ચોક્કસ જ્ઞાતિ-જાતિ પરના આતંકવાદી હુમલાઓ હવે દુનિયાના અનેક દેશો માટે ઉપાધિ છે. આતંકવાદને કોઈ દિશા હોતી નથી અને તે વારંવાર રંગ બદલીને હવે તો ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકે છે. આજની દુનિયા પર સતત લટકતી તલવાર એ આ આતંકવાદ છે. સિડનીમાં યહૂદી સમુદાયને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલાએ પહેલગામના આતંકી હુમલાના ઘા ફરી તાજા કરી દીધા છે. પહેલગામમાં પણ આતંકીઓએ લોકોની પસંદગી કરીને એક પછી એક હત્યા કરી હતી. સિડનીના જગખ્યાત બોન્ડી બીચ પર યહૂદી સમુદાય પર થયેલા હુમલાએ ફરી એકવાર આ ક્રૂર સત્યની યાદ અપાવી છે કે આતંકવાદીઓ સામાન્ય જીવનનાં કેન્દ્રસ્થાનો, પ્રાર્થનાસ્થળો અને શાંતિ આપતા સ્થળોને જ પોતાનું નિશાન બનાવે છે.
આ હિંસા હનુક્કા ઉત્સવ દરમિયાન કરવામાં આવી હતી, જે આપણી દિપાવલીની જેમ અંધકારના સામ્રાજ્યને પ્રકાશ દ્વારા પરાજિત કરવાની પ્રતિજ્ઞાનું પ્રતીક છે. આ અર્થમાં જોવામાં આવે તો આ હુમલો ક્રૂરતાની પરાકાષ્ઠા દર્શાવે છે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયા લાંબા સમયથી એ વિશ્વાસ સાથે શાંતિ અનુભવી રહ્યું હતું કે વૈશ્વિક સંઘર્ર્ષોથી તેની ભૌગોલિક દૂરતા તેને સુરક્ષા આપે છે, પરંતુ આ ઘટનાએ તેનો આ ભ્રમ તોડી નાખ્યો છે. હવે તેને એ સમજ પડી છે કે આતંકવાદીઓ પોતાના ઘાતક ઇરાદાઓને અમલમાં મૂકવા માટે આવા જ વિશ્વાસોને તોડી પાડીને હુમલા કરે છે. બોન્ડી પરના હુમલાએ માત્ર ઓસ્ટ્રેલિયા દેશનો ભ્રમ તોડયો નથી, પરંતુ તેને પોતાની સુરક્ષા નીતિઓમાં ફેરફાર કરવા માટે પણ મજબૂર કર્યો છે. સ્વાભાવિક રીતે, ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ આ હુમલાને વૈશ્વિક આતંકવાદની ઘટના તરીકે વર્ગીકૃત કર્યો છે, ખાસ કરીને હિંસાની પદ્ધતિ અને તેના વૈચારિક હેતુઓને ધ્યાનમાં રાખીને. આતંકવાદી પિતા-પુત્ર પાકિસ્તાનના વતની હતા એ વાતથી જો કે કોઈને નવાઈ લાગી નથી.
આ વર્ગીકરણ એ વાતને પણ સ્વીકારે છે કે આ હુમલો ઘૃણાથી પ્રેરિત હિંસાની એક વિશ્વવ્યાપ્ત ઝુંબેશનો ભાગ હતો, જે અનેક દેશોમાં જોવા મળી રહી છે. આ આતંકી ઘટનાના પગલે યહૂદી સમુદાયમાં દુ:ખ સાથે આક્રોશ પણ ઉભરાઈ રહ્યો છે, ખાસ કરીને આ બાબતે કે યહૂદી સમુદાય દ્વારા લાંબા સમયથી આપવામાં આવતી ચેતવણીઓ છતાં ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધી વલણને ગંભીરતાથી લેવામાં આવ્યું નહીં. જો આ પ્રવૃત્તિ પર અગાઉથી જ કડક નજર રાખવામાં આવી હોત, તો કદાચ બોન્ડીનો હુમલો અટકાવી શકાયો હોત. ગાઝા પટ્ટી પરનું યુદ્ધ શરૂ થયા પછીથી ઓસ્ટ્રેલિયામાં આ મુદ્દે જાહેર ચર્ચા વધ તીવ્ર અને ધુ્રવીકૃત બની ગઈ હતી. અહીં થયેલા મોટાભાગનાં વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યા છે, પરંતુ અતિરેકી વિચારધારાને પોષણ આપતા થોડાક લોકો પણ ઘાતક ઘટનાઓને અંજામ આપી શકે છે.
આ હુમલાએ આવા મનસૂબાઓને અટકાવવાની મર્યાદાઓને પણ ઉજાગર કરી છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતા દ્વારા આતંકી નેટવર્ક્સ પર સમયસર નજર રાખી શકાય છે. પણ ઓસ્ટ્રેલિયા એમાં નિષ્ફળ નીવડયું છે. તે યોગ્ય સમયે આવનારા ખતરાઓનું મૂલ્યાંકન કરી શકે છે અને સાજિશોને નિષ્ફળ પણ બનાવી શકે છે. પરંતુ એક વિસંગતિ એ પણ છે કે જાહેર સ્થળોએ એકલવાયા હુમલાખોરોને રોકવાનું મુશ્કેલ હોય છે, જેમ કે આ ઘટનામાં જોવા મળ્યું. તેમ છતાં, આ ભયાનક ઘટનામાં એક અસાધારણ સાહસ પણ જોવા મળ્યું. એહમદ નામના એક બહાદુર રાહદારીએ એક હુમલાખોરને નિશસ્ત્ર કરવા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકી. ભલે તે આ પ્રયાસમાં ઘાયલ થયો હોય, પરંતુ તેણે અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મેળવી. સમગ્ર વિશ્વમાં તેના સાહસ માટે પ્રશંસા થઈ રહી છે. એણે એનો ભાઈ જે સાથે હતો એને કહ્યું કે હું કદાચ માર્યો જાઉં તો ઘરે કહેજે કે લોકોની જિંદગી બચાવવા માટે હું ફના થયો છું.
એ એહમદ રાતોરાત ઓસ્ટ્રેલિયાનો લોકપ્રિય હીરો બની ગયો છે. આ બચાવકારી સાહસમાં એક સંકેત એ પણ છે કે આવા હુમલાઓ વખતે સામનો કરવાનું સાહસ જો આમ નાગરિકો ન કરે તો જાનહાનિનો આંક ઊંચે જઈ શકે છે. એટલે કે આતંકવાદ સામે જ્યાં સૈન્ય કે પોલીસ પહોંચે નહિ ત્યાં સામાન્ય નાગરિકે જ લડી લેવું પડે એ સમય આવી ગયો છે. સંકટની ઘડીએ દેખાતું આવું સાહસ આતંકવાદીઓની કાયરતા પર કરારો પ્રહાર છે અને તેનાથી તેમના ઇરાદાઓ નિષ્ફળ જાય છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે ઘોર અંધકારના પળોમાં પણ માનવતાનો અંત થતો નથી. નિશ્ચિતરૂપે, આ ઘટનાના બાદ ઓસ્ટ્રેલિયાએ ત્યાં રહેતા સંવેદનશીલ સમુદાયો માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ. સાથે જ સમાજમાં ઘૃણા ફેલાવનારા અપરાધીઓ સામે સમયસર કાર્યવાહી કરવી જરૂરી છે.


