Get The App

બે સેનાપતિઓનું સુદાનયુદ્ધ .

Updated: Apr 18th, 2025

GS TEAM

Google News
Google News
બે સેનાપતિઓનું સુદાનયુદ્ધ                                    . 1 - image

આજથી બરાબર બે વરસ પહેલાં બે સેનાપતિઓ વચ્ચેના સત્તા સંઘર્ષે સુદાનને હિંસાના વિનાશક ચક્રમાં ધકેલી દીધું. તાજેતરનાં વર્ષોમાં સુદાનમાં એક ક્રાંતિ અને પછી પ્રતિ-ક્રાંતિકારી એમ બેવડા બળવા જોવા મળ્યા છે. સેનાપતિઓના સંઘર્ષને કારણે લગભગ સવા કરોડ લોકો વિસ્થાપિત થયા છે, રાજધાની ખાર્તુમ સહિતનાં શહેરો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે અને દેશને આર્થિક પતન તરફ દોરી ગયા છે. આ બધાના કારણે ચાર વર્ષમાં વિશ્વનો પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કરાયેલો દુષ્કાળ પડયો છે. કુલ દોઢ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં, જનરલો, આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને કુખ્યાત પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)ના વડા મોહમ્મદ હમદાન દગાલોએ લડાઈ ચાલુ રાખી છે. પરિવારો છિન્નભિન્ન થઈ ગયા છે. દરેક નાગરિક ઘરમાં શસ્ત્ર રાખે છે. પ્રજાનો પોતાનો કોઈ પણ સેનાપતિ તરફ પક્ષપાત નથી, પણ વિવિધ ટેકેદારો કુટુંબોના માળા વિખી રહ્યા છે.

સંઘર્ષની શરૂઆતમાં સેનાને નિષ્ફળતાનો સામનો કરવો પડયો હોવા છતાં, તેણે ફરીથી પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. ગયા મહિનાના અંતમાં, જનરલ બુરહાનના દળોએ ખાર્તુમ પર નિયંત્રણ મેળવ્યું, જેનાથી આરએસએફને મોટો ફટકો પડયો. સેનાએ ઉત્તર અને પૂર્વ સુદાનના મોટા ભાગ પર નિયંત્રણ મેળવી લીધું છે. આમાં લાલ સમુદ્રના કિનારે આવેલું શહેર પોર્ટ સુદાનનો સમાવેશ થાય છે, જે યુદ્ધ સમયની વાસ્તવિક રાજધાની હતી. જેવું યુક્રેનમાં તેવું જ અહીં છે. યુક્રેન યુદ્ધ બે દેશો વચ્ચે છે ને સુદાન યુદ્ધ દેશના જ બે ખૂંખાર સેનાપતિઓ વચ્ચે છે. પરંતુ બન્ને યુદ્ધમાં સમાન રીતે પ્રજા ગૌણ થઈ જાય છે. એક પછી એક એમ હજારો લોકો મોતને ભેટતા રહે છે. જેને મૂળ લડવૈયાઓની સાથે સંમતિ છે કે નહીં એ પૂછયા વિના યુદ્ધ તેમની આહુતિ લઈ લે છે. સુદાનમાં આજે જેને દિવસમાં બે વાર ભોજન મળે એ શ્રીમંત ગણાય છે.

તાજેતરમાં, RSF એ રાજકીય સમર્થન મેળવવા માટે તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં સમાંતર સરકારની જાહેરાત કરી. તેથી, સેનાના ફાયદા છતાં, નિર્ણાયક વિજય હજુ પણ દૂર લાગે છે. જ્યારે RSF પર બાલિકાઓ પર બળાત્કાર સહિત નાગરિકો સામે વ્યાપક અત્યાચારોનો આરોપ છે, ત્યારે સુદાનની અરાજકતા માટે બંને પક્ષો જવાબદાર છે. ઈ. સ. ૨૦૧૯માં જ્યારે મોટા વિરોધ પ્રદર્શનોએ રાષ્ટ્રપતિ ઓમર અલ-બશીરના ત્રણ દાયકાની ક્રૂર સરમુખત્યારશાહીનો અંત આણ્યો, ત્યારે દેશને એક નવી સવારની આશા હતી. બશીરના પતન પછી, લશ્કરી અને નાગરિક નેતાઓએ સંક્રમણકારી વહીવટમાં સત્તા વહેંચી, જેને સંપૂર્ણ નાગરિક શાસન તરફનાં પગલાં તરીકે લોકો જોતા હતા.

