થોડા દિવસોમાં દેશમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. વાસંતિક ફૂલોના રંગની જેમ અર્થતંત્રના અનેક રંગ આ વરસે પ્રજાએ જોવાના છે. ભારત અત્યારે સમય અને સંયોગોના એક એવા ત્રિભેટે આવીને ઊભેલો દેશ છે કે જેની સામે રાષ્ટ્રીય જીવનના અનેક ક્ષેત્રોમાં અનેક પડકારો ઊભા છે. ગમે તેવું નેતૃત્વ હોય તો પણ આ પડકારોને પહોંચી વળવાનું કામ આસાન નથી. આફ્રિકન દેશો સહિતના અનેક દરિદ્ર રાષ્ટ્રો ભીષણ મંદીમાં મદદ માટે ભારત તરફ મીટ માંડીને બેઠા છે. ઘરના છોકરાઓએ ઘંટી ચાટવી ન પડે એ માટે સરકાર પારકાને આટો આપવામાં સ્વાભાવિક વિલંબ કરી રહી છે. તોય આજ સુધીમાં લાખો ટન અનાજ નિકાસ થયા છે ને ભેટ પણ અપાયા છે. ટૂંકાગાળાના આ ખેલનો ઈતિહાસ બહુ લાંબો છે. ભાજપની શાહુકારી ને શાહકારી કંઈ જેવીતેવી નથી ! જરૂરિયાતની સામે ચાલુ વરસે અનાજ-કઠોળ ઉત્પાદન બહુ જ ઓછું છે.
પહેલી એપ્રિલથી શરૂ થતાં નવા નાણાંકીય વરસનો હીરો અને વિલન બન્ને અમેરિકા જ પ્રોવાઈડ કરશે એમાં કોઈ શંકા નથી. હવે આ વરસને ટેરિફ વર્ષ કે ટ્રમ્પ વર્ષ જાહેર કરવામાં બહુ વાર નહિ લાગે કારણ કે મનઘડંત તરંગોનો એક જુવાળ આખી દુનિયામાં વહેતો રહેવાનો છે. સામાન્ય નાગરિકને બદલાયેલી અમેરિકન નીતિઓનો પરિતાપ લાગવાનો છે. બજારમાં મંદીના ખેલાડીઓ સક્રિય દેખાય છે. બજાર ખરેખર ઠંડી છે. જો કે સોનાની ચમક હવે ઓછી થાય એમ નથી. સામાન્ય પરિવારો માટે હવે સોનું એક સપનું બની જાય એ સ્થિતિ છે. ઝવેરી બજારોમાં પણ ઊંચા ભાવોને કારણે ખરીદીમાં સન્નાટો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે હવે શરૂ થઈ રહેલા નાણાંકીય વર્ષ માટે ૧૦.૫ ટકાનો વિકાસ અંદાજ મૂક્યો છે. જો કે પહેલી નજરે મુશ્કેલ લાગે છે, પરંતુ ઈ. સ. ૨૦૨૪ ના બેકલોગને સરભર કરવા માટે ઉદ્યોગો અને સેવાઓ જે રીતે કામે લાગેલા દેખાય છે, એ જોતાં એ સાવ અસંભવ નથી.
મિસ્ટર દાસાનુદાસે અગાઉ પણ કહ્યું જ હતું કે ભારતીય અર્થતંત્રની ગાડી હવે પાટે ચડી ગઈ છે અને સુધારાવાદી અભિગમ દ્વારા અર્થતંત્રમાં ચડતી કળાનો ચંદ્ર દેખાય છે. નવા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકના પરિણામો જ્યારે જાહેર થશે ત્યારે એટલે કે આગામી જુલાઈ આરંભે આપણને પ્રગતિનો પ્રારંભિક અણસાર મળશે. ભારતીય હવામાન ખાતાએ હમણાં જ એવી જાહેરાત કરી છે કે આગામી ચોમાસુ સમયસરનું અને પ્રમાણમાં ઘણું સારું રહેશે. અર્થતંત્ર જ્યારે કટોકટીના ભેડાઘાટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે કુદરતી કૃપા સરીખો વરસાદ જો સકારાત્મક રહે તો કૃષિ ક્ષેત્રની મદદથી અર્થતંત્ર વધુ ગતિવાન બને. એક વાત એ છે કે ખાનગી વપરાશમાં વૃદ્ધિની ગતિ ઘણી ધીમી રહી છે. છેલ્લા વરસ દરમિયાન તેમાં માત્ર ૩.૧ ટકાનો વધારો થયો છે, જેને આવકના વિતરણની દ્રષ્ટિએ સારા સમાચાર કહી શકાય નહીં. આ એક મોટી વાત છે કારણ કે દેશના જીડીપીમાં વપરાશનો હિસ્સો ૬૦ ટકા છે. આ સિવાય એક મહત્વનો મુદ્દો અગ્રીકલ્ચર સેક્ટરની નબળી કામગીરી છે. સૌથી મોટી વાત એ છે કે વર્ષના આગામી ભાગમાં આ સેક્ટરમાં વૃદ્ધિની સારી સંભાવના નથી, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ડિમાન્ડ પર અસર પડી શકે છે.
પરંતુ આ પડકારો છતાં દેશની અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વ માટે આશાનો આધાર બની રહી છે. તેની પાછળ એક મોટું પરિબળ ટેક્સ વસૂલાતના મજબૂત આંકડા છે. એ પણ નોંધપાત્ર છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારે રાજકોષીય ખાધમાં મહેસૂલી ખાધનો હિસ્સો ઘટાડયો છે. સરળ શબ્દોમાં, આનો અર્થ એ થયો કે લોનનો મોટો હિસ્સો રોકાણમાં લગાવવામાં આવી રહ્યો છે. આ સિવાય ઘરેલું બચતના સ્વભાવમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું છે. તે સ્પષ્ટ છે કે જો ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને તેને વૈશ્વિક સ્તરે એક તેજસ્વી સ્થાન માનવામાં આવે છે, તો આ પરિસ્થિતિ તરત જ બદલાવાની નથી.
રિઝર્વ બેન્ક વાર્ષિક જીડીપી અંદાજમાં ફેરફાર કરે છે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ ઘણા સ્વતંત્ર વિશ્લેષકોએ આવા સુધારેલા અંદાજો રજૂ કર્યા છે. ઉદાહરણ તરીકે, બાર્કલેઝે તેને ૬.૩ થી ૬.૭ માં બદલ્યું છે. પરંતુ ૬.૩ ટકાના અંદાજિત વૃદ્ધિ દર સાથે પણ, ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવેલા આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક પ્રોજેક્શનમાં ભારતને સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. દેખીતી રીતે, જો કોઈ અણધારી વધઘટ ન થાય, તો ભારતીય અર્થતંત્ર વિશ્વની આશા બની રહેશે. હવે વિદેશી રેટિંગ એજન્સીઓ પણ ભારતના અર્થતંત્રની મજબૂતાઈનો સ્વીકાર કરી રહી છે.


