ભોપાલના રતિબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નીલબાડમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક દંપતી લોન એપની જાળમાં ફસાઈ ગયું અને પોતાનાં બે માસૂમ બાળકો સાથે મોતને ભેટી ગયું. ઘટનાસ્થળેથી ચાર પાનાંની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં યુવકે લોન એપ દ્વારા લોકોને છેતરતી કંપની પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. આ વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારી ક્રિષ્ના થોટાએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી હકીકત એ છે કે પરિવાર પર દેવું હતું. ઓનલાઈન કામ માટે ઓનલાઈન એપ્સ ડાઉનલોડ કરી. જ્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, ત્યારે તમારી સંપર્ક સૂચિ અને ફોટા પરવાનગી સાથે શેર કરવામાં આવે છે. આ ફોટા અને કોન્ટેક્ટ લિસ્ટનો ઉપયોગ કરીને ઉક્ત દંપતીને બ્લેકમેલ કરવામાં આવતા હતા. આ કારણોસર આવું પગલું ભર્યું હતું. મૃતકના પરિવારનાં બેંક ખાતાં, ફોન નંબર, મોબાઈલ-લેપટોપની તપાસ કરવામાં આવશે. જેમને ખંડણીના કોલ આવ્યા હતા તેમના પરિવારજનો સાથે વાત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ કહીને પોલીસ વાત અટકાવે છે.
આ મામલામાં ડીસીપી ક્રાઈમ શ્રુતિ સોમવંશીએ કહ્યું કે સાયબર પોલીસ નકલી એપ્સને શોધવા માટે સમયાંતરે એડવાઈઝરી જારી કરે છે. ઘણી એવી ચાઈનીઝ એપ્સ છે જેને પ્લે સ્ટોર પરથી સીધી ડાઉનલોડ કરી શકાય છે, જે તમારા મોબાઈલમાં એક્સેસ આપ્યા પછી તમારા મોબાઈલનો ડેટા હેક કરી લે છે. તમારો મોબાઈલ તમને બધી પરમિશન્સ એક્સેસ આપે તે પછી તમારો ફોન હેક થઈ જાય છે અને તમને બ્લેકમેલ કરવામાં આવે છે. ડીસીપી ક્રાઈમે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી નકલી એપ્સથી દૂર રહે જે ભારત સરકાર દ્વારા નોંધાયેલી નથી. ઉત્તર પ્રદેશના ઘોસી ગામમાં રહેતા ભરત સિંહને તેની બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર UnicashX નામની લોન એપ શોધી કાઢી અને આ એપમાંથી ૧૫,૦૦૦ રૂપિયાની લોન લીધી. ઈન્સ્ટાગ્રામ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ લોન એપને લઈને કોઈ ખતરાની જાણકારી આપી નથી. ભરત સિંહને પણ આ એપ વિશે કોઈ શંકા નહોતી, કારણ કે એપ દાવો કરે છે કે તે નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની છે અને NBFC RBI દ્વારા નિયંત્રિત છે.
પરંતુ ભરતસિંહે ૧૫,૦૦૦ રૂપિયા લેવાના બદલામાં મોટી રકમ ચૂકવવી પડી હતી. તેણે માત્ર ઊંચું વ્યાજ જ ન આપ્યું પરંતુ સતત માનસિક ત્રાસ પણ સહન કર્યો. ૧૫,૦૦૦ રૂપિયા લેવાને બદલે, UnicashX એ તેને ૫૦,૦૦૦ રૂપિયા એટલે કે ત્રણ ગણી રકમ પરત આપવાની ફરજ પાડી હતી. ભરતસિંહે ઉછીના લીધેલા રૂ. ૧૫,૦૦૦થી વધુ પરત ન આપતાં તેમને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. તેને વોટ્સએપ પર અજાણ્યા લોકો દ્વારા સતત હેરાન કરવામાં આવતો હતો. છેલ્લા ૧૧ વર્ષોમાં ડિજિટલ ધિરાણ બજાર તેજી પામ્યું છે અને ૨૦૨૬માં હવે તે અબજો ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. દર વર્ષે આ ઉદ્યોગમાં લગભગ ૪૦ ટકા વૃદ્ધિ દર નોંધાઈ રહ્યો છે. ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની એક્સપિરિયનના રિપોર્ટમાં આ આંકડો આપવામાં આવ્યો છે. જોકે, આમાંના મોટાભાગના યોગદાન NBFC અને બેંકો દ્વારા સંચાલિત અસલી ફિનટેક કંપનીઓ તરફથી આવે છે.
આ માર્કેટમાં સેંકડો નકલી એપ્સ પણ આવી ચૂકી છે. ત્યાં કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ ઉદ્યોગના નિષ્ણાતોના મતે ગેરકાયદે ધિરાણ બજાર ૭૦૦-૮૦૦ મિલિયન ડોલરની આસપાસ હોઈ શકે છે. આ અધધ કહેવાય એવું વોલ્યુમ છે. ઘણા પીડિતો અને સાક્ષીઓ કે જેઓ આ એપ્સનો શિકાર બન્યા છે તેઓ એક સામાન્ય બાબત તરફ ધ્યાન દોરે છે અને તે છે કોઈપણ સરકારી અને નિયમનકારી ધોરણોની ગેરહાજરી. ઓનલાઈન પ્લેટફોર્મ બહુ ઓછા પૈસા વસૂલે છે અને છેતરપિંડી કરનારાઓ અહીં તેમની નકલી લોન એપ્સની ખુલ્લેઆમ જાહેરાત કરે છે. ભારતીય રિઝર્વ બેંક પાસે ન તો અધિકૃત રજિસ્ટર્ડ કે નકલી લોન એપ્લિકેશન્સની કોઈ સૂચિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અનુકૂળ ડિજિટલ ધિરાણની ઝડપી વૃદ્ધિને કારણે છેતરપિંડી કરતી કંપનીઓમાં વધારો થયો છે. સરકાર પણ હજુ સુધી આ કંપનીઓને ધ્યાનમાં લેવા માટે હિતધારકો સાથે ચોક્કસ માર્ગદર્શિકા પર સહમત થઈ શકી નથી. ઈ. સ. ૨૦૨૦થી અત્યાર સુધીમાં, ભારતીય મીડિયાએ આવા ડઝનેક કેસ નોંધ્યા છે જેમાં લોકોએ કથિત રીતે આવી ગેરકાયદે લોન એપ્સની જાળમાં ફસાઈને આત્મહત્યા કરી છે.
આવી બાબતો પર ચર્ચા કરવા માટે તાજેતરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણા મંત્રાલય, આરબીઆઈ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તેમાં ભાગ લીધો હતો.