પરંતુ ઈ. સ. ૨૦૨૧માં, તત્કાલીન સંક્રમણકારી સરકારના વડા જનરલ બુરહાને નાગરિક નેતૃત્વને સત્તા સોંપવાનો ઇનકાર કર્યો હતો. તેણે બળવાનું કાવતરું ઘડવા માટે દગાલો સાથે હાથ મિલાવ્યા. પરંતુ તેમનું તકલાદી જોડાણ પણ ટૂંક સમયમાં તૂટી ગયું, જેના કારણે ગૃહયુદ્ધ થયું. બે વર્ષ સુધી, આંતરરાષ્ટ્રીય સમુદાયે મોટે ભાગે આંખ આડા કાન કર્યા. હવે કોઈ પણ યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સમુદાય પ્રેક્ષક દીર્ઘામાં જ બેઠો હોય છે. જ્યારે, પ્રાદેશિક શક્તિઓએ હરીફ જૂથોને ટેકો આપ્યો. સંયુક્ત આરબ અમીરાત (UAE) મુખ્યત્વે RSFને ટેકો આપે છે, અને સૈન્યને રશિયા, તુર્કી, ઈરાન અને કતારનો ટેકો છે. પરંતુ બે વર્ષનંા યુદ્ધ એ વાતનો પુરાવો છે કે કોઈ લશ્કરી ઉકેલ હોઈ શકે નહીં. સુદાનની સંસ્કૃતિ હવે વિનાશને આરે છે. સેનાપતિઓ મહત્ત્વની પુરાતત્ત્વ સાઈટો પણ ખતમ કરી રહ્યા છે.

લશ્કર દ્વારા સતત હવાઈ હુમલાઓ, આરએસએફ દ્વારા ગેરીલા પદ્ધતિએ આડેધડ હુમલાઓ અને લૂંટફાટ તથા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સ્ત્રીઓ પરના અત્યાચારોને કારણે સુદાનની પ્રજા જીવતેજીવ નરકની યાતના ભોગવી રહી છે. આરોગ્ય સંભાળ, શિક્ષણ અને ખોરાક-પાણીની પહોંચ સંપૂર્ણપણે ખોરવાઈ જવાથી નાગરિકો પીડાય છે. વિશ્વએ સુદાનના માનવતાવાદી સંકટ પર ધ્યાન આપવું જોઈએ અને લડતાં જૂથો વચ્ચે તાત્કાલિક, અર્થપૂર્ણ વાટાઘાટો માટે દબાણ કરવું જોઈએ. સુદાનને ઓછામાં ઓછી થોડી સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક યુદ્ધવિરામ અને ત્યારબાદ માનવતાવાદી સહાયની જરૂર છે. આધુનિક સુદાન પ્રજાસત્તાકની રચના ૧૯૫૬ની શરૂઆતમાં થઈ હતી. ૧૮૯૯ પહેલાં, સુદાન શબ્દનો ઉપયોગ મુખ્યત્વે તુર્કી અને મહદીસ્ટ રાજ્ય, ઉત્તરમાં ઇજિપ્ત અને દક્ષિણમાં આધુનિક યુગાન્ડા, કેન્યા અને ઇથોપિયાની સરહદ ધરાવતા વિસ્તારો વચ્ચેના વિશાળ અને વૈવિધ્યસભર પ્રદેશ માટે થતો હતો.