ચિત્રકારોએ ભારતીય ગ્રામ જગતના બહુ મનોહર ચિત્રો આલેખ્યા છે. પરંતુ એ હવે ઈતિહાસ છે. આપણો વર્તમાન નથી. ગામડાઓ ખાલસા થઈ ગયા છે. જે લોકો ગામડામાં રહે છે એને પોતાને જ ગામડાં બેઠાં કરવામાં કોઈ રસ નથી. તેઓ એમ માને છે કે સરકાર બધું કરે. આ તો સરકારનું કામ છે. ઉપરાંત ઘણા લોકો આર્થિક પરિસ્થિતિની વાતો કરતા હોય છે. ગામડા ભાંગવાનું કારણ કંઈ આર્થિક પરિસ્થિતિ નથી. પહેલી વાત તો એ છે કે આપણે ગામડામાં બેઠાં બેઠાં શહેરોના વખાણ કરતા થાકતા નથી. એકબીજા લોકો હરખથી કહેતા હતા કે મોટાને સુરત મોકલ્યો ને દિવાળીએ હવે મોટા દીકરા પાછળ નાનોય જવાનો છે...... ખરેખર તો આ જે મોટા પાછળ નાનો ગયો ને એની પાછળ જ ગામડાંની સર્વ સંસ્કૃતિ અને સંસ્કાર પણ વહ્યા ગયા.... એમ જ ધીરે ધીરે ગામડાં ખાલી થયા ને ભૂતિયા બની ગયા.
ગામડાઓ તો મખમલના તાકા જેવા હતા. સહુએ એક એક દોરો શહેર ભણી તાણ્યો ને એમ તણાઈ તણાઈને તાકો આખો તાર તાર થઈ ગયો. હવે એને પાછો તો કોણ વણાટ કરી આપે. જ્યાં સુધી મા ગામડે બેઠી હતી ત્યાં સુધી ગામડા બેઠાં થયેલા રહ્યા. મા સુરત ગઈ કે મુંબઈ ગઈ કે મા પછી ધામમાં પણ ગઈ પછી જે આ ગામડા કડડભૂસ કરતા ભાંગ્યા છે એનો તો આખો અલગ ઈતિહાસ છે. હવે સુરત ગયેલી વસ્તીને અને એના વસ્તારને ઘરના ઘી મળતા નથી. બધુંય મૂળસમેત ઉખડી ગયું. એનો કોઈએ અફસોસ એટલે કરવાનો નથી કે માનવ વસાહતો બહારથી ખાલી દેખાય છે જ કે સ્થિર છે. ખરેખર તો આપણા કાફલા સદાય જિપ્સીઓની જેમ બદલતા રહ્યા છે. સુખની પાછળનો મનેખનો રઝળપાટ કંઈ ઓછો છે?
આજકાલ અમેરિકામાં યુવક-યુવતીઓ પોતાની નોકરીઓ છોડીને ખેતી કરવા લાગ્યા છે. તેમની પાસે બહુ જમીન નથી. આમ તો અમેરિકામાં જમીનદારો પાસે વિશાળ જમીન હોય છે. પરંતુ આ જે નવી પેઢીના લોકો ખેતીમાં જોડાયા એ બધાની પાસે તો થોડાક થોડાક એકર જમીન છે. કોઈની પાસે પાંચ એકર તો કોઈની પાસે સાત. વળી એવા લોકો કે જે તેમાં જોડાઇ રહ્યા છે તેઓ કંઈ બેરોજગાર નથી કે નોકરી ન મળે ને ખેતી કરે એવા પણ નથી. તેઓ નોકરી કરતા હતા અને ઊંચા પગારની નોકરી હતી. પણ એ નોકરીઓ છોડીને હવે તેઓ કૃષિજીવન તરફ વળ્યા છે. ખેતી અને જાતે કરેલી ખેતીમાં આસમાન જમીનનો ફેર છે. ભાગવી ખેતી એ છે તો ખેતી જ પણ એમાં મહેનત તો આપણી નથી એટલે રૂપિયો કપાઈને આવે છે.
આજકાલ અમેરિકામાં એક યુવતી બહુ ચર્ચાસ્પદ છે. એનું નામ છે લીઝ વ્હાઈટહર્સ્ટ. આ યુવતી ગ્રેજ્યુએટ થયા પછી છેલ્લા બે વર્ર્ષથી પોતાની ત્રણેક એકરની નાની જમીનના ટુકડામાં સતત ખેતી કરે છે. તે આખા અમેરિકાને સમજાવવા ચાહે છે કે દરેક પરિવારમાંથી એક સભ્યએ તો પોતાનું જીવન કૃષિને સમર્પિત કરવું જોઈએ. તો જ પરિવારના બાકીના લોકોને સારા ખોરાક-પાણી મળી શકે. જેમના ઘરમાં એક ખેડૂત ન હોય એમના ઘરમાં અનેક ઝેરી ખાદ્ય પદાર્થો પ્રવેશી જવાની ભીતિ રહે છે. આ લીઝ નામની યુવતી કહે છે કે એ જરૂરી નથી કે તમારી પાસે તમારું ખેતર હોય. બે વર્ષ પહેલા મારી પાસે મારું ખેતર ન હતું તો હું બીજાના ખેતરમાં કામ કરવા જતી. તેમાંથી મળેલા પૈસા અને મારી નોકરીની બચત બધું ભેગું કરીને મેં ત્રણ એકર જમીન ખરીદી છે.
લીઝ કહે છે કે હવે આ ત્રણ એકર જમીન એ માત્ર જમીન નથી પરંતુ મારી હવે પછીની જિંદગીની મહત્ત્વની ભૂમિકા છે. કારણ કે અહીંથી જ મને બધાય સુખ પ્રાપ્ત થશે. આ ત્રણ એકરની જમીન મને હોસ્પિટલો અને અકસ્માતોથી બચાવશે. હવે મારે શહેરમાં જવાની જરૂર નથી. જો કે આવી વિચારધારા જેટલી સાંભળવી કે વાંચવી મીઠી લાગે છે, એટલો એનો અમલ સરળ કે સ્વાભાવિક નથી. આપણો દેશ તો માત્ર કહેવા ખાતરનો જ કૃષિપ્રધાન છે. સરવાળે નજર નાંખો તો ખ્યાલ આવે કે બધાને જમીન માલિકીમાં જ રસ છે, ખેતીમાં રસ નથી.


