એક જ છે કે અહીં સરકાર સતત ચૂંટણી કેમ પાછી ઠેલતી જાય છે? ગત નવેમ્બર-ડિસેમ્બરમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા અંગે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે ઉચ્ચતમ બૌદ્ધિક વ્યાયામ થયો હતો. કાશ્મીરનો બંધારણીય દરજ્જો બદલ્યો એને ચારેક વરસ થવા આવ્યા છે. દુનિયાના જે તટસ્થ દેશો છે એણે વિવિધ માધ્યમો દ્વારા ભારત સરકારને સતત કહ્યું છે કે બને એટલા જલ્દી કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયાની શરૂઆત કરો.

જમ્મુ અને કાશ્મીર અગાઉ જે અખંડ એક હતું તે જ્યારથી એક રાજ્ય નથી રહ્યું ત્યારથી શાસક પક્ષ સિવાયના રાજકીય પક્ષો તે પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાની બહુ કોશિશો કરતા રહે છે, પરંતુ ૩૭૦મી કલમને હટાવ્યાને ઘણો સમય પસાર થયો હોવા છતાં કોઈનો ગજ વાગ્યો નથી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે હમણાં કહ્યું કે રાજ્યની સીમાંકન પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે, જેથી ચૂંટણીની શરૂઆત કરાવી શકાય. લેફ્ટનન્ટ ગવર્નરના આ શબ્દો એ બાબત તરફ ઈશારો કરે છે કે જમ્મુ કાશ્મીરના સ્થાનિક પક્ષો પણ ત્યાં ચૂંટણી કરાવવા માટે રાજી છે. ૩૭૦મી કલમ દૂર થઈ ગયા પછી કાશ્મીરની સામાજિક અને સરહદને સંલગ્ન સ્થિતિ સ્થિર હતી, પણ રાજકીય ઉથલપાથલ મચાવવાના બહુ પ્રયત્નો કરવામાં આવેલા. વરસોના લગાતાર પ્રયત્નો નિષ્ફળ જવાથી હવે ત્યાંના સ્થાનિક નેતાઓ ચૂંટણી કરાવવા માટે નાછૂટકે રાજી છે.

જૂન, ૨૦૧૮થી જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સરકાર નથી. કેન્દ્રનું શાસન ચાલે છે. કાશ્મીરના અમુક નેતાઓને લાંબા સમય માટે નજરકેદ રાખવામાં આવ્યા હતા જેને તબક્કાવાર મુક્ત કરાયા છે. પ્રમુખ નેતાઓની રાજકીય પાંખો તત્કાલીન સમય માટે કાપી નાખવામાં આવી હતી. આ મુદ્દાને એક પણ વિરોધ પક્ષ બહુ ઉછાળી ન શક્યો. સ્થાનિક નેતાઓને નજરકેદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માનવ સ્વતંત્રતા ઉપર મારવામાં આવતી તરાપની દ્રષ્ટિએ જોવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ કાશ્મીર માટે સહાનુભૂતિ થાય એવું ચિત્ર ખડું કરવામાં આવેલું, પરંતુ કાશ્મીર ઉપર કેન્દ્ર સરકારની મજબૂત પકડ હતી અને નિર્ણય બદલવામાં સરકાર ટસની મસ ન થઈ.

પીડીપી એટલે કે મહેબૂબા મુફ્તી સાથે એક સમયે ભાજપે હાથ મિલાવ્યો હતો. આજે રાજકારણમાં મહેબૂબા મુફ્તી બધાનો સાથ છોડી દઈને સ્વતંત્ર થઈ ગયાં છે. તેઓ સરકારની એક જુદા જ પ્રકારની નજરકેદમાં છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ એક અખબારને હમણાં ઇન્ટરવ્યુ આપ્યો હતો. એ વાતચીતમાં તેમણે કહેલું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ચૂંટણી લડવા માગતા નથી. એક વાત અહીં ખાસ નોંધવી જોઈએ કે તેમણે ચૂંટણીને બોયકોટ કરવા માટેની દરખાસ્ત મૂકી ન હતી. એવું પણ બોલ્યા ન હતા કે તેનો રાજકીય પક્ષ ચૂંટણી નહીં લડે. કેટલાક રહસ્યમય કારણોસર ઓમર અબ્દુલ્લા એકાએક જ ભાજપની ગુડબુકમાં આવી ગયા છે.

ઓમરની હિન્દુ પત્ની પાયલ નાથ ભાજપના ટોચના નેતાઓ સાથે સૌજન્યપૂર્વકના સંબંધો ધરાવે છે. ઓમર અબ્દુલ્લા પ્રથમ તબક્કે તો હવે સંસદની વિવિધ સમિતિઓમાં ઝલક દઈ રહ્યા છે, પણ આગળ જતાં એમનો સિતારો ચમકવાના ચાન્સ છે. ભાજપ એમ ચાહે છે કે કોઈ એક કાશ્મીરી ચહેરાના ગળામાં પટ્ટો બાંધીને પછી ચૂંટણીઓ યોજવી. ઓમર અબ્દુલ્લા તરફ ભાજપની કૂણી લાગણીથી કાશ્મીરનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઓમરના નિકટનાં વર્તુળોમાં નવા વાતાવરણનો લાભ લેવાની દોડધામ ચાલે છે. આ સારા થતા જતા વાતાવરણને ડહોળવા માટે પાકિસ્તાન સરકારે અઢાર મુદ્દાઓની સૂચિ બનાવી છે, જેના દ્વારા તે આખી દુનિયાનું ધ્યાન કાશ્મીર તરફ ખેંચવા માંગે છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને ફોન કરીને પંદર મિનિટ સુધી વાત કરી હતી. તેના પછી પાકિસ્તાનના વિદેશ ખાતાએ એવું જાહેર કરેલું કે બંને દેશના પ્રધાનમંત્રીઓએ કાશ્મીરની સ્થિતિ ઉપર વિચારવિમર્શ કરેલો. જ્યારે બાંગ્લાદેશની સરકારે જે પ્રેસનોટ જાહેર કરી એમાં કાશ્મીરનો મુદ્દો હતો જ નહીં.

Gujarat