Get The App

રાજધાની દિલ્હીની ધૂમ્રસેરો .

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
રાજધાની દિલ્હીની ધૂમ્રસેરો                          . 1 - image

પાટનગર નવી દિલ્હીમાં હવે પ્રદૂષણ વધવાની મોસમ શરૂ થશે. દર વરસે ચૈત્ર-વૈશાખના વાયરામાં નવી દિલ્હીનું આકાશ રંગ બદલે છે. આમ તો આ સમય સ્વચ્છ અને નિર્મળ-નિર્જળ આકાશના ઉઘાડનો હોય છે. પરંતુ આ જ દિવસોમાં દિલ્હીમાં ઘોર પ્રદૂષિત હવામાનમાં આખો કુતુબમિનાર ડૂબી જાય છે. આ પરિસ્થિતિ છેલ્લા ઘણાં વરસોથી છે. સ્થાનિક સરકાર પોતાના ટચુકડા રાજ્યના વાતાવરણને પરિશુદ્ધ કરવા માટે સમ-વિષમ એટલે કે ઓડ-ઈવન યોજના જેવા પ્રયત્નો કરી ચૂકી છે, પરંતુ એના પરિણામો માત્ર પ્રાસંગિક અને થોડીક જ રાહત દેનારા નીવડયા છે. આ વખતે ફરી વાર પાટનગર નવી દિલ્હીમાં બદલાઈ રહેલા હવામાનમાં પ્રદૂષણની માત્રા ન વધે તે માટે સમ-વિષમ યોજના દાખલ કરવી પડશે જેમાં એક દિવસ એકી નંબરના વાહનો દોડશે અને પછીના દિવસે બેકી નંબરના વાહનો જ દોડશે. આ ક્રમ વારા ફરતે ચાલતો જ રહેશે.

અલબત્ત નીતિન ગડકરીએ કહ્યું કે ઓડ-ઈવન યોજનાની જરૂર નથી કારણ કે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે જે પ્રદૂષણને કાબૂમાં રાખી શકે છે. ગડકરી હવે તેમના ભાજપ ગોત્ર પ્રમાણે તરંગલીલા શીખી ગયા છે. ભાજપના કેટલાક પ્રધાનો અને નેતાઓ એવા છે કે તેમને ભાન જ હોતી નથી કે તેઓ શું બોલી રહ્યા છે. ગડકરીએ સમ-વિષમ યોજનાની મજાક ઉડાવી છે, જ્યારે કે એનો વિકલ્પ કેન્દ્ર સરકાર પાસે નથી. વળી, દિલ્હીમાં ભાજપનું જ શાસન છે. દર વરસે નવેમ્બર - ડિસેમ્બરમાં પંજાબ અને હરિયાણામાં ચોમાસાની મોસમ પૂરી થયા પછી લણણી વગેરે ખેતીકામ ચાલે છે. જેમાં પછીથી વધારાનો કૃષિકચરો તેઓ સળગાવે છે જેનો ધૂમાડો દિલ્હીના આભને કાળું ડિબાંગ કરી મૂકે છે. એટલે શરદઋતુમાં વાહનોના ધૂમાડામાં હરિયાણા-પંજાબનો ધૂમાડો ઉમેરાય છે. સામાન્ય નાગરિક માટે આ પ્રાણઘાતક સ્થિતિ છે. દિલ્હીના ગરીબ અને પછાત વસાહતોમાં રહેતા લોકોનો મૃત્યુઆંક આ સમયગાળામાં બહુ ઊંચો આવે છે. એક માન્યતા પ્રમાણે પાટનગરના ત્રીસ ટકા લોકો પોતાને થયેલા ફેફસાના રોગોથી અજ્ઞાાત છે અને તેમને જ્યારે ખબર પડશે ત્યારે મોડુ થઈ ગયું હશે.

