ડિમાન્ડ જીવંત થશે? .
તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે. એકાદ સપ્તાહમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જશે. જોકે રાજ્યમાં યોજાતા અનેક મેળાઓમાં આ વખતે સરકારી પ્રતિબંધની અસર જોવા મળશે અને વિવિધ જોખમી રાઈડસ્ને જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપી નથી. સલામતીના કારણોસર સરકાર અનેક દુર્ઘટના પછી હવે જાગૃત થઈ છે એ એક સુઘટના છે. જિલ્લા કલેકટરો વૈકલ્પિક દિશામાં સક્રિય બની શક્યા નથી. મોટાભાગની રાઈડ બંધ થયા પછી લોકરંજન કઈ રીતે કરવું એ માટેના વિકલ્પો તેઓ દર્શાવી શક્યા નથી. આપણે એમની પાસેથી કોઈ ડિઝનીલેન્ડની આશા રાખીએ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો જે હિલ્લોળ હોય છે એ ઉમંગને જીવંત રાખવામાં સરકારી તંત્ર બહુ ફાવે એવું દેખાતું નથી. બજારોને આશા છે કે આ વખતના તહેવારોમાં ડિમાન્ડ ફરી સજીવન થશે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ચાલુ નાણાંકીય વર્ષ માટેના ભારત સંદર્ભના તેના વિકાસના અંદાજોને સતત ઘટાડતા રહેવાનો ક્રમ ચાલુ રાખ્યો છે, જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પણ સમાવિષ્ટ છે. સૌથી વધુ જો કોઈએ ઉદાર અંદાજ કર્યો હોય તો તે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝનો છે જે ૫.૮ ટકા છે. એને પણ બધા અર્થશાસ્ત્રીઓ સર્વમાન્ય રીતે સ્વીકારતા નથી. એનું એકમાત્ર કારણ છે કે જેને ડોમેસ્ટિક ડિમાન્ડ કહેવાય તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. એટલે ભારતીય અર્થતંત્રનું પ્રાણતત્ત્વ ઝાંખું પડી રહ્યું છે. ભારત સરકારે આ ડિમાન્ડ વધારવાના વિધવિધ ઉપાયો અજમાવ્યા હોવા છતાં હજુ સુધી ભારતીય ગ્રાહકોમાં ચૈતન્યનો સંચાર થયો નથી. તેઓ અગાઉ જેવા જ ઠંડા છે. કેન્દ્રની એનડીએ સરકાર પાસે એવી કોઈ જાદુઈ છડી ન હોઈ શકે કે જે રાતોરાત બજારમાં ડિમાન્ડ વધારી શકે.
ડિમાન્ડનો ઘટાડો એટલી હદે થયો છે કે એની અસર ઓટોમોબાઇલ ઉપરાંત ગ્રામ વિસ્તારોમાં ટૂથપેસ્ટ અને બિસ્કીટનું વેચાણ પણ ઘટયું છે! જેને પેસેન્જર વ્હિકલ કહેવાય એવાં વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. પાછલા ત્રિમાસિક ગાળામાં આ ઘટાડો કુલ ૩૦ ટકા જેટલો છે. એવી જ રીતે કમર્શિયલ વાહનોના વેચાણમાં પણ ઘટાડો સંપૂર્ણ નકારાત્મક ટકાવારી બતાવે છે. કોરોના વાયરસને કારણે દાયકાઓ પછી ભારતીય પ્રજાની આરોગ્ય સભાનતા વધી છે. એને કારણે જંકફૂડ કે એવા અન્ય તૈયાર ખાદ્યપદાર્થોની બજાર પણ બેસી ગઈ છે. જોકે હમણાં સુધી આ ઘટાડો માત્ર દસ ટકા સુધી સીમિત હતો, પરંતુ હવે એના ઘટાડામાં વધારો થયો છે. ચાલુ ત્રિમાસિક ગાળાનાં પરિણામો ચોંકી જવાય એવા આવશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા દુનિયાના ૧૪૧ દેશોમાંથી ભારતને જે રેન્ક ગયા વરસે આપવામાં આવી હતી તેમાંથી દસ પગથિયાં ભારતે પાછી પાની કરવી પડે એવા સંયોગો છે.
જોકે ટેરિફ વોરને કારણે દુનિયાનાં તમામ અર્થતંત્ર સંબંધિત આંકડાઓ હવે બદલાઈ જવાના છે અને એને કારણે આવેલી મંદીના આંકડાઓ મૂળભૂત અર્થતંત્રનું સાચું ચિત્ર આપી શકશે નહી. એટલે કે ખરેખર બંધ રહેલાં ઉત્પાદન યુનિટો અને મંદીની સ્થિતિને કારણે બંધ રાખવા પડેલાં ઉત્પાદન યુનિટો એક જ ત્રાજવે તોળાશે. ટેરીફનો એક વાયરસ જેવો વ્યાપ જગતભરમાંથી સંકેલાઈ જાય અને ફરીથી બધા જ દેશોના બધા ઉદ્યોગો એની પહેલાની નિકાસ ક્ષમતા સાથે ધમધમતા થાય પછીથી જે સર્વેક્ષણો થશે તે જ દુનિયાના અર્થતંત્રનું સાચું ચિત્ર આપી શકશે અને એ માટે તો હાલની સ્થિતિ જોતાં ઘણી રાહ જોવી પડશે. જર્મનીમાં ઔદ્યોગિક સરંજામ બનાવતી અનેક ફેક્ટરીઓ અને મિકેનિકલ રિસર્ચ સેન્ટરો બંધ પડયાં છે. જર્મનીમાં યુનિવર્સિટીઓ પાસે પણ અનેક કામો દુનિયાભરમાંથી સીધા જ આવે છે. એ બધું પણ હાલ સ્થગિત છે.
જર્મની ખરેખર તો મિકેનિકલ એન્જિનીયરિંગનું વૈશ્વિક પાટનગર છે. જગતના લાખો ઉદ્યોગોની મશીનરીમાં જર્મનીનું બહુમૂલ્ય યોગદાન છે. કોરોનાને કારણે જર્મનીનો વૈશ્વિક ઉદ્યોગ જગત સાથેનો તાર તૂટી ગયો હતો, જે પછી મંદીને કારણે લગભગ તેટેલો રહ્યો છે. એને કારણે થોડા સ્પેરપાર્ટસની અછતને કારણે બંધ પડી ગયેલા ઉદ્યોગોની સંખ્યા પણ નાનીસૂની નથી. આના પરથી એ અંદાજ પણ લગાવવાનો કે ટેરીફ પ્રકરણ પૂરું થયા પછી પણ એક ચોક્કસ સમયગાળા સુધી કેટલાંક ઉત્પાદનોની તો અછત રહેવાની. જે દેશો પાસે ટેકનિકલ સાધનોની અછતને પહોંચી વળવા માટેના સ્થાનિક સોલ્યુશન હશે તેમનાં ઉત્પાદન યુનિટો ઝડપથી ધમધમતાં થશે. પરંતુ માત્ર ભારતના જ નહીં, અનેકાનેક દેશોના ઉદ્યોગો કોઈ ને કોઈ રીતે જર્મની પર નિર્ભર છે. જર્મનીએ ઔદ્યોગિક એન્જિનીયરિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.