બિહારની ચૂંટણીમાંથી પરવારેલા એનડીએના કેન્દ્રીય નેતાઓ હવે આગામી કેન્દ્રીય બજેટની તૈયારીઓ તરફ ધ્યાન આપવા લાગ્યા છે. દેશમાં આંતરિક સુરક્ષા અંગે કેન્દ્ર સરકાર અદ્યાપિ અંધારામાં હતી તે એકાએક વિસ્ફોટક રીતે હવે જાગી ગઈ છે. આ વખતની જાગૃતિ એમણે લાંબી ચલાવવી પડશે. કેન્દ્રના વિવિધ મંત્રાલયોના પારસ્પરિક નેટવર્ક અને ઉચ્ચાધિકારીઓની ગહન તપશ્ચર્યાના ફળસ્વરૂપે બજેટ તૈયાર થતું હોય છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અધિકારીઓનો બહુ મોટો કાફલો એમાં રોકાયેલો રહે છે. આટલી વહેલી તૈયારી કરવાનું કારણ સ્પષ્ટ છે કે હવેના બજેટમાં સરકારનું ધ્યાન રાજ્યો તરફ વિશેષ રહે છે. છેલ્લા એક વરસમાં વડાપ્રધાને વિવિધ રાજ્યોમાં જઈને જે અમુક-તમુક લાખ કરોડના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા ને એ માટેના નાણાંકીય સાધનોની ફાળવણી કરવી પડી તે હકીકતમાં ગયા બજેટની ભૂલોની સુધારણા અથવા તો અધૂરપોની પરિપૂર્તિ છે.
આમ તો નાણાં પ્રધાન ખુદ આજકાલ અનેક મુંઝવણમાંથી પસાર થઈ રહ્યા છે. કરવેરા ઘટાડવા અને રાજકોષીય ખાધ વધવા ન દેવી એવો ઈલમ તેઓ શોધી રહ્યા છે. જો કે જનમાનસમાં પ્રજાને કોઈ પણ બહાને ખંખેરતા રહેવાની ભાજપની જે ઈમેજ છે એ આગામી બજેટથી તૂટી શકે એમ નથી અને એવો કોઈ ભાજપનો એજન્ડા પણ નથી. અગાઉ નિર્મલા સીતારામને વિવિધ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી અને હવે ફરી યોજશે. ભાજપ કોઈની વાત પણ સાંભળી શકે એમ હોય તો એ નવાઈ છે. શાસન કરો અને કાન બંધ રાખો - એવી તેમની પોલિસી હોય એવો પ્રજાનો અનુભવ છે. ફુગાવાને કદાચ કેન્દ્રના પ્રધાનો સમજતા જ નથી. નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને નીતિન ગડકરી આ ત્રણ પ્રધાનોએ તો ફુગાવાને અંકુશમાં રાખવાનો કસબ શીખવો જોઈએ. કારણ કે મોદીના પ્રધાન મંડળની આ ત્રિપુટી પર સરકારનું જહાજ કઈ દિશામાં તરશે એનો મહત્ આધાર રહેલો છે.
રિઝર્વ બેન્કે તબક્કાવાર વ્યાજદરને નીચે લઈ જવાનો વ્યાયામ ચાલુ રાખ્યો છે. ઘટાડો કર્યાપછી પણ રિઝર્વ બેન્કના અર્થશાસ્ત્રીઓને સંતોષ નથી. તેઓ થોડો સમય પસાર થયા પછી હજુ કંઈક ઘટાડો કરે એવી દહેશત છે. ભાજપના સત્તારોહણના પ્રથમ પંચવાર્ષિક સમયગાળામાં નાની બચતોનું તો જાણે કે પ્રાણ પંખેરું જ ઉડાડી દેવામાં આવ્યું હતું. બીજા પંચકમાં બાકીની તમામ બચતોના વ્યાજ ઘટાડવાની મુરાદ એનડીએ સરકાર રાખી હતી. હવે આ ચાલુ ત્રીજા પંચકમાં જીએસટી સુધારણાને કારણે લોકોને આશા બંધાઈ છે કે આવકવેરામાં પણ નોંધપાત્ર રાહત મળશે અને એમાં ગયા વરસ જેવી ચાલાકી નહિ હોય. પાછલા બજેટ પાસેથી પ્રજાની અપેક્ષાની તુલનામાં બજારોની અપેક્ષા બહુ ઊંચી છે. નિર્મલા સીતારામન હજુ સુધી તો એચએમવી એટલે કે હર માસ્ટર્સ વોઇસ પ્રમાણે જ ચાલે છે. આટલો સમય થયો છતાં એક નાણામંત્રી તરીકેના તેમના મૌલિક વિચારોથી દેશ પૂરો અજ્ઞાાત છે.
જ્યારે પણ સીતારામનને બોલવાનો મોકો મળ્યો છે ત્યારે તેમણે ફેરવી ફેરવીને એક જ વાત કહી છે કે આ જે વિકાસદર ઘટે છે એ તો વચગાળાનો સામાન્ય અને થોડા સમય માટેનો જ આંચકો છે. તેમણે એક વાર તો એમ કહ્યું કે વિકાસદર બતાવે છે એના કરતાં દેશ વધુ પ્રગતિ કરી રહ્યો છે! દુનિયાના કોઈ નાણાં પ્રધાન આવા હાસ્યાસ્પદ વિધાનો ન કરે. સહુ ભાજપની હાઈકમાન્ડ દ્વિમૂર્તિને રાજી રાખવા માટે અસત્યના આંગણે આળોટે છે અને એમાં નિર્મલા પણ બાકાત શાને હોય ? પાયાની હકીકતો ન સ્વીકારવાની ભાજપને જે ગળથૂથી ટેવો પડેલી છે એના પ્રભાવથી સૌથી વધુ જો કોઈ મુક્ત હોય તો નીતિન ગડકરી છે. સીતારામનની એ તાકાત નથી કે જે દેખાય કે અનુભવાય છે એ બોલી શકે.
જુદા જુદા ઉદ્યોગપતિઓ સાથેની અને વિધવિધ ઔદ્યોગિક - વેપારી મહામંડળો સાથેની બેઠકોથી નિર્મલાજીને કેટલું બ્રહ્મજ્ઞાાન લાધવાનું છે તે તો કોઈ જાણશે નહિ પરંતુ દિવંગત અરૂણ જેટલીએ દાખલ કરેલી પક્ષના ઓર્ડર પ્રમાણે બજેટ બનાવવાની પ્રથાને જ સીતારામન અનુસરતા આવ્યા છે. ખરો ખ્યાલ નવા નાણાંકીય વરસના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી આવશે. એ આકરી કસોટી છે કારણ કે સરકારે અનેક રીતે અર્થતંત્રમાં પુનઃ પ્રાણસંચાર કરવા માટે જે હજારો કરોડ રૂપિયા બજારમાં યોગ્ય ચેનલોથી ઠાલવ્યા છે એની અસલી અસર પણ હવેના નાણાંકીય વરસના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે ખબર પડશે. અને ત્યારે જો ચડતી કળાનો ચન્દ્ર ન દેખાય તો સમજવાનું કે અંધારઘેરી મંદીની મહારાત્રિ બહુ લાંબી ચાલશે.


