ભારતનો ત્રીજો દુશ્મન .
આજકાલ દેશમાં તુર્કી વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના સંઘર્ષમાં તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. ત્યારથી, સોશિયલ મીડિયા પર 'બોયકોટ તુર્કી' ઝુંબેશ ચાલી રહી છે. તુર્કી સાથે વેપાર સહિત તમામ પ્રકારના સંબંધોનો અંત લાવવાની ભારતીય પ્રજાની ડિમાન્ડ છે. દરમિયાન, સરકારે તુર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા લિમિટેડની સુરક્ષા મંજૂરી રદ કરી દીધી છે. આ કંપની ભારતના ઘણા એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે. આમાં દિલ્હી, કોચીન, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને ગોવા જેવાં મુખ્ય એરપોર્ટનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે તેણે ભારતમાં ૨૦૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ તો શરૂઆત છે. પાકિસ્તાન સાથેની મિત્રતા તુર્કી માટે ખૂબ મોંઘી સાબિત થવાની છે.
કેટલીક ટ્રાવેલ વેબસાઇટ્સે ભારતીયોને તુર્કીની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. તેવી જ રીતે, ઘણા વેપારીઓએ તુર્કીમાંથી સફરજન ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર #BoycottTurkey ટ્રેન્ડ કરી રહ્યું છે. ગોવાની હોટેલોએ તુર્કીના નાગરિકોને ગોવામાં રહેવાની સુવિધા ન આપવાનો નિર્ણય લીધો છે. તેવી જ રીતે, ઉદયપુરના આરસપહાણના વેપારીઓ કહે છે કે તેમણે તુર્કી સાથેનો વ્યવસાય સમાપ્ત કરી દીધો છે. ભારત સાથે છેડછાડ કરીને, તુર્કીને લગભગ ૪.૬ બિલિયન ડોલર એટલે કે આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારત અને તુર્કી વચ્ચેનો વેપાર નોંધપાત્ર રીતે વધ્યો છે. સન ૨૦૨૨-૨૩માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર ૧૩.૮ બિલિયન ડોલરને વટાવી ગયો. જોકે, ૨૦૨૩-૨૪માં તેમાં થોડો ઘટાડો થયો હતો અને વેપાર ૧૦.૪૩ બિલિયન ડોલર રહ્યો હતો. આમાંથી, ભારતે તુર્કીને ૬.૬૫ બિલિયન ડોલરનો માલ વેચ્યો અને તેની પાસેથી ૩.૭૮ બિલિયન ડોલરનો માલ ખરીદ્યો. ભારત મુખ્યત્ત્વે વાહનો, રસાયણો અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તુર્કીમાં નિકાસ કરે છે અને ત્યાંથી ઇંધણ, મશીનરી, સિમેન્ટ અને સૂકા મેવાની આયાત કરે છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કીએ જે રીતે ભારત કરતાં પાકિસ્તાનને પ્રાધાન્ય આપ્યું તેનો તે નિર્ણય ભારત માટે આશ્ચર્યજનક હતો. ભારતે હંમેશા તુર્કીની સાથે મજબૂત રીતે ઊભા રહેવાની હિંમત બતાવી છે, દરેક આફતમાં તેને શક્ય તેટલી મદદ કરી છે, પરંતુ જ્યારે ભારતને તુર્કીના સમર્થનની જરૂર હતી, ત્યારે તે આતંકવાદી દેશ, પાકિસ્તાનની સાથે ઊભો રહ્યો. જો આપણે તેના પર નજર કરીએ તો, ભારત માટે ઇસ્લામિક દેશો સાથે રાજદ્વારી સંબંધો જાળવી રાખીને પોતાનાં હિતોનું રક્ષણ કરવું હંમેશા ખૂબ જ પડકારજનક રહ્યું છે. બીજી બાજુ, ભારતનો પડોશી દેશ ક્યારેય વિશ્વાસપાત્ર પાડોશી સાબિત થયો નથી. ચીનની વિસ્તરણવાદી વ્યૂહરચના હંમેશા ખતરો રહી છે. આ સંદર્ભમાં, ચીન હંમેશા અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો વ્યક્ત કરતું રહ્યું છે.
ચીન અને પાકિસ્તાનનું એક થવું ભારતીય સરહદોની સુરક્ષા માટે પહેલેથી જ પડકારજનક હતું. હવે આ જોડાણમાં તુર્કીનો સમાવેશ એક નવો માથાનો દુખાવો બનવા જઈ રહ્યો છે. દક્ષિણ એશિયામાં, ચીને દેવાનું જાળું ફેલાવીને ઘણા જૂના વિશ્વાસુ મિત્રોને ભારતથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ચીન-પાકિસ્તાન અને તુર્કીની ત્રિપુટી ભારતનો પડકાર વધારી શકે છે. પાકિસ્તાન અને ચીનના ઇરાદા હંમેશા ભારત વિરુદ્ધ રહ્યા છે. ભારત સાથે મોટા વેપાર સંબંધો હોવા છતાં, નફ્ફટ ચીન આંતરરાષ્ટ્રીય મંચો પર ખુલ્લેઆમ પાકિસ્તાન સાથે ઊભેલું જોવા મળે છે. હવે તુર્કી પણ આ લિંકમાં જોડાયું છે.
વિશ્વનાં બદલાતાં રાજકીય સમીકરણોમાં, સાઉદી અરેબિયા અને યુએઈ હવે તેમની કટ્ટરપંથી ઇસ્લામિક છબીને પાછળ છોડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાઓને સાકાર કરવામાં વ્યસ્ત છે. તે પોતાને મુસ્લિમ સમુદાયના બની બેઠેલા નેતા તરીકે રજૂ કરવા ચાહે છે. આ જ કારણ છે કે તેઓ પાકિસ્તાનને પણ સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તુર્કી અને ચીન પાકિસ્તાનને સતત મોંઘાં આધુનિક શસ્ત્રો પૂરા પાડી રહ્યાં છે, જેનો ઉપયોગ પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે કરે છે. પાકિસ્તાને તાજેતરમાં તુર્કીની સરકારી સંરક્ષણ કંપની સાથે ૧.૫ બિલિયન ડોલરનો કરાર કર્યો છે.
બીજી તરફ, ચીની રોકાણને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. ચીને પાકિસ્તાનમાં ભારે રોકાણ કર્યું છે અને દક્ષિણ એશિયામાં તેના વિસ્તરણવાદી હેતુઓને પૂર્ણ કરવા માટે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાકિસ્તાનના ગ્વાદર એરપોર્ટમાં ભારે રોકાણ કર્યું છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર બેલ્ટ એન્ડ રોડ એ પહેલનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.