દિલ્હીનો અનુભવ વિખ્યાત છે છતાં કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ભવિષ્યના સંભવિત અતિ પ્રદૂષિત શહેરો પર કામ કરતી નથી. આજનું દિલ્હી એ આવતીકાલનું અમદાવાદ છે. પણ આ વાત અમદાવાદ સંબંધિત કોઈ પણ સત્તામંડળ સ્વીકારવા તૈયાર નથી. આડેધડ વિકાસનો નમૂનો બનવા માટે તમામ ભારતીય શહેરો વચ્ચે સ્પર્ધા ચાલે છે. કોરોનાકાળ પૂરો થયા પછી પણ બેંગ્લોરમાં આઈટી કંપનીઓએ પોતાના એન્જિનિયરોને વર્ક ફ્રોમ હોમ પોલિસી અપનાવવાનો આગ્રહ કર્યો છે. ઘરેથી કામ કરવાની સમસ્યા એ છે કે આપણો દેશ હજુ ઘરેથી કામ કરવા ટેવાયેલો નથી. દેશના મહાનગરોમાં જે બે સ્થળો વચ્ચે સામયિક અંતર પાંચ વરસ પહેલાં પંદર મિનિટનું હતું તે આજે દોઢ કલાકનું થઈ ગયું છે. કલકત્તા અને મુંબઈ એની ગીચતાને કારણે બદનામ થયા છે પણ સૌથી ખરાબ હાલત અત્યારે બેંગ્લોરની છે. બેંગ્લોરનો ટ્રાફિક પ્રવાહ કીડી પગલે જ ચાલે છે. ત્યાં ગમે તેવી ભવ્ય મોટરકારો હોય, એની મજાક ઉડાવવાના તમામ કીમિયા એના યાતાયાત પાસે છે.

જો પ્રદૂષણની માત્રાને વિકાસનો માપદંડ ગણીએ તો ભારતના વિખ્યાત ધ્વજદંડ સરીખા ફ્લેગશિપ શહેર નવી દિલ્હીનો સૌથી વધુ વિકાસ થયો છે. વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોની યાદીમાં દિલ્હી ક્યાંય આગળ બિરાજે છે. દર વર્ષે દસ હજાર કે તેથી વધુ લોકો ફક્ત દિલ્હીમાં પ્રદૂષણને કારણે મોતને ઘાટ ઉતરે છે. પરંતુ દિલ્હી અને ગંગાને શુદ્ધ કરવાના પ્લાન ફક્ત કાગળ ઉપર રહ્યા છે અને જુદી જુદી કમિટી કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસોની ઉધઈઓનો ખોરાક બની રહ્યા છે. દેશના કરોડો વાહનચાલકો અત્યારે પીયૂસી સર્ટિફિકેટ કઢાવવા માટેની લાઈનમાં છે પણ સરકાર દિલ્હી અને તેના આસપાસના પરિસરમાં ખડકી દેવામાં આવેલી ગેરકાયદે ઇન્ડસ્ટ્રી યુનિટને બંધ કરવામાં નિષ્ફળ નીવડી છે. વાહનોના ધૂમાડા અને કોલસાના બેફામ ઉપયોગને કારણે દિલ્હીના પ્રદૂષણમાં વધુ ઉમેરો થાય છે. દિલ્હીમાં કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી અને તેને ખોટી પદ્ધતિથી બાળવામાં આવે છે જેને કારણે રાજધાનીની હવામાં ઝેર ઔર માત્રામાં ભળે છે. 

અત્યારે તાજમહેલના આરસની સફેદી મેલી થઈ રહી છે તો તેનું પર્યાવરણીય રીતે સંરક્ષણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભવિષ્યમાં ક્યાંક એવું ન થાય કે અઢીસો કિલોમીટર દૂર રહેલા દિલ્હીને કારણે આખો તાજમહાલ કાળો થઈ જાય અને કથિત દંતકથા મુજબ શાહજહાંની બ્લેક તાજ બનાવવાની ઈચ્છા આટલી સદીઓ પછી પૂરી થાય !